અલકમલકની વાતોઃ એ. આર. રહેમાન ડૉ. એ. આર. રેહમાન બન્યા…

0
170
Photo Courtesy: YouTube

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સન 1868 માં સ્થાપિત એક વિદ્યાપીઠ છે જેનું નામ છે – યુનિવર્સિટી ઓફ બર્કલી (University of California, Berkeley)! આ યુનિવર્સિટીની વેબસાઈટ પર 24 ઓક્ટોબર 2014ના રોજ થનારા એક સંગીત જલસા (concert)ની જાહેરાત કરવામાં આવી, જેમાં લખ્યું હતું:

An international cast of students will perform the timeless music of A. R. Rahman, the prolific Grammy-winning and Academy Award-winning composer (Slumdog Millionaire, 127 Hours) and performer. Rahman will receive an honorary doctor of music degree from Berklee and join the Berklee musicians to perform several of his memorable songs.

In conjunction with the new Berklee India Exchange, proceeds will be used to create a fund in A. R. Rahman’s name to provide scholarship support for students from India to attend Berklee.

(આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એક ટીમ ગ્રેમી અને એકેડેમી એવોર્ડ વિજેતા સંગીતકાર (સ્લમડોગ મિલિયોનેર, 127 કલાક) અને કલાકાર એ.આર. રહેમાનના ટાઈમ-લેસ ગીત-સંગીતનો જલસો કરાવશે. રહેમાન બર્કલી તરફથી સંગીતની માનદ ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરશે અને તેઓ તેમના યાદગાર ગીતો રજૂ કરવા બર્કલી સંગીતકારો સાથે જોડાશે. નવા ‘બર્કલી ઇન્ડિયા એક્સચેંજ’ પ્રોગ્રામ હેઠળ આ જલસાની આવકનો ઉપયોગ એ.આર. રહેમાનના નામે ફંડ ભેગું કરવામાં અને ભારતના વિદ્યાર્થીઓ માટે બર્કલીમાં ભણવા માટે શિષ્યવૃત્તિ સહાય પ્રદાન કરવામાં વપરાશે.)

રહેમાને આ વાત જાણીને કહ્યું, “હું આ પ્રકારની પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાંથી માનદ ડોકટરેટની પદવી પ્રાપ્ત કરવા બાબતે ખૂબ જ ખુશ છું. આ યુનિવર્સિટીએ સંગીતની દુનિયામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. મને ખાસ કરીને ગૌરવ અને સન્માન એ વાતનું છે કે આ યુનિવર્સિટીએ સંગીત સાધકોના સંગીતકાર બનવાના સપનાને અનુસરવા માટે મારા નામે શિષ્યવૃત્તિ સ્થાપિત કરી રહી છે.”

Photo Courtesy: YouTube

થોડાં ફ્લેશબેકમાં જઈએ. 2011ની વાત. એનેટ ફિલિપ (Annette Philip) નામના એક મહિલા જ્યારે ‘બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક’માંથી સ્નાતક થયા, ત્યારે તેમને ફેકલ્ટી હોદ્દો અને એક પડકાર આપવામાં આવ્યો. જોકે કોલેજમાં ભારતીય સંગીત પહેલાથી શીખવવામાં આવી રહ્યું હતું, તેમ છતાં તે તેની સાથે એનેટ કંઈક નવું કરવા માંગતા હતા.

તે વખતે ભારતીય કલાકારોનું યુનિવર્સિટીમાં કોઈ ગ્રુપ નહોતું. એનેટે તરત જ વિચાર્યું કે એક ભારતીય બેન્ડ કે ગ્રુપની સ્થાપના કરવી જોઈએ અને તે જ અઠવાડિયામાં Berklee Indian Ensemble – BIEની સ્થાપના થઈ.

BIE ગ્રુપે ઘણાં બધાં પરફોર્મન્સ કર્યા પણ યુટ્યુબ પર “જીયા જલે” અને “દિલ સે રે” જેવા એ.આર.રહેમાનના સદાબહાર ગીતો ગાયા ત્યારે તેમને પ્રથમ વાર વિશ્વકક્ષાએ પ્રસિદ્ધી મળી. આ વિડીયોને 22 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા અને ખુદ રહેમાનના ધ્યાનમાં આવ્યા. આકસ્મિક રીતે, રહેમાનને પોતે BIE ના અલ્મા મેટર સાથે વિચિત્ર જોડાણ છે. તેમણે જ્યારે રોજા ફિલ્મ માટેના સંગીત સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો તે પહેલાં, એક અત્યંત મુશ્કેલ પસંદગી કરવી પડી હતી: મણિ રત્નમની ફિલ્મ કરવી કે બર્કલીમાં એડમિશન લેવું. અને જીવનચક્ર એ રીતે ફર્યુ કે એ જ બર્કલી યુનિવર્સિટીએ રહેમાનને માનદ ડોક્ટરેટની પદવી આપવાનું નક્કી કર્યુ.

***

યુટ્યુબ પર ‘A.R. Rahaman meets Berkeley’ સર્ચ કરશો તો 16 વિડીયોની એક સિરીઝ મળશે જેમાં આ સંગીત જલસો દેખાડવામાં આવ્યો છે. આ સોળ ભાગમાં બોમ્બે ફિલ્મનું થીમ, સ્વદેસ ફિલ્મનું ‘યે જો દેશ હૈ મેરા’, છૈયા છૈયા, જીયા જલે, રોમેન્ટિક મેડલી, દેસી થોટ્સ, લગાન મેડલી, સ્લમડોગ મિલિયોનેર મેડલી, દિલ સે રે, રંગ દે બસંતી, હમ્મા હમ્મા, કુન ફાયા કુન, તેરે બિના બેસુવાદી (ગુરુ) અને વંદે માતરમ / મા તુજે સલામ – દરેક વિડીયો 8 થી 10 મિનિટના જ છે અને જોતી સાંભળતી વખતે રુવાંડા ઊભા કરી દેશે.

