જય શ્રી રામ!: બુધવારે રુદ્રાભિષેક સાથે કરોડો હિંદુઓનું સ્વપ્ન પૂર્ણ થશે

0
349
Ram Mandir_echhapu
Photo Courtesy: swarajyamag.com

છેવટે કરોડો હિંદુ દ્વારા રામજન્મભૂમિ અયોધ્યામાં રામ લલ્લાના મંદિરના સ્વપ્નને અંતિમ રૂપ આપવાનું ભગીરથ કાર્ય આવનારા બુધવારથી શરુ થઇ જશે તેમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Photo Courtesy: swarajyamag.com

અયોધ્યા: શતાબ્દીઓથી કરોડો હિંદુઓ જેનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય બુધવારે એટલેકે 10મી જુનથી અયોધ્યામાં શરુ થવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણ કાર્ય શરુ થાય તે પહેલા રુદ્રાભિષેકની વિધિ કરવામાં આવશે.

રુદ્રાભિષેકની વિધિ ગણતરીના જ લોકોની હાજરીમાં કુબેર ટીલા મંદિર પાસે કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને રામ મંદિરની ભવ્ય ભૂમિપૂજન વિધિને હાલપૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

નવા રચાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજીના પ્રવક્તા મહંત કમલ નયન દાસજીએ જણાવ્યું હતું કે ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય 10 જુન બુધવારે રુદ્રાભિષેકની વિધિ સંપન્ન કર્યા બાદ શરુ થઇ જશે. તેમણે ઉમેર્યું હતું કે,

અમે ભગવાન રામ દ્વારા જ સ્થાપિત પરંપરાનું પાલન કરતા અમે સહુથી પહેલા ભગવાન શિવની આરાધના અને પૂજા કરીને મંદિર નિર્માણ કાર્યની શરૂઆત કરીશું.

રામ લલ્લાના ‘ખાસ મિત્ર’ ત્રિલોકી નાથ પાંડેએ જણાવ્યું હતું કે કુબેર ટીલા પર ભગવાન શિવનું પ્રાચીન મંદિર આવેલું છે આથી બુધવારે સવારે 8 વાગ્યે અહીં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવશે. આ ખાસ પૂજા મહંત કમલ નયન દાસજી સાથે અન્ય પૂજારીઓ રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ વતી કરશે અને આ પૂજા લગભગ બે કલાક સુધી ચાલશે.

આ દરમ્યાન રામ લલ્લા માટે કામચલાઉ ધોરણે બનાવવામાં આવેલું મંદિર પણ 77 દિવસ બાદ ભક્તજનો માટે ખુલ્લું મુકવામાં આવશે. આ મંદિર આજથી દરરોજ સવારે 8 થી 10 અને બપોરે 3 થી સાંજે 6 સુધી એમ દિવસમાં કુલ આઠ કલાક માટે રામ ભક્તો માટે ખુલ્લું રહેશે.

મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશે. મંદિરના મુખ્ય ભાગમાં એક સાથે માત્ર પાંચ જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે અને કોરોના અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલ્સનું ટ્રસ્ટ દ્વારા ફરજીયાત પાલન કરાવવામાં આવશે.

ભક્તો રામ લલ્લાથી 15 મીટરનું અંતર જાળવશે અને મંદિર તરફથી કોઇપણ પ્રકારનો પ્રસાદ ભક્તોને આપવામાં પણ નહીં આવે એટલુંજ નહીં ભક્તોને પણ પ્રસાદ ધરાવવાની છૂટ આપવામાં આવી નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here