ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (4): ઉપર આકા અને નીચે કાકા!

0
651

‘આરાધના’ની શૂટીંગના આગલા દિવસે ગુલશન નંદાએ જે વાર્તા સંભળાવેલી તે વાર્તા પરથી શક્તિ સામંતે રાજેશ ખન્નાને જ લઈને એક ફિલ્મ બનાવી, જેનું નામ આપ્યું ‘કટી પતંગ’. ફિલ્મની વાર્તા No man of her own નામની 1950ની હોલીવુડની ફિલ્મ પરથી પ્રેરિત હતી. ફિલ્મમાં રાજેશ ખન્ના, આશા પારેખ, પ્રેમ ચોપડા અને બિંદુની મુખ્ય ભૂમિકા હતી. ‘કટી પતંગ’ની શૂટીંગ ‘આરાધના’ની રિલીઝ પહેલાં શરૂ થયેલી અને તે વખતે આશા પારેખ રાજેશ ખન્ના કરતાં મોટી કલાકારા હતી. નૈનીતાલમાં શૂટીંગ દરમિયાન આશા સાથે એક મોટા સ્ટાર જેવો વ્યવહાર થતો અને તેને એક મોટી હોટેલમાં રહેવા માટે સગવડ મળેલી પરંતુ કાકાને એક નાનકડા ફાર્મ હાઉસમાં રખાયેલા.

ફિલ્મ રિલીઝ થતાં થતાં 1970નું વર્ષ શરૂ થઈ ગયું અને ફિલ્મ સુપરહીટ સાબિત થઈ. આનંદ બક્ષીએ લખેલા અને રાહુલ દેવ બર્મનના સંગીતથી મઢાયેલા ‘ये शाम मस्तानी…’,’प्यार दिवाना होता है मस्ताना होता है…’, ‘ये जो मोहब्बत है…’, ‘ना कोई उमंग है…’, ‘जिस गलीमें तेरा घर न हो बालमा…’, ‘मेरा नाम है शबनम…’ ગીતોથી બોલીવુડ ડોલી ઊઠ્યું.

***

એક વાત માનવી પડે કે રાજેશ ખન્ના જેવી ફિલ્મોની વાર્તા પસંદ કરવાની આવડત તે સમયના બીજા કોઈ કલાકાર કરતાં વધુ સારી હતી. તેની દરેક ફિલ્મની વાર્તામાં કંઈક નવીનતા હોય. એવા પાત્રો ભજવે કે લોકોને લાગે કે તેમની સોસાયટી, બિલ્ડીંગ કે વિસ્તારમાં રહેતો કોઈ સામાન્ય માણસ હોય – તરત લોકોના મન સાથે જોડાઈ જાય. તેની ફિલ્મના સ્ક્રીનપ્લે કોઈ એક પાત્ર પર આધારિત ન હોય, બધાંના પાત્રો સમાન વિભાજિત હોય. ફિલ્મનું સંગીત પણ એક જ વારમાં યાદ રહી જાય તેવી ધૂન વાળુ હોય. ફિલ્મોમાં તે ગીતો ‘લિપ-સિંક’ કરે તો પણ લાગે નહીં, એમ જ થાય કે તે પોતે ગાતો હોય.

આ સિવાય રાજેશ ખન્નાની પ્રસિદ્ધીનું સૌથી સબળ પાસું હતું તેની મહિલા ચાહકો (ફિમેલ ફૅન ફોલોઈંગ)! સ્ક્રીન પર આવો કોઈ હીરો જેમ કે આવ્યો જ ન હોય તેવો રોમેન્ટીક સ્ટાર રાજેશ ખન્ના બન્યો. રાજેશ જેવી વિષયાસક્તતા અને જાતિયતા કોઈએ દેખાડી નહોતી.

