ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (1): જતિન ખન્ના ઉર્ફે રાજેશ ખન્ના

3
852

બોલિવુડના સહુથી પહેલા સુપરસ્ટાર એટલેકે રાજેશ ખન્નાનું જીવન પણ એક સુપરસ્ટારને છાજે એવું જ હતું, પરંતુ કેવું હતું એમનું જીવન? આજથી શરુ કરીએ છીએ રાજેશ ખન્નાના જીવન પર એક ખાસ સિરીઝ ‘ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र’.

ભારતની આઝાદી પહેલાંની વાત. અકૃમલ ખન્ના નામના એક રેલ્વે કોન્ટ્રાકટરનું પંજાબી પરિવાર વર્ષોથી લાહોર રહેતું. થોડાં દિવસો અમૃતસરમાં રહીને 1943માં બોમ્બેના ગિરગામ વિસ્તારમાં ઠાકુરદ્વારના ‘સરસ્વતી નિવાસ’માં આખું પરિવાર સ્થળાંતરિત થયું. અકૃમલ દાદાને ત્રણ દીકરા – મુન્નીલાલ, ચુન્નીલાલ અને નંદલાલ. મોટા મુન્નીલાલને ત્રણ દીકરીઓ. વચલા ચુન્નીલાલ અને તેમની પત્ની લીલાવતીને કોઈ સંતાન નહોતું. સૌથી નાના નંદલાલ અને તેમની પત્ની ચંદ્રાણીને ચાર દીકરીઓ (ચંચલ, વિજય, કમલેશ અને મંજુ) અને બે દીકરા (નરેન્દર અને જતિન્દર).

જતિન્દરનો જન્મ 1942ની 29 ડિસેમ્બરે અમૃતસરના લોહગઢ ગામમાં થયેલો. તેના જન્મ પહેલાં જ નંદલાલ અને ચંદ્રાણીએ કહેલું કે દીકરો અવતરે કે દીકરી, તેમનું સંતાન મોટા ભાઈ ચુન્નીલાલ અને ભાભી લીલાવતીને દત્તક આપી દેશે. મોટા ભાઈ-ભાભીએ પણ તે સંતાનને મોટો કરવાની ઈચ્છા દર્શાવી. દરેકે પોતાનું વચન પાળ્યું. જતિનના માતા-પિતા હવે ચુન્નીલાલ અને લીલાવતી બન્યા. જન્મ પછી કરાચીમાં પરિવારના કુળદેવતાના મંદિરમાં જતિનનું નામકરણ થયું.

જતિન એ ખન્ના પરિવારનો સૌથી નાનો સભ્ય હતો એટલે દરેકનો લાડકો. પ્રેમથી લોકો તેને ‘કાકા’ કહેતાં. (ઘણી ફિલ્મોમાં આપણે સાંભળ્યું છે કે પંજાબી લોકો પોતાનાથી નાના મિત્રો કે ભાઈઓને ‘ઓયે કાકે’ કહીને સંબોધન કરે છે). ચુન્નીલાલને કોઈ બાળક નહોતું એટલે જતિનને આખું પરિવાર ખૂબ માન અને સરભરા આપતા. તેને સવારે મોડે સુધી સૂવા દે, કોઈને તેની રૂમ પાસે જવા ન દે, તેની માટે હાથે બનાવેલા જરી કે એમ્બ્રોડેરીવાળા કપડાં સીવતા, એકવાર સાઈકલની જીદ કરેલી તો ઉછીના રૂપિયા લઈને પણ સાઈકલ અપાવી, તે 5 પૈસા માંગે તો 10 મળતા, સ્કૂલમાં ભણવા જવું કે નહીં તે જતિન પોતે નક્કી કરતો – આ પ્રકારના વ્યવહારને કારણે જતિન નાનપણમાં જ જિદ્દી બન્યો. નાની ઉંમરે તેને બધી જ જાહોજલાલી મળી રહેતી. વર્ષો પછી એક ઈન્ટરવ્યુમાં પણ તેણે કહેલું – મેરી પરવરિશ હી ગલત હુઈ થી!

