ભારતમાંથી પાકિસ્તાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઘણીબધી દવાઓની આયાત કરી રહી છે પરંતુ હવે પાકિસ્તાની વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર એવું દબાણ ઉભું કર્યું છે કે આ કંપનીઓ તકલીફમાં આવી ગઈ છે.

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ હાલમાં એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. આ ફાર્મા કંપનીઓની તકલીફ પાછળનું કારણ અહીંની વિપક્ષી પાર્ટીઓ છે.
પાકિસ્તાની વિપક્ષી પાર્ટીઓ સ્થાનિક ફાર્મા કંપનીઓ દ્વારા ભારતમાંથી આયાત કરવામાં આવતા રૉ મટીરીયલનો વિરોધ કરી રહી છે અને સરકાર પાસે તેના પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી રહી છે. જો ઇમરાન ખાન સરકાર વિપક્ષી પાર્ટીઓના દબાણમાં આવી જાય તો આ ફાર્મા કંપનીઓ મોટી તકલીફમાં આવી શકે તેમ છે.
પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનું (PPMA) કહેવું છે કે વિપક્ષી પક્ષો દ્વારા પડોશી દેશમાંથી (ભારત) ફાર્મા રૉ મટીરીયલની આયાત પર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં જીવન જરૂરી દવાઓના રૉ મટીરીયલ પણ સામેલ છે, જો આમ થશે તો પાકિસ્તાનમાં લાઈફ સેવિંગ ડ્રગ્સનું ઉત્પાદન ખોરંભે ચડી જાય તેવી શક્યતાઓ છે.
પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર તેણે સ્થાનિક દવા ઉત્પાદકો માટે ખાસ મંજૂરી હેઠળ ભારતમાંથી 429 એક્ટીવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડીયન્ટ્સ, 12 અલગ અલગ પ્રકારની રસીઓ અને 59 દવાઓ આયાત કરવાની છૂટ આપી છે.
જો કે આ જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક વિટામીનની ગોળીઓ તેમજ અન્ય કેટલીક દવાઓ જે પાકિસ્તાનમાં આસાનીથી ઉત્પાદિત થઇ શકે છે તેને પણ કેટલાક ઉત્પાદકો ભારતમાંથી આયાત કરે છે. રિપોર્ટના આ હિસ્સાએ પાકિસ્તાની સરકાર પર વિપક્ષી પાર્ટીઓ દ્વારા ટીકાઓનો વરસાદ વરસાવ્યો છે.
ગત અઠવાડિયે પાકિસ્તાની સંસદમાં વિપક્ષી નેતા શાહબાઝ શરીફે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની આ મામલે ઘોર નિંદા કરી હતી.
ગત વર્ષે ઓગસ્ટમાં ભારત સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાની સરકારે ભારતમાંથી તેની તમામ આયાત પર પ્રતિબંધ લાદી દીધો હતો. પરંતુ ત્યારબાદ અહીંના દવા ઉત્પાદકોએ જો દવાઓના રૉ મટીરીયલ પરનો પ્રતિબંધ નહીં હટાવવામાં આવે તો પાકિસ્તાની પ્રજાને જ ભોગવવાનું આવશે તે પ્રકારનું દબાણ સરકાર પર ઉભું કરતા ખાસ મંજૂરી હેઠળ તેમને ભારતમાંથી રૉ મટીરીયલ આયાત કરવાની છૂટ આપી હતી.
eછાપું