પરંતુ વાચકમિત્રો, યાદ રહે આ એ જ જિદ્દી છોકરો છે જે બાળપણમાં મા-બાપને હેરાન કરતો. શૂટીંગ વખતે પણ રાજેશ પોતાના અવનવા રંગ બતાવતો. જેમ કે ‘કટી પતંગ’ની શૂટીંગ વખતે ટેક તૈયાર થાય તો તરત પોતાની અડધી સળગતી સિગારેટ ફિલ્મલેખકના હાથમાં આપીને સીન ભજવવા જતો રહેતો. નૈનીતાલમાં શૂટીંગ વખતે નૈનીતાલના કલેક્ટર રાજેશને સવારના ચા-નાસ્તા માટે બોલાવતા તો તે જતો નહીં. શક્તિ સામંત અને ફિલ્મના ક્રૂને પણ કલેક્ટરના ઘરે જવાની ના પાડતો.

તેમ છતાં નૈનીતાલના જ કોઈ સામાન્ય રેસ્ટોરાંના માલિક સાથે જમતો. તે ખૂબ જ થોડાં લોકોની સાથે સમય ગાળવાનું પસંદ કરતો. દરેક ફિલ્મના લોકેશન અને સેટ પર તે પોતાની એક ટીમ બનાવી રાખતો જેમાં જાણ્યા-અજાણ્યા પણ તેને ગમતાં લોકોને પોતાની રૂમ પર બોલાવીને દારૂની મહેફિલ જમાવતો. ‘કટી પતંગ’ની શૂટીંગ પછી નૈનીતાલથી નીકળતી વખતે તેણે દારૂ પીને ગાડી ચલાવવાની જિદ્દ કરેલી અને શક્તિ સામંતે વાતને વાળી લીધેલી.

તે જ સમયગાળામાં Star & Style નામની મેગેઝીને રાજેશ ખન્નાનો પાંચ ભાગમાં એક પ્રોફાઈલ બનાવ્યો. ફિલ્મફેરની પેલી સ્પર્ધા તો તે જીતેલો જ. ફિલ્મફેરે જતિન ખન્નાને રાજેશ ખન્ના બનાવ્યો તો Star & Style મેગેઝીને રાજેશને એક્ટરમાંથી ‘સ્ટાર’ બનાવ્યો.

1969 થી 1971 વચ્ચે રાજેશ ખન્નાને સ્ટારડમ અને સફળતા મળી. તેની ફિલ્મો મહિનાઓ સુધી હાઉસફૂલ રહેતી. હિન્દી ન બોલતાં વિસ્તારો (મદ્રાસ, બેંગ્લોર અને હૈદ્રાબાદ)માં જેની ફિલ્મો ગોલ્ડન જ્યુબિલી થતી તેવો રાજેશ ખન્ના પહેલો કલાકાર બન્યો. તે એક એવો સમય હતો જ્યારે રાજેશના નસીબ અને મહેનત બંને કામ લાગ્યા. જેમાં રાજેશ ખન્ના હાથ નાખે તે ફિલ્મ સુપરહીટ.

***

એવામાં રિલીઝ થઈ 1971ની સુપરહીટ ફિલ્મ ‘આનંદ’.

ઋષિકેશ મુખર્જી અને રાજ કપૂર નજીકના મિત્રો હતા. જ્યારે રાજ કપૂર બહુ બિમાર હતા ત્યારે ઋષિકેશ મુખર્જીએ તેમને ખૂબ જ નજીકથી જોયેલા અને અનુભવેલા. એક બિમાર માણસ કઈ રીતે પોતાનું જીવન થોડામાં ઘણું જીવી જાય છે – તે આઈડિયાએ ‘આનંદ’ની વાર્તાને જન્મ આપ્યો. એમ કહો કે રાજ કપૂરના જીવન પરથી જ ‘આનંદ’ ફિલ્મ બનેલી તો અતિશયોક્તિ નહીં થાય.

