The Lost river: સરસ્વતી નદી ની ભાળ મેળવવાનો એક પ્રયાસ: ભાગ 1

0
1559

ગંગા, યમુના અને સરસ્વતી આપણી પવિત્ર નદી ઓ ગણાય છે. આ ત્રણેયના સંગમ એવા પ્રયાગરાજને પણ આપણું પવિત્ર તીર્થ મનાય છે. આ ત્રણ પૈકી ગંગા અને યમુના અત્યારે વિદ્યમાન નદીઓ છે. ક્યાંથી વહે છે અને ક્યાં જઈ એનું વહેણ પૂરું થાય છે એની આપણને ખબર છે. પણ સરસ્વતી એ માત્ર કથાઓમાં રહી ગયેલી નદી છે. ઋગ્વેદમાં નદીઓમાં જે નદીનું વર્ણન જોરાવર અને પોષણક્ષમ નદી તરીકે થયું છે એ સરસ્વતી આજે લુપ્ત કઈ રીતે થઇ ગઈ? ક્યારે થઇ? એ ક્યાં થી ક્યાં વહેતી હતી? એના કિનારે વસતું જનજીવન કેવું હતું? આ બધા સવાલોના એકદમ સચોટ અને વૈજ્ઞાનિક જવાબ શોધતું આ પુસ્તક એટલે The Lost River: On the trail of the Saraswati.

 

માઈકલ ડાનિનો ના પુસ્તક The Lost River: On the trail of the Saraswati નું મુખપૃષ્ઠ Courtesy: Google Play Books

પુસ્તક રીવ્યુ: The Lost river: On the trail of The Saraswati.

પુસ્તક: ધ લોસ્ટ રિવર: ઓન ધ ટ્રેઇલ ઓફ ધ સરસ્વતી

લેખક: માઈકલ ડાનીનો

પબ્લીશર: પેંગ્વિન યુકે

પાના: 370-400

ફોર્મેટ: પેપરબેક, ઈ બુક, ઓડીયોબુક

ભાષા: અંગ્રેજી

લિંક્સ: ગૂગલ પ્લે ઈ બુક, ગૂગલે પ્લે ઓડીયોબુક, એમેઝોન

સરસ્વતી: એક પૌરાણિક નદી

गङ्गे  यमुने चैव गोदावरि सरस्वति 
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥

આ શ્લોક વિષે દરેક હિન્દુને ખબર હશે. પૂજાપાઠ કરતી વખતે આપણે ભારતમાં વહેતી મહાનદીઓને આ શ્લોક દ્વારા આપણા આ પવિત્ર કાર્યમાં આમંત્રણ આપીએ છીએ. આમાંની નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી ભારતમાં વહે છે. પણ સરસ્વતી નદી ક્યાંય દેખાતી નથી, તેમ છતાં એ વિલુપ્ત થયેલી નદીને આપણે આ મહાનદીઓમાં જ ગણીને એને એટલુંજ સન્માન આપીએ છીએ જેટલું આ નજર સામે દેખાતી નદીને આપીએ છીએ. આ શ્લોક ઋગ્વેદનો નથી. પણ ઋગ્વેદમાં એક નદીસ્તુતિ સુક્ત છે, જેમાં સરસ્વતી નદીનું વર્ણન છે. આ નદીસ્તુતિ સૂક્તના પાંચમા શ્લોકમાં ગંગા, યમુના, સરસ્વતી, શુતુદ્રી (સતલજ), પરુશ્ની (રાવી) અસિક્ની (ચેનાબ), મરુવ્રધા, વિતસ્તા (જેલમ), અર્જીકિયા (હારો નદી) અને સુસોમાં (સવાન નદી) આ બધી નદીઓનું વર્ણન છે. અને આ વર્ણન સામાન્ય વર્ણન નથી. આ શ્લોકમાંની બધી જ નદીઓના વહેણ શ્લોકમાં વર્ણવેલા ક્રમ પ્રમાણે પૂર્વથી પશ્ચિમમાં વહે છે. ગંગા સહુથી પૂર્વી નદી છે અને સવાન સહુથી પશ્ચિમી નદી (સવાન અને હારો બંને અત્યારના પાકિસ્તાનમાં વહે છે). અને સરસ્વતી અને મરુવ્રધા સિવાય બધીજ નદીઓ અત્યારે આ જ ક્રમમાં વહે પણ છે. જો આ બધી અત્યારે વહેતી હોય તો સરસ્વતી પણ એક સમયે યમુના અને સતલજ વચ્ચે થી ક્યાંક વહેતી હોવી જોઇએ. એ ક્યાં વહેતી હતી અને એની સાથે શું થયું એ વાતની ચર્ચા આ પુસ્તકમાં છૂટથી કરી છે.

