The Lost River: ભાગ 2 સિંધુ-સરસ્વતી થી ગંગા સુધી

0
1005

શું સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ અચાનક જ ગાયબ થઇ ગઈ? કે વેદિક સંસ્કૃતિ અને એના કન્ટિન્યુએશન તરીકે આપણી સંસ્કૃતિ અને સનાતન હિન્દૂ ધર્મે આ સિંધુ-સરસ્વતી સંસ્કૃતિને એક અલગ સ્વરૂપે આગળ ધપાવી છે? પાછલા અંકમાં આપણે આ મુદ્દા ઉપર આ ચર્ચા અટકાવી હતી. The Lost River પુસ્તક રીવ્યુના આ અંતિમ ભાગમાં આપણે આજે ચર્ચા કરીશું કે કઈ રીતે સિંધુ સરસ્વતી સંસ્કૃતિ આગળ વધી વેદિક સંસ્કૃતિમાં પરિવર્તિત થઇ, જેના ઘણા પ્રમાણ આ પુસ્તકના છેલ્લા બે પ્રકરણમાં મળે છે. તો પાછલા ભાગની ચર્ચા આગળ વધારીએ…..

માઈકલ ડાનિનો ના પુસ્તક The Lost River: On the trail of the Saraswati નું મુખપૃષ્ઠ Courtesy: Google Play Books

પુસ્તક રીવ્યુ: The Lost River: On the trail of The Saraswati.

પુસ્તક: ધ લોસ્ટ રિવર: ઓન ધ ટ્રેઇલ ઓફ ધ સરસ્વતી

લેખક: માઈકલ ડાનીનો

પબ્લીશર: પેંગ્વિન યુકે

પાના: 370-400

ફોર્મેટ: પેપરબેક, ઈ બુક, ઓડીયોબુક

ભાષા: અંગ્રેજી

લિંક્સ: ગૂગલ પ્લે ઈ બુક, ગૂગલે પ્લે ઓડીયોબુક, એમેઝોન

ભાગ 3: ફ્રોમ સરસ્વતી ટુ ગંગા

ભાગ 1: મૂર્ત ધરોહર

‘‘चार बांस, चैबीस गज, अंगुल अष्ठ प्रमाण।
ता ऊपर सुल्तान है, चूके मत चौहान।।’’

લોકકથા મુજબ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણને ઘોરીએ બંદી બનાવીને આંધળો કરી નાખ્યો હતો ત્યારે પૃથ્વીરાજના ગુરુ અને મિત્ર એવા કવિ ચાંદ બરડાઈએ તીરંદાજીના પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં અંધ પૃથ્વીરાજને પોતાની તીરંદાજીની કળા દેખાડવાની હોય છે. યોગ્ય સમયે ચાંદ બરડાઈ ઉપરની પંક્તિઓ ગાય છે અને પૃથ્વીરાજની જગ્યાએથી ઘોરી ક્યાં બેઠો હોય છે એનું સચોટ વર્ણન ઉપરની પંક્તિઓમાં કરે છે. છેલ્લે મહાવીર મહારાજા પૃથ્વીરાજ ઘોરી પર એક સચોટ તિર છોડીને એને મારી નાખે છે અને ચાંદ બરડાઈ અને મહારાજા પૃથ્વીરાજ પણ વીરગતિ પ્રાપ્ત કરે છે.

વેલ, અત્યારસુધી ચાલી આવતી સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની વાતમાં અચાનક વિથ ડ્યુ રિસ્પેક્ટ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ ક્યાંથી આવી ગયા? આનો જવાબ ઉપરની પંક્તિઓમાં પહેલી જ પંક્તિમાં છે. ચાર બાંસ, ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ આ બધા જ લંબાઈના માપ છે. અને આમાંના અંગુલ નો એક ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ ક્લિયરલી મળે છે. અર્થશાસ્ત્રમાં જવના આઠ દાણાને એક સાથે ગોઠવવાથી એક અંગુલ નું માપ મળે એવો ઉલ્લેખ છે. અને આ માપ નું નામ અંગુલ એટલે પડ્યું કેમકે એવરેજ માણસની વચલી આંગળી ની પહોળાઈ પણ વધતા ઓછા અંશે આટલી જ હોય છે, લગભગ 1.7 સે.મી. જેટલી. અને લોથલમાં મળેલા હાથીદાંતના 46 મી.મી, લાંબા એક નમુનામાં 27 જેટલી સરખા અંતરે કાપેલી લાઈનો જોવા મળે છે, અર્થાત બે લાઈનો વચ્ચે 1.7મી.મી. જેટલું અંતર.  આનો ચોખ્ખો અર્થ એ થયો કે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના લોકોને પણ 1.7 મી.મી. નું માપ ખબર હતી, અને એના દસ ગણું માપ 1.7 સે.મી. (એક અંગુલ) ચાણક્યએ પણ ધ્યાનમાં લીધું છે.