એન. સી. સિપ્પીના નિર્માણ હેઠળ ‘આનંદ’ માટે સૌ પ્રથમ મહેમૂદ અને કિશોર કુમારને લેવાની તૈયારી હતી. પરંતુ ઋષિકેશ મુખર્જી સાથે કિશોર કુમારને કોઈ વાતે અણબનાવ થયેલો માટે તેમણે શશી કપૂર સાથે વાત કરી. પરંતુ ફિલ્મના લેખક ગુલઝારે ઓલરેડી રાજેશ ખન્ના સાથે વાત કરી રાખેલી એટલે જ તેને આ ફિલ્મ મળી. રાજેશ ખન્નાએ ફિલ્મના ડીસ્ટ્રીબ્યુશન રાઈટ્સ પણ ખરીદ્યા.

ફિલ્મમાં આનંદને લિમ્ફોસાર્કોમા નામનું કેન્સર હોય છે જે દિલ્હીથી બોમ્બે પોતાના મિત્ર ડૉ. કુલકર્ણી (રમેશ દેવ)ને મળવા આવે છે અને ત્યાં ડૉ. ભાસ્કર બેનર્જી (અમિતાભ બચ્ચન)ને મળે છે. અમિતાભને આ ફિલ્મમાં ઘણી સ્ટ્રગલ પછી ચાન્સ મળ્યો. મહેમૂદ અમિતાભને ‘સાત હિન્દુસ્તાની’ ના સમયથી ઓળખતા હતા તેમણે જ અમિતાભને ‘આનંદ’ ફિલ્મમાં કામ કરવાની સલાહ આપી. પરંતુ મહેમૂદને રાજેશ ખન્નાની પ્રસિદ્ધીની જાણ હતી. અમિતાભને કહ્યું કે ભલે ફિલ્મમાં રાજેશ હોય, પણ જ્યાં મોકો મળે ત્યાં ચોકો મારી દેજે. અમિતાભે એવું જ કર્યું – બાબુ મોશાયનું પાત્ર અભિતાભ જીવી ગયો.

‘આનંદ’માં રાજેશનું પાત્ર પણ એક હરહંમેશ જીવંત રહે તેવું રહ્યું. અમિતાભ-રાજેશ ખન્નાની જોડીએ આ ફિલ્મને ઉપાડી. ફક્ત 28 દિવસમાં આનંદની શૂટીંગ પૂર્ણ થઈ અને ખૂબ જ ઓછા બજેટની ફિલ્મ હતી તેમ છતાં દરેક પાત્રોના જીવનમાં આ ફિલ્મ માઈલસ્ટોન બની રહી. બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ, ફિલ્મફેરમાં ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ હીરો’ (રાજેશ ખન્ના), ‘બેસ્ટ સપોર્ટીંગ હીરો’ (અમિતાભ બચ્ચન), ‘બેસ્ટ ડાયલોગ’ (ગુલઝાર), બેસ્ટ એડિટીંગ અને બેસ્ટ સ્ટોરી (ઋષિકેશ મુખર્જી) – તે વર્ષના બધાં જ એવોર્ડ ‘આનંદ’ને મળ્યા.

‘कहीं दूर जब दिन ढल जाये…’, ‘मैंने तेरे लिये ही सात रंग के सपनें चूने…’, ‘जिंदगी…कैसी है पहेली हाये…’ જેવા ગીતો સદાબહાર બન્યા. કિશોર કુમાર સાથે તો તે સમયે અણબનાવ હતો એટલે ગાયક મુકેશને આ ફિલ્મમાં ચાન્સ મળ્યો.

***

તે જ વર્ષે રાજેશ ખન્નાની હજી ત્રણ ફિલ્મો આવીઃ ‘મર્યાદા’, ‘છોટી બહુ’ અને ‘અંદાજ’!

‘મર્યાદા’ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે રાજ કુમાર અને માલા સિન્હાએ કામ કર્યુ. ‘છોટી બહુ’ ફિલ્મ શરતચંદ્ર ચટોપાધ્યાયની નવલકથા બિંદૂર છેલે પરથી બનેલી અને શર્મિલા ટાગોર, રાજેશ ખન્ના, નિરૂપા રોય, શશીકલા જેવી ભારે ભરખમ કાસ્ટ હોવા છતાં રાજેશનો જાદૂ બરકરાર રહ્યો.