ઋગ્વેદમાં જેનું વર્ણન છે એ બધી જ નદીઓ Courtesy: Dharmpedia.net

આ પુસ્તક ત્રણ ભાગ અને 11 પ્રકરણમાં વહેચાયેલું છે. અને ઉપર કહ્યું એમ ઋગ્વેદની ઋચાઓ, પૌરાણિક કથાઓ, અંગ્રેજો અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધનો અને લોકકથાઓની મદદથી સરસ્વતી નદી અને એના કિનારે વસતા જનજીવનના ઇતિહાસ વિષે જાણવાનો પ્રયાસ કરે છે. આ પુસ્તક બહુ સારી રીતે રિસર્ચ કરેલું પુસ્તક છે. પુસ્તકના નકશાઓ અને એના રેફ્રન્સ જ 150+ પાના કવર કરી લે છે. અને આટલા રેફ્રન્સ અને ઇતિહાસની વાતો કરવા છતાં આ પુસ્તક સહેજેય કંટાળાજનક નથી. ઇતિહાસના રસિયાઓ માટે આ પુસ્તક એક ભેટ સમાન છે, અને બધા લોકો માટે આ પુસ્તકમાં ઘણું મજા આવે એવું છે.

પહેલો ભાગ: ધ લોસ્ટ રિવર

બ્રિટિશ રાજની શરૂઆતના દિવસોમાં અંગ્રેજોને ભારતીય સંસ્કૃતિનું ઘણું આકર્ષણ હતું. ઘણા અંગ્રેજ ઓફિસરો આપણી સંસ્કૃતિ, ભૂગોળ અને ઇતિહાસનો વ્યવસ્થિત અભ્યાસ કરતા. આવા ઘણા ઓફીસરોનો વૈજ્ઞાનિક અભ્યાસ એ સમયે વહેતી ઘગ્ગર-હાકરા નદી ઉપર ફોકસ્ડ હતો. હિમાલય ની પર્વતમાળાના એક ભાગ એવા ઉત્તરે શિવાલિક પર્વતમાળાથી શરુ થતી ઘગ્ગર નદી હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં વહે છે અને એનો બોર્ડર પારનો ભાગ જે પાકિસ્તાનમાં વહે છે એ હાકરા નદી તરીકે ઓળખાય છે જેનું પાણી ક્યારેક પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વહેતી નારા કેનાલથી થઇ કચ્છની કોરી ક્રીક પાસે દરિયામાં મળે છે. અત્યારે આ ઘગ્ગર-હાકરા નદી સાવ સુકાઈ ગઈ છે અને અત્યારે બારમાસી નદીને બદલે એક ચોમાસુ પ્રવાહ બની ગઈ છે. પણ આ નદીના (સુકાયેલા) પટની આસપાસ રણ પ્રદેશમાં રહેતી વસ્તી, રાજપૂતો એ આ નદી માટે ગાયેલા લોકગીતો એ બધું સાબિત કરે છે કે આ ઘગ્ગર-હાકરા નદી એક સમયે વિશાળ નદી હતી જે અત્યારે સુકાઈ ગઈ છે.

