ઉજાગરો: ઉદ્ધવના સંદેશની મધરાત સુધી રાહ જોતા રહ્યા પીયુષ ગોયલ

0
334

સમગ્ર દેશમાંથી પોતપોતાને વતન જવા માટે પ્રવાસી મજૂરોની વહારે ભારતીય રેલવે આવી છે, પરંતુ ગઈકાલે મહારાષ્ટ્રથી કેટલી ટ્રેનો મોકલવી એ અંગે રેલમંત્રી પીયુષ ગોયલને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહ જોવડાવી હતી.

નવી દિલ્હી: ગઈકાલે આખો દિવસ Twitter પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલ વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો દાવો હતો કે તેમણે રેલવે મંત્રાલય પાસે પ્રવાસી મજૂરો માટે 200 ટ્રેન માંગી છે પરંતુ તેમને આ અંગે કોઈજ વિગત મળી નથી.

જવાબમાં રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આ અંગે ચર્ચા ચાલી રહી છે અને તેઓ મજૂરોના નામની યાદીની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ સમગ્ર દિવસ નીકળી ગયો હતો અને ગોયલ વારંવાર ઉદ્ધવ ઠાકરેને સંબોધીને પ્રવાસી મજૂરોના નામની માંગણી કરતી tweet કરતા રહ્યા હતા.

પીયુષ ગોયલનું કહેવું હતું કે કોઇપણ રાજ્ય જ્યારે પોતાને ત્યાં રહેતા અને વતન જવા માંગતા મજૂરો માટે ટ્રેનની માંગણી કરે ત્યારે તેણે રેલવેને મજુરોના નામ તેમજ તેમના ગંતવ્ય સાથેની આખી યાદી આપવી પડે છે. ત્યારબાદ રેલવે આ યાદી જોઇને કયા કયા સ્ટેશનોએ ટ્રેન દોડાવવી પડશે તેની યોજનાને અંતિમ રૂપ આપતી હોય છે.

ગોયલે ઉમેર્યું હતું કે ઘણીવાર એવું પણ બન્યું છે કે આખી ટ્રેન ખાલી જ દોડી હોય અને પરિણામે ભારતીય રેલવેને ખૂબ નુકશાન ગયું હોય. અપૂરતી અથવાતો ઉપલબ્ધ યાદી ન હોય તેવા કિસ્સામાં રેલવેને અત્યારસુધી 62 જેટલી ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી છે.

જ્યારે રેલવેએ દરરોજ 520 જેટલી ટ્રેનો દોડાવીને 7 લાખ કરતા પણ વધારે મજૂરોને પોતપોતાના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તો સામે પક્ષે રાજસ્થાન, કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યો મજૂરોને લઇ આવતી ટ્રેનો સ્વીકારવાનો ઇનકાર કરી ચૂક્યા છે.

છેવટે મધ્યરાત્રી એટલેકે આજે વહેલી સવારના સવા બાર વાગ્યાની આસપાસ પીયુષ ગોયલે tweet કરી હતી કે પાંચ કલાક વીતી ગયા હોવા છતાં પણ તેમને હજી સુધી જરૂરી યાદી મળી નથી પરંતુ તેમ છતાં તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે જેવી યાદી મળે કે તરતજ તેઓ ટ્રેનની વ્યવસ્થા કરવામાં લાગી જાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here