રાજીનામું: રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો ધક્કો

0
148
Photo Courtesy: facebook.com/akshaypatelkarjan

ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો પર મતદાન થવાને હવે માત્ર 15 દિવસનો સમય બાકી રહ્યો છે એવામાં કોંગ્રેસ પક્ષ માટે મોટા અને માઠા સમાચાર આવ્યા છે.

ગાંધીનગર: આવનારી 19 તારીખે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થવાનું છે અને તે પહેલા જ કોંગ્રેસ પક્ષને એક મોટો ધક્કો વાગી ચૂક્યો છે. આજે ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Photo Courtesy: facebook.com/akshaypatelkarjan

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે આજે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કરી દીધા બાદ પોતાનો સેલફોન સ્વીચ ઓફ કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા રાખ્યા છે જેથી એક ઉમેદવારની હાર નિશ્ચિત હોવાનું મનાય છે, આવામાં બંને પક્ષો પોતપોતાના ધારાસભ્યોને સાચવવામાં વ્યસ્ત છે.

અક્ષય પટેલ ઉપરાંત કોંગ્રેસ પક્ષના બીજા પાંચ ધારાસભ્યો પણ રાજીનામાં આપવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાણાનીએ થોડા સમય પહેલા અક્ષય પટેલના રાજીનામાં પર પોતાની પ્રતિક્રિયા tweet કરીને શાસક પક્ષ પર પોતાના ધારાસભ્યોની ખરીદી કરવાનો આરોપ મૂક્યો હતો.

જે વધુ પાંચ ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવાની ચર્ચા ચાલી રહી છે તેમાંથી એક એવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી અને તે કોંગ્રેસ પક્ષમાં જ રહેશે. ગઈકાલે કિરીટ પટેલ સાથે કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા પરંતુ બાદમાં તેમણે પોતાની મુલાકાત તેમના વિસ્તારોને લગતા પ્રશ્નોની ચર્ચા પૂરતી જ મર્યાદિત હોવાનું જણાવ્યું હતું.

રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે જ ગુજરાત કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. આ ધારાસભ્યોમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા), પ્રવીણભાઈ મારુ (ગઢડા), મંગળભાઈ ગાવિત (ડાંગ), જે.વી. કાકડિયા (ધારી) અને સોમાભાઈ પટેલ (લીંબડી) સામેલ હતા.

અપડેટ: અક્ષય પટેલ બાદ કપરાડાથી કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ પોતાના વિધાનસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ચૌધરીએ આ બંનેના રાજીનામાં સ્વીકારી લીધા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here