પૌરાણિક નદીઓ ભારતના નકશામાં Courtesy: Bharat Bharati

અને વેદની ઋચાઓ અને પૌરાણિક સાહિત્ય પણ સરસ્વતીના અસ્તિત્વ અને એના વિલુપ્ત થવાની સાબિતી પુરે છે. ઋગ્વેદ સરસ્વતી નદીના છુટ્ટા મોઢે વખાણ કરે છે. ઋગ્વેદમાં સરસ્વતી નદીનો 72 વાર ઉલ્લેખ થાય છે અને ત્રણ ઋચાઓ પોતે સરસ્વતી નદીને સમર્પિત છે. ઉપર જેની ચર્ચા કરેલી એ નદીસ્તુતિ સુક્તમાં જે જગ્યાએ સરસ્વતી નદીનો ઉલ્લેખ છે ત્યાંજ આ ઘગ્ગર-હાકરા નદીનો પટ છે. ઉપરાંત ઋગ્વેદ પછી રચાયેલા વેદિક સાહિત્યમાં એક વિનાશન નામની જગ્યાનો ઉલ્લેખ છે જ્યાં સરસ્વતી નદી ગાયબ થઇ જતી હોવાની માન્યતા છે. મતલબ ઋગ્વેદના સમયમાં સરસ્વતી નદી પોતાના મૂળ વિશાળ વહેણમાં વહેતી હતી અને એ પછી ધીરે ધીરે એ સુકાવા લાગી, આ પુસ્તકમાં ઘણી પૌરાણિક કથાઓનો ઉલ્લેખ છે જે સરસ્વતી નદી ના સુકાઈ જવાની કે એના વિલુપ્ત હોવાની સાબિતી આપે છે.

અને એ જ પ્રકરણમાં પૌરાણિક વાર્તાઓની સાથે, ભૌગોલિક સર્વે, આર્કિયોલોજીકલ માહિતીઓ અને સેટેલાઇટ ઈમેજરીની મદદથી ઘગ્ગર-હાકરા નદી જ પૌરાણિક સરસ્વતી નદી હોઈ શકે એના પ્રમાણો વિષે ઉપરછલ્લી ચર્ચા કરી છે. જેમાં મોટાભાગના નિષ્ણાતોના મતે ભૂતકાળમાં સતલજ અને યમુનાના પાણી સરસ્વતીમાં ભળતા હતા, અને એના વહેણને વિશાળ બનાવતા હતા અને સરસ્વતી નદીના વિલુપ્ત થવાનું કારણ કોઈ નાનો કે મોટો ભૂકંપ હોઈ શકે જેના લીધે આ સતલજ અને યમુનાના સ્ત્રોત બદલાઈને અનુક્રમે સિંધુ અને ગંગા નદીમાં ભળવા લાગ્યા હોવા જોઈએ.

આ ભાગમાં મને ભૂગોળ વિષે ઘણું જાણવા મળ્યું, ખાસ તો નદીઓના વહેણ, એમના એકબીજામાં ભળવાની પ્રક્રિયાઓ અને એની અસરો વગેરે. અને આ ભાગ પછી બાકીનું પુસ્તક એક રસપ્રદ પ્રવાસે લઇ જાય છે જેનું નામ છે, સિંધુખીણ સંસ્કૃતિ, જે સામાન્યરીતે મોહેંજો-દારો અને હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે.

