CAA વિરુદ્ધ ભારતમાં ચાલતા પ્રદર્શનોને સમર્થન આપ્યા બાદ ભારતે મલેશિયા સાથેના વ્યાપારી સંબંધો પર અલ્પવિરામ લગાવી દીધું હતું પરંતુ હવે ફરીથી આ સંબંધો પૂર્વવત થવા જઈ રહ્યા છે.

કુઆલાલુમ્પુર: મલેશિયા સામે ભારતે અપનાવેલા કડક વલણની અસર હવે દેખાઈ રહી છે. મલેશિયામાં હાલમાં જ નવી સરકાર આવી છે જેણે ભારત સાથે સારા સંબંધો ફરીથી પ્રસ્થાપિત કરવાની ફક્ત ઈચ્છા જ નથી દર્શાવી પરંતુ તેના પર અમલીકરણ પણ શરુ કરી દીધું છે.
ભારતમાં CAA વિરુદ્ધ થયેલા હિંસક તોફાનો અંગે પાકિસ્તાનનો સાથ આપવા બદલ ભારતે મલેશિયા પાસેથી પામ ઓઈલની આયાત કરવાનું બંધ કરીને ઇન્ડોનેશિયા પાસેથી પામ ઓઈલ ખરીદવાનું શરુ કરી દીધું હતું. તે સમયે મલેશિયામાં મહાથીર મોહમ્મદ વડાપ્રધાન હતા જે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના ખાસ મિત્ર હોવાની ચર્ચા પણ ચાલી હતી.
થોડા દિવસો અગાઉ મલેશિયાના રાજાએ મુહીદ્દીન યાસીનની દેશના નવા વડાપ્રધાન તરીકે નિમણુંક કરી હતી. ત્યારબાદ મલેશિયામાં ભારતના રાજદૂત મૃદુલ કુમાર વડાપ્રધાન મુહીદ્દીન યાસીન તેમજ વિદેશમંત્રી હિશામુદ્દીન હુસૈનને મળ્યા હતા.
એવું જાણવા મળ્યું છે કે મૃદુલ કુમારની બેઠકો દરમ્યાન જ મલેશિયા સરકારે પોતે ભારત સાથે સંબંધોને ફરીથી સારા કરવા માંગે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ મલેશિયાએ ભારત પાસેથી ચોખાની આયાત શરુ કરવા માટેનો નિર્દેશ પણ પોતાના અધિકારીઓને આપી દીધો હતો.
બે અઠવાડિયા અગાઉ ભારતે મલેશિયાને કોરોના સંક્રમણથી બચવા માટેની દવાઓ નિર્યાત કરીને બંને દેશો વચ્ચેના સંબંધો હવે ફરીથી સામાન્ય થઇ રહ્યા હોવાનો ઈશારો પણ કરી દીધો હતો. ભારતના મલેશિયા સાથેના સંબંધો મહાથીર મોહમ્મદની વિદાય બાદ પૂર્વવત થવાથી પાકિસ્તાનને સહુથી મોટો ધક્કો લાગ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
eછાપું