ચેતવણી: ગુજરાતની ખાનગી હોસ્પિટલોને સાનમાં સમજી જવાનું કહેતા નીતિન પટેલ

1
276
Photo Courtesy: newsnation.in

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે રાજ્યમાં લોકડાઉન વધારવાના મુદ્દે તેમજ ખાનગી હોસ્પિટલોના કોરોનાના દર્દીઓ પ્રત્યેના વલણ અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે.

Photo Courtesy: newsnation.in

ગાંધીનગર: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે બે મહત્ત્વના મુદ્દાઓ પર પોતાનું નિવેદન આપ્યું હતું. ગઈકાલે સોશિયલ મિડીયામાં તેમજ કેટલાક મેઈન સ્ટ્રીમ મિડીયામાં ગુજરાતમાં લોકડાઉન ફરીથી આવી શકે છે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ નીતિન પટેલે આ અફવાઓને મૂળથી જ નકારી દીધી છે.

નીતિન પટેલે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં લોકડાઉન ફરીથી લાવવા અંગે રાજ્ય સરકાર કોઇજ વિચાર કરી રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં તો લોકોનું જીવન ફરીથી પાટે ચડે અને તેમની આવક ફરીથી શરુ થાય તેના પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે જેમાં રાજ્યના ધાર્મિક સ્થળોને શરુ કરવાની મંજૂરી આપવાનું પણ સામેલ છે.

ગૃહ મંત્રાલય ઉપરાંત આરોગ્યમંત્રીનો પણ ચાર્જ સંભાળતા નીતિન પટેલે ગુજરાતની ખાનગી હોસ્પિટલોને સાનમાં સમજી જવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ પાસેથી મનફાવે તેવા ચાર્જીસ લઇ શકે નહીં,

નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની હોસ્પિટલો પર કોરોનાની મહામારી પર કાબુ મેળવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં તેમને કાયમી રીતે સીલ કરી દેવાનો નિર્ણય પણ સામેલ હશે. નાયબ મુખ્યમંત્રીએ જનતાને સરકારે નક્કી કરેલા ચાર્જીસ કરતા વધુ ચાર્જ વસુલ કરતી ખાનગી હોસ્પિટલોની ફરિયાદ સીધી તેમના જ કાર્યાલયને લેખિતમાં કરવા જણાવ્યું છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ કોરોનાના ટેસ્ટ માટે MD ડોક્ટરોની નિયુક્તિ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. નીતિન પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ જેવા શહેરમાં જ્યાં કોરોનાનો વ્યાપ અન્ય શહેરો કરતા વધુ છે ત્યાં વધુને વધુ ટેસ્ટીંગ થાય તેવી પ્રજાની માંગણીને જોતા હવે શહેરના 1400 જેટલા ખાનગી MD ડોક્ટરોને આ માટે અધિકૃત કરવામાં આવશે અને આ ડોક્ટર્સને જરૂર લાગશે તો તેઓ કોરોનાના લક્ષણો ધરાવતા કે શંકાસ્પદ દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોકલી આપશે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here