બીજો ભાગ: ઇન્ડિયાસ ફર્સ્ટ સિવિલાઈઝેશન

મોહેંજો-દારો ના અવશેષો Courtesy: The Better India

મોહેંજો-દારો અને હડપ્પા સંસ્કૃતિ ભારત માટે અત્યંત ગૌરવ લેવાની વાત તો છે જ, સાથે સાથે ભારતીય ઇતિહાસનું સહુથી મોટું રહસ્ય પણ છે. આ સંસ્કૃતિ મોહેંજો-દારો અને હડપ્પા સંસ્કૃતિ તરીકે એટલે ઓળખાય છે કેમકે હડપ્પા આ સંસ્કૃતિનું પહેલું મળી આવેલું નગર હતું અને મોહેંજો-ડારો સહુથી મોટું. પણ આ સંસ્કૃતિનું વૈજ્ઞાનિક નામ સિંધુ ખીણ સંસ્કૃતિ (Indus Valley Civilization-IVC) છે. અને આ વર્ષે રજુ થયેલા બજેટ 2020 માં નાણા તેમજ વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારમણે આ સંસ્કૃતિનો સિંધુ સરસ્વતી સંસ્કૃતિ તરીકે ઉલ્લેખ કર્યો હતો અને આ ઉલ્લેખ પાછળ એક કારણ પણ છે.

શરૂઆતમાં સિંધુ નદીના કિનારે મળેલા મોહેંજો-દારો અને હડપ્પા આ સંસ્કૃતિના મેચ્યોર ફેઇઝ તરીકે ઓળખાય છે. આ સમય દરમ્યાન સિંધુ સરસ્વતી સંસ્કૃતિ એના વિકાસની ઉંચાઈ પર હતી. મોટા મોટા નગરો વાસી રહ્યા હતા, આંતરિક વ્યાપાર થઇ રહ્યો હતો, પોતાના સમકાલીન એવા મેસોપોટેમીયા અને ઇજિપ્ત સાથે વ્યવહાર થઇ રહ્યો હતો. આ મેચ્યોર ફેઇઝની બધી જ પુરાતત્વીય સાઇટ્સ સિંધુ નદીના કિનારે વસેલી હતી. પણ આ સાઇટ્સની સમકાલીન અને પૂર્વકાલીન એવી ઘણી સાઈટો અત્યારે ઘગ્ગર-હાકરાના પટમાંથી મળી આવે છે. તાજેતરમાં મળી આવેલી હરિયાણાની રાખીગઢીની સાઈટ હોય, કે આપણા કચ્છની ધોળાવીરાની સાઈટ, ઘણા પુરાતત્વીય નિષ્ણાતોના મતે આ સાઈટ પુરાતન સરસ્વતી નદીના કિનારે વસેલી હતી. એટલુંજ નહિ, જેટલી પુરાતત્વીય સાઈટ સિંધુ નદીના કિનારે મળી છે એટલી જ અથવા એનાથી વધારે સાઇટ્સ ઓલરેડી સરસ્વતીના કિનારે મળી છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીના ગીચ વસ્તી વાળા વિસ્તારોમાં પણ ઘણી સાઈટો હોઈ શકે જેનું ઉત્ખનન કરવું વસ્તીના લીધે શક્ય ન હોય.

 

સિંધુ સરસ્વતી સંસ્કૃતિની શરૂઆતની જગ્યાઓ, જે બધી સિંધુ અને સરસ્વતી નદી ના વહેણો ની આસપાસ “ગોઠવાઈ” છે. Courtesy: Wikimeda

 

સિંધુ સરસ્વતી સંસ્કૃતિનો મેચ્યોર ફેઇઝ જેમાં આ સંસ્કૃતિ એના વિકાસના શિખર પર હતી. સરસ્વતી નદીના કિનારે ઘણી સાઈટો હતી, અને  ઘણી નવી સાઈટો સિંધુ નદીના કિનારે વિકસવા લાગી હતી . Courtesy: Wikimedia.