ત્યારબાદ આવી ‘અંદાજ’, જેમાં રાજેશ ખન્નાનો ફક્ત 10 મિનીટનો જ રોલ હતો. ફિલ્મ રમેશ સિપ્પીએ નિર્દેશ કરેલી. ફિલ્મના મુખ્ય કલાકાર હેમા માલિની અને શમ્મી કપૂર હતા પરંતુ રાજેશ ખન્નાને કારણે લોકો ફિલ્મ જોવા આવતા અને ફિલ્મ સુપરહીટ બની ગઈ. રાજેશ ખન્નાના ફિલ્મમાં બે જ દ્રશ્ય અને એક ગીત હતું – ‘जिंदगी एक सफर है सुहाना…’ રાજેશના નામ પર જ ‘અંદાજ’ ચાલી ગઈ અને એટલે તેની તે સમયની લોકપ્રિયતાનો ખ્યાલ આપણને આવી જ જાય. આ 10 મિનિટનો રોલ રાજેશ માટે સલીમ ખાન અને જાવેદ અખ્તરે લખેલો. ‘અંદાજ’ વખતે જ એ ત્રણેયની મુલાકાત થયેલી જે આગળ જઈને એક સુપરડુપર હીટ ફિલ્મના એંધાણ હતા.

ઉપરાઉપરી સુપરહીટ ફિલ્મો આપતા હોય તો કોઈના પણ મગજમાં રાઈ ભરાઈ જાય. રાજેશના મનમાં તો રાઈનો પહાડ બનવા લાગ્યો. અન્ય વ્યક્તિ પર શ્રેષ્ઠતાની લાગણી પ્રાપ્ત કરવાની ભાવનાને અંગ્રેજીમાં one upmanship કહેવાય છે. રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મજગતના ભગવાન જેવી ફિલીંગ આવવા લાગી.

***

રાજેન્દ્ર કુમાર ભારત-પાકિસ્તાનના ભાગલા પછી બોમ્બે આવેલા અને તેમની બોમ્બેમાં પ્રોપર્ટી લેવાની ઈચ્છા હતી. થોડી ફિલ્મો કર્યા પછી તેમણે એક બંગલો ખરીદ્યો જેનું નામ રાખ્યું – ડિમ્પલ! (જે તેમની દીકરીનું નામ હતું). જ્યારે તે બંગલો ખરીદેલો ત્યારે લોકોએ કહેલું કે તે એક ભૂતબંગલો છે અને ત્યાં પ્રેતઆત્માઓનો વાસ છે. મનોજ કુમારના કહેવાથી રાજેન્દ્ર કુમારે બંગલામાં પૂજાઓ કરાવીને ત્યાં રહેવા ગયેલા. આ બંગલો રાજેન્દ્ર કુમારને ફળ્યો અને તેઓ જ્યુબિલી સ્ટાર બન્યા.

સન 1965માં તેમણે એક બીજો બંગલો ખરીદ્યો ત્યારે તેમણે ‘ડિમ્પલ’ બંગલાને વેંચવા કાઢ્યો. આ બંગલો રાજેશ ખન્નાને ખરીદીને પોતાના સુપર સ્ટારડમનો મદ લોકોને દેખાડવો હતો પણ તેની પાસે તે સમયે પૂરતી મૂડી નહોતી. આ બંગલાને ખરીદવા રાજેશે એક દક્ષિણ ભારતીય નિર્માતાની ફિલ્મ સાઈન કરી. રાજેશને બંગલાનું નામ ‘ડિમ્પલ’ જ રાખવું હતું પણ રાજેન્દ્ર કુમારે લીધેલા નવા બંગલાનું નામ ઓલરેડી ‘ડિમ્પલ’ રાખી દીધેલ, માટે રાજેશને બીજું નામ વિચારવાનું કહ્યું. રાજેશને ભૂતબંગલા વિશેની અફવાઓ ખબર હતી એટલે તેણે પણ બંગલામાં હોમ-હવન અન પૂજા કરાવીને નામ આપ્યું – આશિર્વાદ!