પરિવારે નક્કી કરી રાખેલું કે જતિન પરિવારના વ્યવસાયમાં જોડાશે. જતિનની ઈચ્છા વિમાનચાલક (પાઈલટ) બનવાની હતી. તેમ છતાં પાડોશના છોકરાઓ મળીને બિલ્ડીંગના પ્રાંગણમાં સ્ટેજ બનાવીને નાટકો ભજવતાં ત્યારે જતિન અવનવા કપડાં પહેરીને જિપ્સીઓનો કુંવર બનતો. આ કારણે ધીમે ધીમે તેનો થિયેટર પ્રત્યેનો પ્રેમ પાંગર્યો. સ્કૂલમાં અને કોલેજમાં થિયેટર પ્રત્યેનો લગાવ વધ્યો. તેનો એક પિતરાઈ ભાઈ ફિલ્મો અને નાટકોના જૂથમાં હતો જ્યાં જતિનને એક મોકો મળ્યો. ત્યાં પહેલી જ વારમાં જતિન છવાઈ ગયો અને પછી તો નાટકોની શૃંખલા તેણે પોતાના અભિનયથી છલકાવી.

બોમ્બેમાં જતિન સેન્ટ સેબાસ્ટિયન ગોવન હાઈસ્કૂલ (ગિરગામ)માં ભણતો અને ત્યાં તેની સાથે તેનો મિત્ર રવિ પણ હતો. સ્કૂલ પછી કોલેજમાં એડમિશન લીધું અને જતિન પૂનાની વાડિયા કોલેજમાં બી.એ.ની ડીગ્રી માટે ભણવા ગયો. ત્યાં મરાઠી વિષય ફરજિયાત હોવાથી બે જ વર્ષમાં બોમ્બે પરત આવ્યો અને કે.સી. કોલેજમાં એડમિશન લીધું. ત્યાં ફરી તેને પોતાનો સ્કૂલનો મિત્ર રવિ મળ્યો. બંનેની દોસ્તી વધુ પાંગરી. બંને મિત્રોને થિયેટર અને ફિલ્મોનો બહુ શોખ. એકમેકને શીખવે, સાથ આપે, નાટકો માટે ઓડિશન આપે, સાથે સ્ક્રીન-ટેસ્ટ આપે. બંનેને એકબીજાની કારકિર્દીમાં ભારે રસ. બંનેને વિશ્વાસ હતો કે ‘અપના ટાઈમ આયેગા’!

***

એ જમાનો અલગ હતો. તે સમયે આજના સમયની જેમ મોટા બેનરો નવા હીરોને લોન્ચ કરતા નહીં. હીરો બનવાની ઈચ્છા ધરાવતા યુવકોએ ફિલ્મમાં સાઈડરોલ કે સપોર્ટીંગ રોલ કરવા પડતા. લોકોના આસિસ્ટંટ તરીકે કામ કરવું પડતું. તદુપરાંત ફિલ્મોમાં એવી કોઈ મોટી ઓળખાણ પણ હોવી જરૂરી. હીરો તરીકે કેટકેટલીયે ફિલ્મો ફ્લોપ થાય પછી કોઈ એકાદી સારી ફિલ્મ મળતી. જનતા પણ ભૂલકણી હતી, નિર્માતાઓમાં ધીરજ હતી. એકવાર ફ્લોપ થાય તો પણ નવા લોકોને બીજો ચાન્સ આપતાં. તે સમયે ત્રણ હીરો હિન્દી ફિલ્મજગતના દિગ્ગજ ગણાતાઃ દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કપૂર! કોઈ પણ નવો હીરો આવે તેને આ દિગ્ગજો જેવી કારકિર્દી જોઈતી હતી.

જતિન દરેકે દરેક તકને સકારાત્મક રીતે લેતો. તેને ફિલ્મોમાં તક તો ન મળી પણ બે બાબતોમાં મેળ પડ્યો (1) પહેલો પ્રેમ અને (2) ફિલ્મોને કારકિર્દી તરીકે જોવાની નજર!