 

સિંધુ સરસ્વતી સંસ્કૃતિના છેલ્લા દિવસોની જગ્યાઓ, ઉલ્લેખનીય છે કે વચ્ચેના ભાગની બધી જગ્યાઓ ગાયબ થઇ ગઈ હતી અને પાકિસ્તાન, ગુજરાત અને હિમાચલ-પંજાબ માં જ બધી જગ્યાઓ કેન્દ્રિત થઇ હતી. Courtesy: Wikimedia

આ સિંધુ સરસ્વતી સંસ્કૃતિના રહેવાસીઓનો પણ આ પુસ્તકમાં વિસ્તાર પૂર્વક ઉલ્લેખ થયો છે. આપણે સહુ જાણીએ છીએ કે સિંધુ સરસ્વતી સંસ્કૃતિના શહેરો જેવું ઝીણવટ ભર્યું પ્લાનિંગ આજે 5-6 હજાર વર્ષો પછી પણ પુનરાવર્તિત કરવું મુશ્કેલ છે. આ પ્લાનિંગ અને એના લીધે નાગરિકોને થતા ફાયદાઓ, નગર-રચનાની સાઈટ દર સાઈટ માં જોવા મળતી વિશેષતાઓ નું ખુલીને વર્ણન કર્યું છે. જેમકે ધોળાવીરાની ત્રણ લેયરની ડિઝાઇન, લોથલના ધક્કાની કામગીરી, મોહેંજો-દારોનું તત્કાલીન વિશ્વનું સહુથી મોટું સ્નાનાગાર, કાલીબંગન (રાજસ્થાન) ના બંગડીના કારખાના અને રંગપુર(અમદાવાદ) માં દેખાતા પારા અને મોતી ના કારખાના, હડપ્પાના ધાન્ય ભંડાર આ બધાનું ઘણી ડિટેઇલ માં વર્ણન છે. કઈ રીતે સિંધુ સંસ્કૃતિના શહેરો જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે મેસોપોટેમિયન અને ઇજિપ્ત સાથે વ્યાપાર-વ્યવહાર કરેલા, એ બધાનું વર્ણન છે.

ઘણા ઇતિહાસકારો મેસોપોટેમીયન અને ઇજિપ્શિયન સંસ્કૃતિને માનવજાતની પહેલી ક્લચર્ડ સંસ્કૃતિ ગણાવતા હતા, જ્યાં ખેતી, વ્યાપાર એની કલાનો જન્મ અને વિકાસ થયો હોવાનું ગણાવતા હતા, એની સમકાલીન-અને અમુકનું માનીએ તો પૂર્વગામી-એવી સિંધુ સરસ્વતી સંસ્કૃતિ આ “વિકસિત” સંસ્કૃતિઓ કરતા ક્યાંય સારી હતી એ જાણીને એક ભારતીય તરીકે ખૂબ ગર્વ થાય છે. બીજું, આ મેસોપટેમીયન દસ્તાવેજોમાં “મેલુહહા” થી આવેલા માલસામાન નું વર્ણન છે, આ માલસામાન સિંધુ સરસ્વતી સંસ્કૃતિના શહેરોમાં બનતો હતો, આ દર્શાવે છે કે એ સમયનું સિંધુ સરસ્વતી સંસ્કૃતિનું આયોજન અને વ્યાપારિક નેટવર્ક  પહેલેથી કેટલું સ્ટ્રોંગ હતું.

આ ઉપરાંત આ શહેરો ની અમુક લાક્ષણિકતાઓ છોડી દઈએ તો આ બધાની નગર-રચના એક જેવી જ છે, ચાહે હે પશ્ચિમનું મોહેંજો-દારો હોય, ગુજરાતનું ધોળાવીરા-લોથલ હોય, પંજાબનું હડપ્પા કે હરિયાણા નું રાખીગઢી. આ બધી જગ્યાઓએ એકજ નગરરચના, એકજ પ્રકાર ના (વજન, લંબાઈ વગેરેના) માપદંડ એ સાબિત કરે છે કે કદાચ આ બધા શહેરો કોઈ એકજ શાસનની નીચે રહયા હશે. અને જોવા જેવી વાત એ છે કે અન્ય કોઈ પણ સંસ્કૃતિની જેમ આ સિંધુ સરસ્વતી સંસ્કૃતિના લોકો એ આ શાસન કે એના શાસકને ગ્લોરીફાય કરતુ કોઈ વિશાળ બાંધકામ કે કોઈ સ્મારક નથી બનાવ્યું. આ શહેરો અને એની રચના જ સિંધુ સરસ્વતી સંસ્કૃતિના સ્મારક છે.  અને આ વાત એ પણ સાબિત કરે છે કે એક કે બીજી રીતે ભારતવર્ષ એક સંગઠિત રાષ્ટ્ર છે એના બીજ ભારતીયોના મનમાં આપણે ધારીએ છીએ એના કરતા પણ ઘણા ઊંડા છે.