જેવો નવા બંગલામાં શિફ્ટ થયો કે તરત જ બંગલાના ગેરેજને રાજેશે એક બારમાં ફેરવી નાખ્યું. ત્યાં રોજ રાત્રે કાકાનો ‘દરબાર’ ભરાતો. આ દરબારની બહાર નિર્માતા નિર્દેશકોની લાઈન લાગતી. કલાકો સુધી રાજેશ ખન્નાની રાહ જોવાતી. કોઈ સરકારી ઓફિસમાં ફાઈલ પર સહી કરાવવા લાગે તેવી લાઈન દરબારની બહાર લાગતી. દરબારમાં કાકા પોતાનો સિલ્કનો ઝભ્ભો અને લુંગી પહેરીને એક ઊંચાઈએ રાખેલા સિંહાસન પર બેસતા અને બીજા બધાં નીચે – જેમ કે રાજા અને પ્રજા દરબારમાં બેઠા હોય.

દરબારમાં હોય ત્યારે તે કોઈ નિર્માતાઓના ફોન પણ ન ઉપાડતા – कह दो साहब बीजी है, एक घंटेमें वापस फोन करे…એવું ઘરના નોકરને કહી રાખતા. તેને જી-હજૂરિયા અને ચમચાઓ ખૂબ ગમતાં જે તેની આજુબાજુ ફર્યા કરે. કાકાના આ દરબારમાં વ્હિસ્કીની નદીઓ વહેતી અને દરબારમાં રહેવું હોય તો જી-હજૂરી કરવી જરૂરી હતી. તેણે ઘણાં એવા પોપટ પાળેલા જે ‘ઉપર આકા અને નીચે કાકા’ એવા મંત્રો પણ દરબારમાં બોલતા. દરબારમાં કોઈ તેની વિરુદ્ધમાં બોલે તો રાજેશ કહી દેતો – आपको हमारा दरबार छोडना पडेगा ।

આખી રાત મેજબાનીઓ ચાલતી અને સવારે રાજેશ સમયસર શૂટીંગ પર પહોંચતો નહીં. કોઈ તેને આ બાબતે કંઈ કહી શકતું નહીં કારણ કે બોક્સઓફિસ પર ટંકશાળ પાડવામાં તે બાદશાહ હતો. પરંતુ શૂટીંગ પર પહોંચે એટલે કાકામાં એક અજીબ બદલાવ જોવા મળતો. દરેક નિર્માતા, નિર્દેશક સાથે સમાન રીતે વર્તતો. ઘણી વાર તો નિર્માતાઓના રૂપિયા બાકી હોય તે માફ કરીને ફિલ્મ રિલીઝ થવા દેતો.

આશિર્વાદ બંગલાની બહાર કાર્ટર રોડ પર ચાહકોની લાઈન લાગતી. લોહીથી લખાયેલા પત્રો આવતા. ચીગમ ખાતા પહેલાં સ્ત્રી ચાહકો રાજેશ ખન્નાના ફોટા કે પોસ્ટરમાં તેના હોઠ પર કલાકો ચોંટાડી રાખતી. ફોટા સાથે લગ્ન કરતી, રાજેશની સફેદ કાર પર લાલ લિપસ્ટીકથી ચુંબન કરતી. પુરુષ ચાહકો પણ રાજેશ જેવી હેરસ્ટાઈલ રાખતા અને કપડા પહેરતા. કાકાજીના ‘ગુરુ’ કુર્તા ખૂબ જ પ્રચલિત હતા. 1979 સુધી રાજેશ ખન્નાના પોશાક બલદેવ પાઠક નામના એક દરજીએ ડીઝાઈન કરેલા. તેના ‘ગુરુ’ કુર્તાના 2000 નંગ એક જ મહિનામાં વેચાયેલા. કાર્ટર રોડ હવે એક પર્યટક સ્થળ બની ગયું હતું. ખરેખર, રાજેશને ‘આશિર્વાદ’ ફળ્યા.

