બોલિવુડ એક્ટર સોનુ સૂદે લોકડાઉન દરમ્યાન હજારો શ્રમિકોને દેશભરમાં પોતપોતાના વતન પહોંચવામાં મદદ કરી છે અને ગઈકાલે મોડી સાંજે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.

મુંબઈ: અદાકાર સોનુ સૂદ ગઈકાલે આખો દિવસ ચર્ચામાં રહ્યા હતા. શિવસેનાના મુખપત્ર સામનામાં શિવસેનાના વરિષ્ઠ આગેવાન સંજય રાઉતે સોનુ સૂદના રાહતકાર્યોની આકરી ટીકા કરતા તેમને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા.
સંજય રાઉતે સોનુ સૂદ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ મુંબઈમાં રહેતા પ્રવાસી શ્રમિકોને પોતપોતાના વતન એટલા માટે મોકલે છે કારણકે તેઓ ભાજપના એજન્ટ છે અને પોતે ‘મહાત્મા’ બનવા માંગે છે અને રાજ્ય સરકારને ખરાબ ચીતરવા માંગે છે. સંજય રાઉતે આગળ જણાવ્યું હતું કે હવે બહુ જલ્દીથી સોનુ સૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે અને સમગ્ર દેશમાં છવાઈ જશે.
પરંતુ સાંજ પડતા પડતા આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું અને સોનૂ સૂદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. સોનૂ સૂદની આ મુલાકાત દરમ્યાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે તેમજ એક અન્ય મંત્રી અસ્લમ શેખ પણ હાજર રહ્યા હતા.
આ બાબતની જાણકારી આપતા આદિત્ય ઠાકરેએ Tweet કરી હતી કે આજે સાંજે સોનુ સૂદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, અસ્લમ શેખ અને મને મળ્યા હતા. હવે અમે સાથે મળીને અસંખ્ય લોકોને મદદ કરી શકીશું. એક સારા વ્યક્તિને મળવાથી આનંદ થયો જેણે અસંખ્ય લોકોની મદદ કરી છે.
This evening @SonuSood met up with @CMOMaharashtra Uddhav Thackeray ji along with Minister @AslamShaikh_MLA ji and me. Better Together, Stronger Together to assist as many people through as many people. Good to have met a good soul to work for the people together. pic.twitter.com/NrSPJnoTQ6
— Aaditya Thackeray (@AUThackeray) June 7, 2020
સામનામાં સોનુ સૂદ પર સંજય રાઉતે મુકેલા આરોપ અગાઉ પણ કોંગ્રેસના ઘણા સમર્થકોએ સોનુ સૂદ પર ભાજપના એજન્ટ હોવાનો આરોપ મુકતા તેઓ આટલી આસાનીથી કેવી રીતે હજારો શ્રમિકોને પોતાના વતન મોકલી શક્યા તેવો પ્રશ્ન પણ કર્યો હતો. સોનુ સૂદે માત્ર ઉત્તર પ્રદેશ કે બિહાર જ નહીં પરંતુ ઓડિશા, કેરળ, બંગાળ અને કર્ણાટક જેવા રાજ્યોથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં આવેલા હજારો કાર્યરત શ્રમિકોને પોતપોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી.
eછાપું