એક નાટકમાં કામ કરતી વખતે જતિનને અંજુ સાથે પ્રેમ થયો. અંજુ મહેન્દ્રુ એક ફેશન ડિઝાઈનર અને ફિલ્મોમાં કામ કરતી ‘આગામી’ હીરોઈન હતી. 1967ની દેવ આનંદની ફિલ્મ ‘જ્વેલ થીફ’માં અંજુને એક રોલ મળેલો. થોડાં જ દિવસોમાં બંનેનું પ્રેમપ્રકરણ ‘ટોક-ઓફ-ધ-ટાઉન’ બન્યું. અંજુને જતિન નિક્કી કહેતો. નાટ્યજગત અને ફિલ્મજગત નિક્કી અને જતિનની જ વાતો કરતાં. તે વખતે આમ ખુલ્લમ ખુલ્લામાં ‘ડેટિંગ’ કરવું અજુગતું ગણાતું. પણ આ બંનેને કોઈ શરમ નહોતી. બંને ખૂબ લડતાં, ઝઘડતાં પણ એકમેકને અતિશય પ્રેમ પણ કરતાં. એક દિવસ અચાનક વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર ગાર્ફિલ્ડ સોબર્સ સાથે અંજુની સગાઈ થઈ ગઈ અને જતિનનું મન ખાટું થઈ ગયું.

જતિને નાટકોમાં પોતાનું ધ્યાન પરોવ્યું. એક નાટકની પ્રેક્ટિસ કરતી વખતે જતિનની મુલાકાત ગીતા બાલી સાથે થઈ. જે બિલ્ડીંગમાં નાટકની પ્રેક્ટિસ થતી તે જ બિલ્ડીંગમાં પહેલે માળે ગીતા બાલીની પ્રોડક્શન ઓફિસ હતી. એક દિવસ લિફ્ટમાં ગીતાએ જતિનને જોયો અને કહ્યું: ‘અમારી ફિલ્મ ‘એક ચાદર મૈલી સી’ માટે તને કોઈ રસ ખરો? અમને તારા જેવા નવા ચહેરાની જરૂર છે.’ જતિને થોડો સમય માંગ્યો પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હશે. થોડાં જ દિવસોમાં ગીતા બાલીનું અવસાન થયું અને ‘એક ચાદર મૈલી સી’ના પ્રોજેક્ટમાંથી જતિનનું નામ ખોવાઈ ગયું. આ ઘટનાએ જતિનના મનમાં ફિલ્મસ્ટાર બનવાના બીજ રોપ્યા.

તે વખતે Indian People’s Theatre Association નામની સંસ્થામાં જતિને નામ નોંધાવ્યું પણ ત્યાં તેનો સામનો હરીભાઈ જરીવાલા નામના એક યુવક સાથ થયો. હરીભાઈ સામે જતિનનો પન્નો ટૂંકો પડતો અને હરીભાઈને દરેક નવી તક મળી જતી. (હરીભાઈ જરીવાલાએ આગળ જઈને ‘સંજીવ કુમાર’ નામથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો). અધૂરામાં પૂરું જતિનના કોલેજના મિત્ર રવિને વી. શાંતારામે 1964માં ‘ગીત ગાયા પથ્થરોને’ નામની ફિલ્મમાં કામ આપ્યું. રવિએ પણ પોતાનું નામ બદલીને ‘જીતેન્દ્ર’ નામ અપનાવ્યું.

જતિનને દરેક તરફથી નિરાશા જ મળી. લોકો તેને ‘ગુરખા’ અને ‘નેપાલી નોકર’ જેવા શબ્દોથી સંબોધતાં. ચુન્નીલાલ અને લીલાવતી જતિનને આર્થિક અને ભાવનાત્મક રૂપે સપોર્ટ કરતા હતાં. ઘણી મહેનત કરવા છતાં તેનો કોઈ હાથ પકડવા તૈયાર નહોતું. છેવટે કંટાળીને જતિનના પિતા અને કાકાએ જતિનને છેલ્લી વારનું કહી દીધું કે એકાદ વર્ષમાં કાંઈ થાય તો ઠીક નહીંતર આપણા પરિવારના ધંધામાં લાગી જાઓ.

