હાલના લોકડાઉનમાં લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ, ફળો અને શાકભાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર આધાર રાખી રહ્યા છે તેવામાં રિલાયન્સ જીઓ દ્વારા જીઓ માર્ટની શરૂઆતની ઘોષણા કરવામાં આવી છે.
મુંબઈ: લોકડાઉનમાં લોકોને પોતપોતાના ઘેર સુધી કરિયાણું અને શાકભાજી મળે તે માટે ઓનલાઈન સ્ટોર્સ પર આધાર રાખવો પડે છે. હવે ભારતના ગ્રાહકોને ઓનલાઈન સ્ટોર્સમાં પણ એક નવો વિકલ્પ મળ્યો છે જેનું નામ છે જીઓ માર્ટ!
શરૂઆતમાં નવી મુંબઈ, થાણે અને કલ્યાણમાં શરુ થયેલું જીઓ માર્ટ હવે દેશભરના 200 નગરોમાં ઉપલબ્ધ બન્યું છે. હાલમાં Jio Mart પર પોતાનો ઓર્ડર નોંધાવા માટે તેની વેબસાઈટનો ઉપયોગ કરવો પડશે પરંતુ કંપનીના સુત્રોના કહેવા અનુસાર બહુ જલ્દીથી જીઓ માર્ટની એપ પણ લોન્ચ કરવામાં આવશે.
કંપનીના જણાવ્યા અનુસાર જીઓ માર્ટ એ જીઓ રીટેઈલ લીમીટેડનો જ એક હિસ્સો છે. હાલમાં જીઓ માર્ટ નાના સ્ટોર્સમાંથી માલસામાન લઈને ગ્રાહકોને ફ્રી ડિલીવરી કરી રહ્યું છે.
જીઓ માર્ટનો દાવો છે કે તે શાકભાજી અને અન્ય વસ્તુઓ તેમની સાથે રજીસ્ટર થયેલા ખેડૂતો પાસેથી સીધા જ ખરીદી કરે છે. જીઓ માર્ટ આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના જ પ્લેટફોર્મ પર પોતાના ઉત્પાદનો વેંચવા માટે પ્રોત્સાહિત કરશે જેથી કોરોના મહામારીને કારણે તેમને થયેલા નુકશાનના રાહત થઇ શકે.
જીઓ માર્ટ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જ એક હિસ્સો છે તેની સીધી સ્પર્ધા બિગ બાસ્કેટ, ગ્રોફર્સ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન રીટેઈલ કંપનીઓ સાથે થશે. જીઓ માર્ટે ગયા મહીને જ વોટ્સએપ દ્વારા નવી મુંબઈ, થાણે અને કલ્યાણમાં પોતાની સેવા શરુ કરી હતી.
eછાપું