આ ભાગનું અંતિમ પ્રકરણ એક બહુ રસપ્રદ મુદ્દો છેડે છે. સિંધુ સરસ્વતી સંસ્કૃતિના નગરો કઈ રીતે નાશ પામ્યા? અને એનો સરસ્વતી નદી ના વિલુપ્ત થવા સાથે શું સંબંધ છે? આ પ્રકરણ માં સિંધુ સરસ્વતી સંસ્કૃતિનું પર્યાવરણ, અહીંયા વિકસેલા ઉદ્યોગોની એના ઉપર અસર, સરસ્વતી નદીની આ નગરોને પડતી જરૂર વિષે બહુ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. અને આ સંસ્કૃતિના ખોવાઈ જવા માટે સરસ્વતી નદીના વિલુપ્ત થવાને જ મુખ્ય કારણ દર્શાવી છે. નગરોનો વિકાસ, એના માટે જરૂર પડતા કુદરતી રિસોર્સ જેના વધારે પડતા ઉપયોગના લીધે પર્યાવરણ ખોરવાઈ રહ્યું હોય અને ઊંટની કાંધ પાર છેલ્લા તણખલા રૂપી એક નાનકડો ટેક્ટોનિક(ભૂકંપને લાગતો) બદલાવ જેના લીધે સરસ્વતીના વહેણનું બદલાઈ જવું આ બધા એ સિંધુ સરસ્વતી સંસ્કૃતિના લુપ્ત થઇ જવામાં મોટો ફાળો આપ્યો હતો.

સિંધુ સરસ્વતી સંસ્કૃતિના લોકોનું પ્લાનિંગ કેવું સરસ હતું એ બધાને ખ્યાલ છે જ. અને આટલું ઝીણવટભર્યું પ્લાનિંગ કરવા વાળા લોકો અચાનક આમ જ ગાયબ થઇ જાય? કોઈ પણ પ્રકારના સગડ છોડ્યા વગર? ચોક્કસ આ વાત ગળે ઉતરે એવી નથી, મધ્ય એશિયાના આર્યન લોકોએ આવીને આક્રમણ કર્યું હોવાની વાત જ બકવાસ છે કેમકે આટલા પુરાતત્વીય પુરાવાઓ અને “સો કોલ્ડ આર્યન જાતિ” ના વેદ-વેદાંત જેવા મહાસાહિત્ય માં ક્યાંય કોઈ પ્રકારના બે સંસ્કૃતિ વચ્ચેના યુદ્ધ, આક્રમણ કે એવી કોઈ જ વાત નથી. કોઈ પ્રકારનું ગ્લોરીફીકેશન જ નથી. અને આ ગ્લોરીફીકેશન ન હોવાની લાક્ષણિકતા તો સિંધુ સરસ્વતી સંસ્કૃતિના લોકોની છે. તો શું વેદિક સંસ્કૃતિ એ સિંધુ સરસ્વતી સંસ્કૃતિ નું જ એક પ્રકારનું કન્ટિન્યુએશન હોઈ શકે? કદાચ હા, અને આ વાતના પુરાવાઓ છે, અને એ પણ ઢગલા મોઢે.

અને આ પુસ્તકનાં અંતિમ અને સહુથી રસપ્રદ ભાગ ની ચર્ચાઓ આવતા વખતે. ત્યાં સુધી,

 

મે ધ શક્તિ બી વિથ યુ….

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here