આરોપ: સોનુ સૂદ પર ભાજપનો એજન્ટ હોવાનું કહેતી કોંગ્રેસ

0
552
Photo Courtesy: thehindu.com

હાલમાં બોલિવુડ સ્ટાર સોનુ સૂદ મુંબઈમાં ફસાઈ ગયેલા ઉત્તર પ્રદેશના શ્રમિકોને બસ, ટ્રેન તેમજ હવાઈ માર્ગે પણ તેમના રાજ્યમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ પક્ષને તેનું આ કાર્ય ગમ્યું નથી.

Photo Courtesy: thehindu.com

મુંબઈ: કોરોના લોકડાઉન દરમ્યાન મુંબઈમાં ફસાઈ ગયેલા હજારો પ્રવાસી શ્રમિકોને મદદ કરતા બોલિવુડ એક્ટર સોનુ સૂદ પર ભાજપના એજન્ટ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ મહારાષ્ટ્ર તેમજ દેશના અન્ય કોંગ્રેસ આગેવાનો તેમજ સમર્થકો દ્વારા સોશિયલ મિડીયામાં લગાવવામાં આવ્યો હતો.

શનિવારે સોનુ સૂદ મુંબઈમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યો હતો અને તેમને પોતાની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. જવાબમાં રાજ્યપાલે સોનુ સૂદની માત્ર પ્રશંસા જ નહોતી કરી પરંતુ તેને જરૂરી તમામ સહાય આપવાની ખાતરી પણ આપી હતી.

ત્યારબાદ કોંગ્રેસ સમર્થકો અને આગેવાનોએ સોનુ સૂદના કાર્ય પર શંકાઓ ઉભી કરવાનું તેમજ તેના પર અલગ અલગ આરોપો મુકવાનું શરુ કર્યું હતું. એક કોંગ્રેસી સમર્થકે પૂછ્યું હતું કે સોનુ સૂદ જે કાર્ય કરી રહ્યો છે તેને રોકવા માટે એક પણ ભાજપ સરકાર (ઉત્તર પ્રદેશની યોગી સરકાર) વિઘ્ન ઉભું નથી કરી રહી?

તો એક અન્ય કોંગ્રેસ સમર્થક અહમદ બિલાલ ચૌધરીએ સોનૂ સૂદની સરખામણી અન્ના હઝારે સાથે કરતા કહ્યું હતું કે અન્ના હઝારેએ જે રીતે કોંગ્રેસ વિરુદ્ધ નફરત ફેલાવતું આંદોલન ઉભું કર્યું હતું એ જ રીતે સોનુ સૂદ પણ જાતે જ શ્રમિકોને પોતાના ઘેર પહોંચાડીને મહારાષ્ટ્રની મહા આઘાડી સરકાર વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યો છે.

બિલાલ ચૌધરીએ એમ પણ પૂછ્યું હતું કે જ્યારે ઉત્તર પ્રદેશની સરકાર કોંગ્રેસ પાસે બસોના ફિટનેસ સર્ટીફીકેટ માંગે છે ત્યારે સોનુ કેવી રીતે ફટાફટ શ્રમિકોને માત્ર બસ દ્વારા જ નહીં પરંતુ અમુકને તો પ્લેન દ્વારા પણ કોઇપણ પ્રકારની તકલીફ વગર પોતાને ઘેર મોકલી શકે છે?

જો કે કોંગ્રેસ પક્ષના જ મુખ્યમંત્રી પંજાબના કેપ્ટન અમરિંદર સિંગે સોનુ સૂદની સેવાભાવનાની પ્રશંસા કરી હતી અને પંજાબના મોંગા જીલ્લામાં રહેતા શ્રમિકોને સુખરૂપ ઘેર પહોંચાડવા બદલ તેનો આભાર પણ માન્યો હતો. આ જ રીતે ઓડિશાના મુખ્યમંત્રીના કાર્યાલયે પણ કેરળમાં ફસાયેલી ઓડિશાની યુવતીઓને પોતાને ઘેરે પહોંચાડવા માટે સોનુ સૂદની પ્રશંસા કરી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here