હડપ્પા ની ઈંટ નો એક નમૂનો Courtesy: Wikimedia

અને આ માપ સિંધુ-સરસ્વતી સંસ્કૃતિમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. ઉપર દર્શાવી એવી સામાન્ય ઈંટના માપમાં પણ ક્યાંક અંગુલના ગુણાંક હાજરી પુરાવે છે. અને આ ઈંટના માપ સિંધુ-સરસ્વતી સંસ્કૃતિમાં સપ્રમાણ રહ્યા છે. આ સપ્રમાણ ઈંટને લીધે ત્યાંના ઘર, શેરીઓ અને આખા શહેરો પણ સાઈઝમાં નાના મોટા હોવા છતાં એક રેશિયો જાળવી શક્યા છે. શેરીની પહોળાઈ, ઘરની દીવાલોની જાડાઈ, શહેરને ઘેરતી દીવાલોના માપ આ બધું જે પ્રમાણથી સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના શહેરોમાં જોવા મળ્યું હતું, એવુંજ પ્રમાણ વેદિક સંસ્કૃતિના ઘણા શહેરો, જેમકે તક્ષશિલા, કૌશામ્બી કે ઉજ્જૈનના  પુરાતત્વીય અવશેષોમાં જોવા મળ્યું છે. જો આ પ્રમાણ પૂરતી સાબિતી ન હોય તો એનાથી મોટી સાબિતી આપણા ગામડાઓ છે.

સિંધુ-સરસ્વતી નદી ના ઘરના બાંધકામોમાં એક વાત કોમન જોવા મળી હતી. ઘરની ત્રણ તરફ દીવાલો,ઓરડાઓ વચ્ચે મોટું (અને લગભગ ચોરસ) આંગણ અને ચોથી તરફ એક મોટો દરવાજો. અને વર્ષો સુધી ગામડાઓના ઘર પણ આ જ ભાત અનુસરતા, ત્રણ તરફ દીવાલો ઓરડાઓ, વચ્ચે નાનું-મોટું ચોરસ આંગણ અને એક દરવાજો. એટલુંજ નહિ, જે બનાવટની ઈંટો સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની કાલીબંગનની સાઈટ પર મળી હતી એ જ બનાવટની ઈંટો 4500 વર્ષ પછી બાજુના રાજસ્થાની ગામડાઓમાં નવી બનતી જોવા મળી. સિંધુ-સરસ્વતી નદીની સાઇટ્સ ના ઘરોમાં ગોખલાની જગ્યાઓ અને માપની સમાનતા આજે પણ ઘણા જુના ગામડાના ઘરોમાં જોવા મળે છે. એટલું જ નહિ આ પ્રકરણમાં વિસ્તારથી વર્ણવ્યું છે કે કઈ રીતે વજન, લંબાઈ અને ઊંચાઈના પરંપરાગત ભારતીય માપ અને સિંધુ-સરસ્વતી સંસ્કૃતિમાં વપરાતા માપ માં નજીવો ફરક હતો.

ઉપરાંત, ભારતની પરંપરાગત ટેક્નોલોજી અને સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના સાધનોની ટેક્નોલોજીમાં પણ ઘણી સમાનતા જોવા મળી છે. રાજસ્થાનની કાલીબંગન (લિટરલી કાળી બંગડીઓની જગ્યા) એક એવી સિંધુ-સરસ્વતી સાઈટ છે જ્યાં બંગડીઓ બનતી હતી. એ વખતે જે બંગડીઓના માપ અને ડિઝાઇન હતી એને આજની ડિઝાઇન અને માપ સાથે આરામથી સરખાવી શકાય છે. 4500-5000 વર્ષ પછી ટેક્નોલોજી અને કાચો માલ બદલાયો હોવા છતાંય એ બંગડીઓ આજની બંગડીઓ જેવી લાગે છે.

ઉપરાંત એ સમયે વપરાતા કમંડળ, અમુક વાસણો કે ઇવન તખ્તીઓ આજના જમાનાને મળતી આવે છે. આ સહીત સિંધુ-સરસ્વતી સમયના રમકડાં, સીટીઓ, બળદગાડા ઘણું આજના સમયને મળતું આવે છે. જેમકે નીચે દેખાડેલા પાસા અને અમુક રમતમાં જોવા મળતા કુકરા જેને આજની ચેસ સાથે સરખાવી શકાય.

સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના પાસા, 4500-5000 વર્ષ પછી આ પાસના અમુક આંકડાની ડિઝાઇન અને અમુક આંકડાની જગ્યા માં જ બદલાવ આવ્યો છે. Courtesy: Google Arts and Culture

 

સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની એક રમતના કુકરાઓ, આ રમત અને ઘણા કુકરાઓ ચેસ ને મળતા આવે છે. છઠ્ઠી સદી ની મૂળ ચતુરંગ અને આજની ચેસ માં બહુ મોટો બદલાવ છે, તો આ સિંધુ-સરસ્વતી નદી ની “ચેસ” અને ચતુરંગ માં પણ મોટા બદલાવ હોઈ શકે છે. Courtesy: Pinterest

એક સંસ્કૃતિ તરીકે આપણે મૂર્ત ધરોહરને વ્યવસ્થિત જાળવી રાખી છે, જે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ અને વેદિક સંસ્કૃતિ એકજ છે એ સાબિત કરતી એક મહત્વની કડી છે. પણ એનાથી મોટી કડી છે આપણે જાળવી રાખેલી અમૂર્ત ધરોહર.

ભાગ 2: અમૂર્ત ધરોહર

સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની અનંત ગાંઠ (Endless Knot). . Courtesy: Quora

 

સિંધુ-સરસ્વતી સંસ્કૃતિનું સ્વસ્તિક સીલ. Courtesy: Wikimedia

 

સિંધુ-સરસ્વતી સંસ્કૃતિમાં ઘણા સીલ્સ જોવા મળે છે. આજે જેમ સ્ટેમ્પ હોય છે એમ, આ માલ-સામાન “મેલુહહા” નો છે, અથવા આ આદેશ કે વિનંતી યોગ્ય વ્યક્તિ પાસેથી આવી છે એ બતાવવા ત્યારે સીલ્સ વપરાતા અને આ સીલ્સમાં અમુક સિમ્બોલ્સનો પ્રભાવ હતો. એમાં બળદ, યુનિકોર્ન જેવા દેખાતા એક શિંગડું ધરાવતા પ્રાણી, સ્વસ્તિક અને અનંત ગાંઠનો સમાવેશ થતો. આમાંના સ્વસ્તિક અને અનંત ગાંઠ ઉપર દેખાડ્યા છે. આ સ્વસ્તિક એકથી ત્રણ લાઈનના હતા, અને કોઈ પણ દિશામાં હતા. આવા સ્વસ્તિક આજે પણ આપણે ત્યાં પવિત્ર મનાય છે. (આડવાત: ધ્યાન રહે, હિટલરે નાઝી સિમ્બોલ માટે જે વાપર્યો હતો એ સ્વસ્તિક નહોતો પણ હૂક્ડ ક્રોસ હતો, જેનું મૂળ જર્મન હેકેનક્રુઝ હતુ, જેનો અંગ્રેજી અનુવાદ હૂક્ડ ક્રોસને બદલે સ્વસ્તિક કરવામાં આવ્યું, અને એ સમયે હિન્દૂ અને બૌદ્ધ સિમ્બોલ તરીકે સ્વસ્તિક લોકપ્રિય થવા માંડ્યું હતું.) એ જ રીતે ઉપર દેખાડેલી અનંત ગાંઠ અને આપણા ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગોમાં ઉંબરે દોરાતા લક્ષ્મીજીના પગલાં ની ડિઝાઇન લગભગ મળતી આવે છે.

પશુપતિ સીલ

સિંધુ-સરસ્વતી સંસ્કૃતિનું ફેમસ પશુપતિ સીલ (જે આવી રીતે તૂટેલી અવસ્થામાં મળ્યું હતું) Courtesy: Wikimedia