***

આશિર્વાદ બંગલો ખરીદવા જે ફિલ્મ સાઈન કરેલી તે ફિલ્મ ચીન્નપ્પા દેવરની ‘હાથી મેરે સાથી’ હતી. ફિલ્મની સ્ક્રીપ્ટ પહેલાં નબળી હતી એટલે રાજેશે સલીમ ખાન અને જાવેદ અખ્તરને હાથ અજમાવવા કહ્યું. બંનેએ એક શરત રાખી કે ફિલ્મમાં બંનેને અલગ અલગ ક્રેડિટ મળે. રાજેશે વાત માની. ક્રેડિટ સાથે થોડાં વધુ રૂપિયા આપવાની પણ હા પાડી.

‘હાથી મેરે સાથી’માં એક અનાથ છોકરા રાજુની વાત છે જેને તનુ (તનુજા) સાથે પ્રેમ થાય છે. હાથી સાથે નાનપણથી રહેલો રાજુ એક પ્રાણી સંગ્રહાલય ખોલે છે અને તે જ સંગ્રહાલયના પ્રાણીઓ તેના તનુ સાથેના પ્રેમમાં ખટાશ ઊભી કરે છે. આ ફિલ્મે નાના બાળકોને ખૂબ આકર્ષ્યા. ફિલ્મની હીરોઈન તનુજાએ એક ઈન્ટરવ્યુમાં કહેલું કે તેની દીકરીઓ કાજોલ (6 વર્ષ) અને તનીષા (3 વર્ષ)એ તનુજા સાથે થોડા દિવસ વાત નહોતી કરી કારણ કે ફિલ્મમાં તનુને કારણે હાથી મરી જાય છે.

‘दिलबर जानी, चली हवा मस्तानी…’, ‘चल चल चल मेरे हाथी, मेरे साथी…’, ‘सुन जा, आ थंडी हवा…’, ‘ नफरत की दुनिया को छोड के…’ જેવા આનંદ બક્ષીના સુમધુર ગીતોમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત ભળ્યું.

આ ફિલ્મની શૂટીંગ વખતે રાજેશમાં એક અલગ બદલાવ દેખાયો. જે દિવસે રાજેશ શૂટીંગ પર મોડો આવતો તે દિવસે ફિલ્મ નિર્દેશક ચીનપ્પા એક સ્પોટબોયને લાકડીથી ફટકારતા. રાજેશને પહેલા આ વાતની ખબર નહોતી પરંતુ એક દિવસ ક્રૂ મેમ્બરને પૂછ્યું ત્યારે તેને નિર્દેશકના ગુસ્સાનું કારણ ખબર પડી. તે દિવસ પછી રાજેશ ફિલ્મના સેટ પર કદી મોડો ન ગયો.

‘હાથી મેરે સાથી’ 1971ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ. ‘આરાધના’ જેવી જ માઈલસ્ટોન ફિલ્મ ‘હાથી મેરે સાથી’ બની. રાજેશ ખન્નાની ફિલ્મી કારકિર્દીની પણ એક દમદાર સુપરહીટ ફિલ્મ.

***

પરંતુ આ પછી બે એવરેજ ફિલ્મો આવી. ‘મહેબૂબ કી મહેંદી’ ફિલ્મ ફિલ્મફેરની પેલી સ્પર્ધાના એક નિર્ણાયક હર્મન સિંઘ રવૈલની ફિલ્મ હતી. પણ બોક્સઓફિસ પર કાંઈ કાઠું કાઢ્યું નહીં. 1972માં ‘દુશ્મન’ આવી. જેમાં રાજેશ ખન્ના, લીના ચંદાવરકર, બિંદુ, મુમતાઝ, મીનાકુમારી હતા અને આ ફિલ્મ વિરેન્દ્ર શર્માની નવલકથા પરથી બનેલી. આ ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આનંદ બક્ષી અને કિશોરકુમારની ત્રિપુટી હતી છતાં એક ગીત સિવાય સંગીત ચાલ્યું નહીં. તે ગીત હતું – सच्चाई छूप नहीं सकती, बनावट के उसूलो से…’

