દર પાંચ વર્ષે ગીરમાં એશિયાટિક સિંહોની વસ્તીગણતરી ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે જેમાં આ વર્ષની વસ્તીગણતરીના પરિણામો ખાસા ઉત્સાહપ્રેરક બની રહ્યા છે.

જુનાગઢ: સમગ્ર એશિયામાં માત્ર સૌરાષ્ટ્રના સાસણમાં જ એશિયાટિક સિંહની વસ્તી જોવા મળે છે. વન્યજીવોમાં સહુથી આકર્ષક પ્રાણીઓમાંથી એક એવા સિંહનું આ સદીઓથી કાયમી નિવાસસ્થાન બની ચૂક્યું છે.
દર પાંચ વર્ષે ગુજરાત સરકારનો વન વિભાગ સાસણમાં વસતા સિંહોની વસ્તીગણતરી કરતું હોય છે એમ આ વર્ષે પણ સિંહોની વસ્તીગણતરી કરવામાં આવી છે જેના ઉત્સાહ પમાડે તેવા પરિણામો સામે આવ્યા છે. સાસણ ગીરમાં છેલ્લી વસ્તીગણતરી 2015માં કરવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં કરવામાં આવેલી નવી વસ્તીગણતરી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં અહીં સિંહોની વસ્તી લગભગ 30%ની નજીક એટલેકે 29% જેટલી વધી છે.
2015માં સાસણ-ગીરમાં 523 સિંહ હતા જે 2020માં વધીને 674 થયા છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં સાસણ-ગીરમાં 151 સિંહ વધ્યા છે. જુનાગઢના નવાબના સમયથી અહીં સિંહોની વસ્તી વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેને ગુજરાત સરકાર પણ આગળ વધારી રહી છે.
જો કે છેલ્લા અમુક વર્ષોથી ગીરમાં માનવ દખલ વધી જતા અહીંના સિંહો રાજકોટ જીલ્લાના ચોટીલા સુધી તેમજ સુરેન્દ્રનગર જીલ્લા સુધી પહોંચી ગયા હોવાના સમાચાર પણ મળ્યા હતા. આ ઉપરાંત આ સિંહો ઘણીવાર કુટુંબ સહીત જુનાગઢ શહેરની ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ વિસ્તારમાં ફરતા હોવાના વિડીયો પણ અત્યંત વાયરલ થયા છે.
એશિયાટિક સિંહોને કારણે જ ગુજરાત માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષે સિંહ દર્શન માટે હજારો પ્રવાસીઓ ગીર આવતા હોય છે જે અહીંના સ્થાનિકો માટે રોજગારીની નવી તકો પણ ઉભી કરતા હોય છે.
eછાપું