રહેમાનને જ્યારે આ પદવી મળી ત્યારે તેણે એક પ્રેરણાદાયક ભાષણ આપેલું જેના થોડાં અંશો અહીં મૂકું છુંઃ

સંગીત શીખવા અને નવી વસ્તુઓ અજમાવવા બાબતે: “હું દરેક પાસેથી શીખું છું. ગઈકાલે જ્યારે હું Berklee Indian Ensembleને મારા ગીતોની જુદી જુદી ગોઠવણી કરતા જોતો હતો, મેં તેમાંથી પણ કંઇક શીખ્યું છે. શીખવાનું ક્યારેય બંધ ન થવું જોઈએ. મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે કાયમી રીતે ફિલ્મ સંગીતકાર બનીશ. દરેક ફિલ્મ પૂરી થાય એટલે હું વિચારું કે આ છેલ્લી ફિલ્મ, હવે કંઈક બીજું કરું. પણ ફરી કોઈ સારી ફિલ્મ મળે અને હું આમાં ખેંચાતો જઉં છું.

ગીતો સંગીતબદ્ધ કરવાની રચનાત્મક પ્રક્રિયા બાબતે: “હવે, મારું સંગીત મોટે ભાગે મારા આઇફોનમાં ગુંજતું હોય છે કારણ કે હું હંમેશાં ફરતો રહું છું. હું ચેન્નઈનો છું અને ત્યાં હું રૂમમાં પોતાને બંધ કરીને જોઉં કે શું બહાર આવે છે. મને ગીત અને સંગીત માટે ઘણા વિચારો આવતા રહે છે તેથી હું ફક્ત એકને જ વળગી રહેતો નથી. દરેક ગીતને હું ફરી ફરીને સાંભળું અને જોઉં કે તે ધૂન હજી પણ મને પ્રભાવિત કરે છે કે કેમ.”

બોલિવૂડમાં એક નવો ટ્રેન્ડ કરવા બાબતેઃ “હું બેન્ડ-જાઝ, ફ્યુઝન, રોક અને પોપનો કલાકાર હતો અને એક દિવસ એક વિદ્વાન માણસ નામે  મણિ રત્નમ મારા જીવનમાં આવ્યો અને પછી જીવન બદલાઇ ગયું. તેણે કહ્યું, ‘હું તારી કેટલીક સંગીત સામગ્રી સાંભળવા માંગું છું.’ તે સમયે, હું 21 વર્ષનો હતો. મેં તેને એક સુંદર ભારતીય લય સાથે સૂર સંભળાવ્યો અને તેણે કહ્યું, ‘ઠીક છે, હવે આ સૂરને કંઇક નવું રંગરૂપ આપી શકો?” બસ, ત્યારથી આ બધું શરૂ થયું.”

નવી નવી પ્રેરણાઓ શોધવા બાબતે: “એક સમય હતો, જ્યારે રોજા પછી મને લાગતું હતું કે મારામાંનું બધું સંગીત સમાપ્ત થઈ ગયું છે – હું હવે કંઇપણ રજૂ કરી શકીશ નહીં. મને ખાતરી હતી કે અંદરથી હવે કંઇપણ આવવાનું નથી… પરંતુ મારું આખું જીવન ખૂબ જ રસપ્રદ રહ્યું છે. જો મને કંટાળો આવે છે, તો હું એક ચાઇનીઝ ફિલ્મ કરું છું … કેટલીકવાર તમને લાગે કે તમે બધું કરી લીધું છે અને મૃત્યુ માટે તૈયાર છો. અને કેટલીક વાર તમને લાગે કે તમે હમણાં જ બધું પ્રારંભ કર્યું છે.”

બર્કલીમાં એડમિશન લેવા બાબતે: “હું સુપ્રસિદ્ધ વાયોલિનવાદક એલ. શંકરના બેકિંગ બેન્ડમાં હતો અને મેં તેમને કહ્યું હતું કે હું બર્કલીમાં ભણવા જવા માંગું છું. મને યાદ છે કે તે દયાળુ હતા અને મને સજ્જ કર્યો. જવાની તૈયારી હતી અને એક દિવસ મણિ રત્નમ મારી જિંદગીમાં આવે છે. મારે બર્કલીને ભૂલવી પડી પણ જીવનનું ચક્રી એટલું સુંદર છે કે તેણે આજે મને અહીં લાવી ઊભો કર્યો.”

ભારતીય સંગીત માટેની તેમની દ્રષ્ટિ બાબતે: “ભારતીય સંગીત રૂઢિચુસ્ત છે, અને તેના સંગીતની પવિત્રતાને નષ્ટ કર્યા વિના નવીનીકરણ કરવા માટે બર્કલીમાં અભ્યાસ કરતા લોકોની માનસિકતા કામ આવી શકે. મને બર્કલીમાં ભારતીય સંગીતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા છે કે તેઓ કંઈક નવું કરીને ભારતને આપે”

અને આ સંગીત જલસો પૂર્ણ કરતી વખરે ફિલિપે જવાબ આપ્યો – તમારો પડકાર અમે સ્વીકારીયે છીએ (Challenge accepted)!

સંદર્ભઃ

https://www.berklee.edu/news/r-rahman-challenges-berklee-students-innovate

https://www.berklee.edu/events/rahman

https://www.firstpost.com/living/sound-of-music-what-keeps-the-berklee-indian-ensemble-going-harmoniously-2997786.html

https://wirally.com/a-r-rahman-meets-berklee-college-of-music-these-medleys-are-the-best/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here