એક વાત નોંધવા લાયક હતી કે રાજેશ સુપરસ્ટાર હોવા છતાં નાના અને સપોર્ટીંગ રોલ કરવા તે કદી અચકાતો નહીં. 1972ની ફિલ્મ ‘દિલ દૌલત દુનિયા’ માં ઓમ પ્રકાશ અને અશોક કુમાર જેવા દિગ્ગજ કલાકારો વચ્ચે પણ રાજેશે પોતાની છાપ છોડી. તે જ વર્ષે ‘અનુરાગ’માં તેણે સપોર્ટીંગ રોલ કર્યો. વિનોદ મહેરા, મૌશમી ચેટર્જી સાથે રાજેશ ખન્ના કામ કરતા શરમાયો નહીં.

***

શક્તિ સામંતે ‘અનુરાગ’ (જેમાં રાજેશે અતિથિ ભૂમિકા કરેલી) પછી ‘જાને-અન્જાને’ અને ‘કટી પતંગ’ પૂર્ણ કરી પછી તેમની પાસે ‘અમર પ્રેમ’ની વાર્તા હતી. રાજેશ ખન્ના પાસે તે સમયે તારીખો નહોતી માટે સામંતે કોઈ બીજા હીરોને લેવાનું પસંદ કર્યું.

રાજેશ ખન્નાને જેવી ખબર પડી કે તરત જ સામંતની ઓફિસે જઈને બોલ્યો – તમે કોઈ બીજાને લેવાનું વિચારી જ કેમ શકો?

સામંતે જવાબ આપ્યો – તારી પાસે તારીખ જ ક્યાં છે?

રાજેશ બોલ્યો – હું રોજ રાત્રે હાફ-શિફ્ટ (4 કલાક) આ ફિલ્મ માટે આપીશ.

રાજેશને આ ફિલ્મ મળી.

‘અમર પ્રેમ’ વિભૂતીભૂષણ બંદોપાધ્યાયની વાર્તા હતી અને ઉત્તમ કુમારની 1970ની ક્લાસિક ફિલ્મ ‘નિશિપદ્મા’ની રિમેક હતી. આમ તો ‘આરાધના’, ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ – એમ ટ્રાયોલોજી કહીયે તો પણ ચાલે. ‘चिनगारी कोई भडके…’, ‘कुछ तो लोग कहेंगे…’, ‘ये क्या हुआ…’, ‘रैना बीती जाये…’, ‘बडा नटखट है ये…’ જેવા ગીતો આજે પણ હિન્દી ફિલ્મજગતના સુમધુર ગીતોમાં ગણાય છે. ‘चिनगारी कोई भडके…’ ગીત કોઈ બીજી ફિલ્મ માટે લખાયેલું હતું પણ રાજેશ ખન્નાને એટલું ગમ્યું કે તેણે સામંતને કહીને એવી પરિસ્થિતિ ફિલ્મમાં ઊભી કરી જ્યાં આ ગીત ફીટ બેસે. ફિલ્મનો ડાયલોગ – पुष्पा, तुम्हारे आंसु पोंछ दो, आइ हेट टियर्स… તો હિન્દી સિનેમાનો યાદગાર ડાયલોગ બની ગયો. શર્મિલા ટાગોરે પુષ્પાનો રોલ બખૂબી નિભાવ્યો.

‘અમર પ્રેમ’ રાજેશ અને શક્તિ સામંતની છેલ્લી હીટ ફિલ્મ હતી. 1972માં રાજેશ ખન્નાની હેટ્રીક કરતી ફિલ્મ ‘અપના દેશ’ આવી. આ ફિલ્મ 1969ની એમ.જી.આર. અને જયલલિતાની સુપરહીટ ફિલ્મ ‘નમ નાડુ’ની રિમેક હતી. ફિલ્મનું ગીત ‘दुनिया में लोगों को…’ ગીત ખૂબ જ પ્રચલિત થયું. રાજેશ ખન્ના, મુમતાઝ, ઓમ પ્રકાશ, મદન પુરી, કનૈયાલાલ જેવા કલાકારોની આ ફૂલ મસાલા ફિલ્મ હતી.