***

આઝાદી પછી દેવ, દિલીપ, રાજની ત્રિપુટી પ્રચલિત તો હતી જ. એવું નહોતું કે કોઈ નવા હીરો નહોતા આવતા પણ આ ત્રિપુટીની પબ્લિસિટીને તોડવા વાળું કોઈ નહોતું. નવા હીરો આ ત્રિપુટીની નકલ જ કરતાં. દિલીપ કુમારે હરિકૃષ્ણ ગોસ્વામીને ફિલ્મમાં કામ કરવાની પ્રેરણા આપેલી, જેણે ‘મનોજ કુમાર’ નામથી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. રાજેન્દ્ર કુમારે પણ થોડી ઘણી ફિલ્મો આપી પોતાનું આગવું સ્થાન બનાવેલું. દેવ આનંદની છબી સમાન શમ્મી કપૂરે પોતાનું એક સ્થાન બનાવેલું. 19 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી દેવ આનંદે 1957માં ‘તુમસા નહીં દેખા’ ફિલ્મ કરવાની ના પાડી એટલે શમ્મી કપૂરને તે ફિલ્મ મળી. ઘણાં ઈન્ટરવ્યુમાં પણ શમ્મી કપૂરે પોતાની કારકિર્દી માટે દેવ આનંદને ધન્યવાદ આપ્યા છે.

તે વખતે ફિલ્મફેરનો દબદબો હતો. છેલ્લા 20 વર્ષમાં ફિલ્મફેરના એવોર્ડ પણ ખાસ્સા પ્રચલિત થયેલા. ફિલ્મફેર મેગેઝીને ઘણાં નવા કલાકારોને તક આપેલી. તે વખતે ‘ઈન્ડીયન આઈડલ’ જેવો એક ટેલેન્ટ શો થતો જેનું નામ હતું – Filmfare United Producers Combine Talent Hunt! આ સ્પર્ધામાં જતિનનું નામ પસંદ થયું. કુલ 10000 લોકો સિલેક્ટ થયાં જેમાં જતિન પણ એક હતો. આ સ્પર્ધાનો મૂળ હેતુ હિન્દી સિનેમામાં નવી પ્રતિભાને લોકો સમક્ષ લાવવાનો હતો.

United Producers Combine એ કોઈ જેવી તેવી સંસ્થા નહોતી. હિન્દી ફિલ્મજગતના દિગ્ગજો આ સંસ્થાના ભાગ હતાં – બલદેવ રાજ ચોપડા (બી.આર.ચોપડા), બિમલ રૉય, દેવેન્દ્ર ગોએલ, એફ. સી. મહેરા, જી.પી. સિપ્પી, એચ.એસ.રવૈલ, હેમંત કુમાર, નાસિર હુસૈન, જે. ઓમ પ્રકાશ, મોહન સાયગલ, શક્તિ સામંત, સુબોધ મુખર્જી – આ બાર દિગ્ગજોની એક ટીમ હતી. સ્પર્ધામાં જીતનારને આ દરેક નિર્માતાઓ સાથે એક ફિલ્મ કરવાની ઓફર મળશે, એવી જાહેરાત કરાયેલી.

સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે છ પુરુષો અને છ મહિલાઓની પસંદગી થઈ. જતિનને આ સ્પર્ધાથી કોઈ મોટી આશા નહોતી છતાં જતિન ફાઈનલમાં પહોંચ્યો અને છએ સ્પર્ધકોને એક દ્રશ્ય ભજવવાનું હતું. દ્રશ્યમાં એક યુવાન તેની માતાનો કોઈ બાબતે સામનો કરે છે એવું દર્શાવવાનું હતું. જતિને સ્ક્રીપ્ટનો કાગળ હાથમાં લીધો અને મિનિટો સુધી વાંચતો રહ્યો. અચાનક જી.પી.સિપ્પી ત્યાં આવ્યા તો જતિને પૂછ્યું – આ યુવાનના ચરિત્ર વિશે મારે વધુ જાણવું છે.

