તવાઈ: શિવરાજ સિંહ ચૌહાણ ભૂતપૂર્વ મંત્રીઓના ઘર ખાલી કરાવી રહ્યા છે

0
307
Photo Courtesy: thestatesman.com

માર્ચ મહિનામાં મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યા બાદ સરકાર બનાવનારા શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથ સરકાર સમયના મંત્રીઓ દ્વારા ખાલી ન કરવામાં આવેલા બંગલાઓને સીલ કરવાનું અભિયાન શરુ કરી દીધું છે.

Photo Courtesy: thestatesman.com

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ગત માર્ચ મહિનામાં સત્તા પલટો થયો હતો. ત્યારબાદ પણ કમલનાથ સરકારના કેટલાક મંત્રીઓએ પોતાના બંગલાઓ ખાલી કર્યા ન હતા પરંતુ હવે શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આ બંગલાઓ ખાલી કરાવવાની તેમજ તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગયા અઠવાડિયે જ કોંગ્રેસના જે વિધાનસભ્યો કમલનાથ સરકારમાં મંત્રીઓ હતા તેમને પોતાના મંત્રી તરીકે મળતા બંગલાઓ ખાલી કરવાની નોટીસ આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક પણ ધારાસભ્યએ પોતાનો બંગલો ખાલી કર્યો ન હતો.

મધ્ય પ્રદેશ સરકારના ગૃહ વિભાગે વિપક્ષના કુલ 11 ધારાસભ્યોને પોતાના બંગલા ખાલી કરવાની નોટીસ આપી હતી જેમાંથી એક ધારાસભ્ય ભણોતને ખૂબ જ ટૂંકા ગાળામાં બે વખત નોટીસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમાંથી એકપણ ધારાસભ્યે પોતાનો બંગલો હજી સુધી ખાલી કર્યો નથી.

કોંગ્રેસના રાજ્યસભાના સંસદ સભ્ય વિવેક તનખાએ શિવરાજ સરકારના આ અભિયાનની ટીકા કરતા કહ્યું હતું કે તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેમને ધક્કો લાગ્યો હતો કારણકે હાલમાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને ભોપાલને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મધ્ય પ્રદેશ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટે પણ આવા સમયે આ પ્રકારના પગલાં લેવાની મનાઈ કરી છે.

કોંગ્રેસ સરકારના મંત્રી જીતુ પટવારીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભાજપ વિપક્ષમાં રહ્યો હતો ત્યાં સુધી તેના પૂર્વ મંત્રીઓએ પણ પોતાના બંગલા ખાલી કર્યા ન હતા પરંતુ કમલનાથ સરકારે તેમના વિરુદ્ધ કોઈજ પગલાં લીધા ન હતા. તો રાજ્યના ગૃહ મંત્રાલયના સેક્રેટરી રાજીવ જૈને જણાવ્યું હતું કે પૂર્વ મંત્રીઓના બંગલા ખાલી કરાવવાનું હાલમાં જે અભિયાન ચાલી રહ્યું છે તે નિયમાનુસાર જ ચાલી રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here