કોરોનાને કારણે થયેલા લોકડાઉનને કારણે ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટામાં ફસાઈ ગયા હતા અને તેમને મુકવા રાજસ્થાન ટ્રાન્સપોર્ટની જે બસો ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવી હતી તેનું બીલ ગેહલોત સરકારે ઉત્તર પ્રદેશ સરકારને મોકલ્યું હતું.

લખનૌ: ગઈકાલે રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓને કોટાથી ઉત્તર પ્રદેશ પોતાની બસમાં લઇ જવા માટે યુપી સરકારને 36 લાખ રૂપિયાનું બીલ મોકલી આપ્યું હતું. PTIના હવાલેથી આવેલા એક રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આજે જ આ બીલ ચૂકતે કરી આપ્યું છે.
ગઈકાલે લોકડાઉનના સમયમાં રાજસ્થાનના કોટામાં ભણતા ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓને રાજસ્થાન સરકારે પોતાના રાજ્યની ટ્રાન્સપોર્ટ સેવાની બસમાં ઉત્તર પ્રદેશ મોકલ્યા હતા તે સબબ રૂ. 36.36 લાખનું બીલ મોકલી આપ્યું હતું. ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC)ના મેનેજીંગ ડિરેક્ટર રાજ શેખરે માહિતી આપતા જણાવ્યું છે કે તેમણે આ બીલ આજે જ ચૂકતે કરી આપ્યું છે.
રાજ શેખરે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના મધ્યમાં ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને કોટાથી પરત લાવવાનો નિર્ણય લીધો હતો. આ માટે UPSRTCએ પોતાની જ બસોની વ્યવસ્થા પણ કરી હતી પરંતુ તેમના અનુમાન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી.
આથી આગ્રા અને મથુરા રહેતા વિદ્યાર્થીઓને લઇ જવા માટે ઉત્તર પ્રદેશ સરકારે રાજસ્થાન સરકારને કોટામાં જ રહેલી તેમના ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોને મોકલવાની વિનંતી કરી હતી. આ જ બસો માટે ગઈકાલે રાજસ્થાન રોડવેઝ દ્વારા જે બીલ મોકલવામાં આવ્યું હતું તે ઉત્તર પ્રદેશ સરકારે આજે ચૂકતે કરી આપ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મિડિયા સલાહકાર મૃત્યુંજય કુમારે રાજસ્થાન સરકારને તેના અમાનવીય વર્તન બદલ ટીકા કરી હતી જ્યારે BSPના પ્રમુખ માયાવતીએ પણ આજે ગહેલોત સરકારની વિદ્યાર્થીઓને પોતાના ઘેરે પહોંચાડવાની સેવા આપવાના બદલામાં ઉત્તર પ્રદેશ સરકારને બીલ રજુ કરવાનો વિરોધ કર્યો હતો.
હજી થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં રહેતા રાજસ્થાનના શ્રમિકોને ઘેરે પરત લઇ જવા માટે યુપી-રાજસ્થાન બોર્ડર પર રાજસ્થાન સરકારે 1000 બસો ઉભી રાખી છે તેવો દાવો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ કર્યો હતો. પરંતુ બાદમાં તપાસમાં માલુમ પડ્યું હતું કે આ બસોમાંથી મોટાભાગના વાહનો દ્વિ અથવાતો ત્રી ચક્રીય તરીકે રજીસ્ટર થયા હતા.
eછાપું