સિપ્પી બોલ્યા – થિયેટર સે હો?

જતિને હા પાડીને તરત જ પૂછવા લાગ્યોઃ કેટલા વર્ષનો છે આ યુવાન? ક્યાંથી આવ્યો છે? તેની માતા સાથેના તેના સંબંધ કેવા છે? એકલી માતાએ મોટો કર્યો છે? પિતા સાથે રહે છે કે અલગ? ગરીબ ઘરનો છે કે શ્રીમંત?

સિપ્પીને જતિનના સવાલો સાંભળીને અજુગતું લાગ્યું અને સ્ક્રીપ્ટનો કાગળ જતિનના હાથમાંથી લઈને બોલ્યા – કુછ ભી કર લો.

જતિનનો વારો આવ્યો ત્યારે તેણે ખરેખર તે દ્રશ્ય ન ભજવ્યું. તેણે પોતાના એક નાટકનો એક ભાગ રજૂ કર્યો જેમાં તે એક શ્યામ રંગનો ગરીબ છોકરો બનેલો. અવાજનું મોડ્યુલેશન કર્યુ, લાગણીઓ અને ભાવનાઓ ભરી – જ્યારે તે પૂર્ણ થયું ત્યારે જે. ઓમ પ્રકાશ, શક્તિ સામંત અને નાસિર હુસૈન એકમેકને જોયા કર્યા. સ્પર્ધા જે વચને બંધાયેલી હતી તે આ છોકરો પૂરા કરશે તેવી આશા તેમનામાં જાગી.

જતિન આ સ્પર્ધા જીતી ગયો અને બીજા ક્રમાંકે આવેલા છોકરાનું નામ હતું ‘વિનોદ મહેરા’, જેને નિર્ણાયકોના કુલ ગુણમાં જતિનથી ફક્ત એક જ ગુણ ઓછો હતો. પણ પહેલો તે પહેલો અને બીજો તે બીજો. જતિનની ખુશીનો પાર ન રહ્યો. 10000 લોકોને હરાવવાની ખુશી કરતાં પણ બાર દિગ્ગજ મહાનુભાવોની ફિલ્મમાં કામ કરવાની ખુશી વધુ હતી.

જતિને હવે નવું નામ અપનાવવાનો વિચાર કર્યો. આમ તો ‘જતિન’ કે ‘જતિન્દર’ નામ પરથી ‘જીતેન્દ્ર’ વધુ જામે પણ આ નામ પહેલાંથી તેના જૂના મિત્ર રવિ કપૂરે લઈ લીધેલું. જતિનના કાકા કે.કે. તલવારે સૂચન આપ્યું – જીતેન્દ્ર એટલે ઈન્દ્રને જીતનારો. ઈન્દ્ર ભગવાનોનો રાજા હશે પણ તું તો રાજાઓનો રાજા બનીશ એટલે કે રાજ + ઈશ = રાજેશ. અને નવું નામ મળ્યું – રાજેશ ખન્ના!!

ક્યા જવાબ હૈ આપકા?

હીરો કે હીરોઈન બનવાની સ્પર્ધામાં છ પુરુષો અને છ મહિલાઓ ફાઈનલમાં પહોંચી. સ્ત્રીઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનારી બંને મહિલાઓ આગળ જઈને હિન્દી ફિલ્મોમાં હીરોઈન બની. પ્રથમ ક્રમ જે મહિલાનો આવ્યો હતો તે આજે હિન્દી ફિલ્મોની પીઢ અભિનેત્રી છે જેણે ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને હાલમાં ‘જવાની જાનેમન’ ફિલ્મમાં કામ કરેલું છે. બીજો ક્રમાંક આવેલો તે હીરોઈન થોડી ફિલ્મો કરીને હિન્દી ફિલ્મોના મહાન ગાયક કિશોર કુમારને પરણી ગઈ – આ બંને અભિનેત્રીઓના નામ શું?

ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र: ભાગ 2

 

eછાપું

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here