હવે સ્કોરને એવરેજ કરવાનો સમય હતો. 1972માં જ રાજેશ ખન્નાની છ વધુ ફિલ્મો રિલીઝ થઈ. ‘મેરે જીવન સાથી’ ફિલ્મના ગીતો ખૂબ ચાલ્યા. ‘चला जाता हूं, किसी की धून में…’, ‘ओ मेरे दिल के चैन…’, ‘दिवाना लेके आया है…’ ગીતોએ ધૂમ મચાવી પરંતુ ફિલ્મ ન ચાલી. રમૂજી સ્ક્રીપ્ટ હોવા છતાં ‘જોરુ કા ગુલામ’ ફ્લોપ ગઈ. છેવટે ‘માલિક’ અને ‘શહેઝાદા’ ફિલ્મ આપીને 1972ના વર્ષને રાજેશ ખન્નાએ વિદાય આપી.

તેમ છતાં 1972ની એક ફિલ્મ વિશે વાત કરવી મહત્ત્વની છે – ‘બાવરચી’, જે ઋષિકેશ મુખર્જીની એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની રહી. આ ફિલ્મ પહેલાં શશી કપૂરને ઓફર થયેલી. રાજેશ ખન્નાને ઋષિકેશ મુખર્જીએ કહ્યું, ‘રાજેશ, આ ફિલ્મનું બજેટ ઓછું છે એટલે તમને સાઈન કરવાનું મને પરવડશે નહીં’. રાજેશે કહ્યું, ‘ તમે જેટલા આપશો તેટલા, પણ આ રોલ હું જ કરીશ’. ફિલ્મમાં રાજેશ ખન્ના ‘શાંતિ નિવાસ’ બંગલામાં નોકર અને બાવરચી રઘુનો રોલ કર્યો. આ ફિલ્મ પણ હીટ સાબિત થઈ.

***

રાજેશે પોતાની ફિલ્મોથી દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમાર ના યુગનો લગભગ અંત લાવી દીધો હતો. ‘જોની મેરા નામ’ અને ‘હરે રામા હરે ક્રિષ્ના’ સિવાય દેવ આનંદની કોઈ ફિલ્મ ન આવી. જીતેન્દ્ર જેવા જીતેન્દ્રને પણ રાજેશે પછાડી દીધો. તે વખતે ફક્ત બે જ હીરો રાજેશના ટક્કરમાં હતા – એક ધર્મેન્દ્ર અને બીજા મનોજ કુમાર! 1972માં મનોજ કુમારની ‘બેઈમાન’ વર્ષની સૌથી મોટી સુપરહીટ ફિલ્મ બનેલી.

‘અમર પ્રેમ’ને બદલે ‘બેઈમાન’ માટે બેસ્ટ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ નક્કી થયો. તે સમયમાં એવોર્ડ વિજેતાને પહેલાંથી જ જાણ કરી દેવાતી જેથી તેઓ એવોર્ડ ફંકશન વખતે હાજર રહે. રાજેશ ખન્નાને ખબર પડી કે મનોજ કુમારને એવોર્ડ મળવાનો છે એટલે પોતાની ટીમને કહીને રાજેશે પોતાના બંગલામાં એવોર્ડના દિવસે તે જ સમયે એક મોટી પાર્ટીનું આયોજન કર્યુ. ફિલ્મ જગતના દરેક ફિલ્મસ્ટારને રાજેશ ખન્નાના ઘરે પાર્ટીમાં જવાનું આમંત્રણ મળ્યું. પછી શું થયું – તે આવતા અઠવાડિયે…

ક્યા જવાબ હૈ આપકા?

ફિલ્મ ‘હાથી મેરે સાથી’નું નામ કંઈક બીજું રાખવાનું નક્કી હતું પરંતુ સલીમ ખાને ફિલ્મને આ નવું નામ આપ્યું. તેમ છતાં જૂનું નામ ફિલ્મમાં જ રાજુએ શરૂ કરેલા પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવ્યુ. તે કયું નામ હતું?

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here