મેથ્યુ હેડન: ICC, IPL, T20 વર્લ્ડ કપ અને ધોની વિષે સ્પષ્ટ વિચારો

0
266
Photo Courtesy: Pinterest

મેથ્યુ હેડન જે ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનીંગ બેટ્સમેન રહી ચૂક્યો છે અને IPLમાં CSKનો હિસ્સો રહ્યો છે તેણે ICCના કેટલાક નિર્ણયો ઉપરાંત IPL, T20 વર્લ્ડ કપ તેમજ મહેન્દ્ર સિંહ ધોની વિષે પોતાના સ્પષ્ટ વિચારો રજુ કર્યા છે.

Photo Courtesy: Pinterest

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન મેથ્યુ હેડને ICC દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા કેટલાક નિર્ણયો તેમજ IPLઅને T20 વર્લ્ડ કપ વિષે પોતાના સ્પષ્ટ વિચારો રજુ કર્યા છે. હેડન ICCના મોટાભાગના નિર્ણયો સાથે અસહમત જણાયો છે.

ICC એ હાલમાં નિર્ણય કર્યો હતો કે કોરોનાને ધ્યાનમાં લઈને બોલરોને હવે બોલ પર થુંક લગાડીને તેને ચમકાવવાની છૂટ નહીં મળે, પરંતુ બોલર પોતાના પરસેવાનો ઉપયોગ જરૂર કરી શકશે. આ નિર્ણય સાથે હેડન અસહમત થયો છે અને જણાવ્યું છે કે એક તરફ થુંક લગાડવાની ICC ના પાડે છે પરંતુ પરસેવાથી તેને કોઈ વાંધો નથી એ જાણીને તેને નવાઈ લાગી છે.

હેડનનું માનવું છે કે બહેતર એ રહેત કે ICC દરેક ખેલાડીનો કોરોના ટેસ્ટ કરાવે અને જો તેનો રિપોર્ટ નેગેટીવ આવે તો જ તેને મેચ રમવાની છૂટ આપવામાં આવે આથી પછી તે બોલ પર થુંક લગાવે તો પણ અન્ય ખેલાડીને તેનાથી ડર ન લાગે. મેથ્યુ હેડનને દર્શકો વગર મેચ રમાડવાના વિચારથી પણ અસહમતી છે.

હેડનનું કહેવું છે કે દર્શકો જ ક્રિકેટનો જીવ છે અને તેના વગરના સ્ટેડિયમ ક્રિકેટનો આત્મા છીનવી લેશે. જો કે મેથ્યુ હેડન દ્વિપક્ષીય સિરીઝમાં ન્યુટ્રલ અમ્પાયરો ન રાખવાના ICCના વિચાર સાથે સહમત છે.

હેડનને લાગે છે કે IPL અને T20 વર્લ્ડ કપ આ વર્ષે રમાય તેવી કોઈજ શક્યતા નથી. IPL બાબતે હેડનનું માનવું છે કે તે મહત્ત્વની ટુર્નામેન્ટ છે આથી આયોજકોએ બધીજ બાબતોને ધ્યાનમાં લઈને તેનું આયોજન કરવું જોઈએ.

જ્યારે T20 વર્લ્ડ કપ વિષે હેડને કહ્યું હતું કે આ વર્ષે તો ઓસ્ટ્રેલિયામાં આ વર્લ્ડ કપ નહીં રમાય અને દર્શકોની હાજરી વગર આ ટુર્નામેન્ટ રમાય તે યોગ્ય નહીં ગણાય કારણકે આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ છે.

પોતાના CSKના સાથી મહેન્દ્ર સિંહ ધોની વિષે મેથ્યુ હેડને કહ્યું હતું કે કોરોનાના હુમલાને કારણે હવે ધોની ક્રિકેટમાં કમબેક કરી શકે તેની કોઈજ શક્યતા રહેતી નથી. હેડનનું કહેવું છે કે જો ધોની પુનરાગમન ન પણ કરે તો પણ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આપેલા યોગદાનનું મહત્ત્વ બિલકુલ ઓછું નહીં થાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here