VIDEO: 100 દિવસમાં ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું વાઘેલાનું વચન

1
381
Photo Courtesy: newstracklive.com

ગુજરાત NCPના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાલની દારૂબંધીને દંભી ગણાવીને જો પોતાની સરકાર આવશે તો પહેલા 100 દિવસમાં જ તેને હટાવી દેવાનું વચન આપ્યું છે.

Photo Courtesy: newstracklive.com

ગાંધીનગર: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને NCP ગુજરાતના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે જો તેમનો પક્ષ ગુજરાતમાં સત્તામાં આવશે તો પહેલા 100 દિવસમાંજ તેઓ રાજ્યમાંથી દારૂબંધી હટાવી દેશે. વાઘેલાએ ગુજરાતની હાલની દારૂબંધીની નીતિને દંભી ગણાવી હતી.

વાઘેલાએ જણાવ્યું હતું કે તેમની સરકાર જો ગુજરાતમાં સત્તા સંભાળશે તો પ્રથમ 100 દિવસમાં જ દારૂબંધી નાબુદીનો કાયદો લાવવામાં આવશે. વાઘેલા અનુસાર આ કાયદો એવો હશે કે ગુજરાતીઓને દારૂ પીવા માટે દીવ, દમણ, આબુ, રાજસ્થાન કે પછી મધ્ય પ્રદેશ જવાની જરૂર નહીં રહે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના પડોશી રાજ્યોમાંથી પણ ગુજરાતમાં દારુ આવતો બંધ થઇ જશે કારણકે ગુજરાતમાં જ દારૂ સરળતાથી ઉપલબ્ધ થઇ જશે.

પોતે ગામડાના વતની હોવાથી વાઘેલા મહુડાના દારૂને પણ પ્રોત્સાહન આપશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમના કહેવા અનુસાર ગુજરાતની પૂર્વ પટ્ટીમાં આવેલા આદિવાસી વિસ્તારોના યુવાનોને સારી ક્વોલીટીનો મહુડાનો દારુ બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આ મહુડાના દારૂની બ્રાંડ બનાવશે અને તેને વેંચશે. આમ કરવા પાછળ વાઘેલાએ પોતાનો આશય જણાવતા કહ્યું હતું કે તેઓ આદિવાસી યુવાનોને પણ સ્માર્ટ ફોન આપવા માંગે છે અને તેઓ પણ પોતાની કારમાં ફરવા જઈ શકે અને પોતાના બાળકોને ડોક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ બનાવી શકે તેવી સુવિધા કરાવવા માંગે છે.

અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં પ્રવર્તમાન દારૂબંધીના કાયદા પર સવાલ ઉઠાવીને કહ્યું હતું કે ગુજરાતમાં દર એક કિલોમીટરે જો ગેરકાયદેસર દારુ મળતો હોય તો પછી તેને કાયદેસર કરવામાં શો વાંધો હોઈ શકે?

eછાપું

1 COMMENT

  1. Central માં પપ્પા બેઠા છે એ બાપુ ને યાદ નથી લાગતું.. 😜😜

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here