ઉપર જે સીલ નું ચિત્ર છે આ સીલ પશુપતિ સીલ તરીકે ઓળખાય છે અને આ મોહેંજો-દડોમાંથી મળ્યું હતું. આનું નામ પશુપતિ સીલ એટલે પડ્યું કેમકે વેદિક સાહિત્યમાં પશુપતિનો ઉલ્લેખ મળેલો અને આ સીલમાં દેખાતી આકૃતિ પણ પશુપતિ હોય એવું લાગે છે. કેમકે આ આકૃતિની જામને એક ગેંડો અને એક ભેંસ છે અને ડાબે એક હાથી અને એક વાઘ છે, નીચે બરાબર વચ્ચે એક કુતરા કે વરુ જેવું પ્રાણી છે. અને આ બધાની વચ્ચે આ ત્રણ માથા ધરાવતો વ્યક્તિ જેણે માથે શીંગડા ની પાઘડી પહેરી છે એ યોગિક મુદ્રામાં શાંતિથી બેઠા છે. એમણે માથા ઉપર જે પહેર્યું છે એ થોડાઘણા અંશે ત્રિશુલ જેવું લાગે છે, આપણા શિવ મહાકાલેશ્વર છે, જેનું ત્રણેય કાળ પર સ્વામિત્વ છે, અને આ આકૃતિમાં પણ ત્રણ ચહેરા છે. અને આ આકૃતિ સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના ઘણા સીલમાં જોવા મળે છે. આ ઉપરાંત કાલીબંગનમાં એક શિવલિંગ પણ મળ્યું હતું જે આજે વપરાતા શિવલિંગ જેવું જ છે. આ સિવાય એવા પણ સીલ મળી આવ્યા છે જેમાં  દેવી પૂજન, એક મહિષ ની હત્યા (જેને ઘણા લોકો મહિષાસુર મર્દન સાથે સરખાવે છે), એક ડિવાઇન એડોરેશન સીલ જેમાં સાત આકૃતિઓ (સપ્તર્ષિઓ?) પશુપતિ જેવી આકૃતિઓની પૂજા કરે છે, કે છાનું દારો નામની જગ્યાએ મળેલું એક સીલ જેમાં એક ગૌર તરીકે ઓળખાતા બળદ સાથે એક મહિલાના સમાગમનું દ્રશ્ય છે જે પૃથ્વી અને સ્વર્ગ જેને ઋગ્વેદમાં માતા અને ગૌર બળદ સાથે સરખાવ્યા છે, ના મિલનનું સૂચન કરે છે.

કાલીબંગન નું સિંધુ-સરસ્વતી શિવલિંગ Courtesy: Reddit (અને આ પુસ્તક પોતે)

ઋગ્વેદમાં એવા ઘણા શ્લોકો છે જેને લગતી આકૃતિઓ સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના સીલમાં જોવા મળે છે. જો આર્યન લોકો બહારથી આવ્યા હોય અને આક્રમણ કર્યું હોય તો એ પોતાની સંસ્કૃતિ નું ગુણગાન ગાય કે પોતે જેને “હરાવ્યા” છે એ લોકોનું ગુણગાન ગાય?

આ તો ખાલી પ્રતીકો છે જેની કંટીન્યૂટીનું આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું ધર્મની. સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના ઘણા નગરોમાં વ્યવસ્થિત બાંધકામકરેલા ખાડાઓ મળ્યા છે, અને એની આસપાસ રાખ ભરેલા પાત્રો પણ મળ્યા છે. આ બધા ખાડાઓ યજ્ઞની વેદીઓ હોઈ શકે, આમાંના ઘણા ખાડાઓની નજીક એવા હાથાઓ પણ મળ્યા છે જેવા હાથાઓ આપણે આપણા યજ્ઞોમાં આહુતિ આપવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આ ઉપરાંત સિંધુ-સરસ્વતી સંસ્કૃતિમાં સ્નાનનું પણ મહત્વ છે, લગભગ દરેક શહેરોમાં જાહેર પાણીના કુવા, જાહેર સ્નાનાગાર જોવા મળ્યા છે, દરેક ઘરમાં પણ સ્નાન કરવા માટે અલગ જગ્યાઓ જોવા મળી છે.

આ બધું જ દર્શાવે છે કે જે જીવન રીતિ સિંધુ-સરસ્વતી સંસ્કૃતિમાં પાળવામાં આવી રહી હતી એ જ જીવનરીતિ આપણે પણ મહદંશે જાળવી રાખી છે. અને આ જાળવણી એવી છે કે એ સમયનો કોઈ નાગરિક અત્યારે આવી જાય કે અત્યારનો નાગરિક ત્યાં જતો રહે તો ભાષાભેદ કે અમુક કલચરલ શોક ને બાદ કરતા 4500-5000 વર્ષનો ભેદ ક્યાંય દેખાશે નહિ. અને આ ખરેખર બહુ મજબૂત પ્રમાણ છે કે આર્યો કે મધ્ય યુરોપિયન લોકો આવ્યા ન હતા કે કોઈ આક્રમણ પણ થયું ન હતું, આ પોઝિટિવ પ્રમાણ સહીત પણ આ પુસ્તકના અંતિમ તબક્કામાં આ આર્યન ઇન્વેઝન/માઈગ્રેશન થિયરી ના નેગેટિવ સાબિતી સહીત છોતરા ઉડાડ્યા છે.

આર્યન લોકો અને સરસ્વતી કે Haraxvati?

ઘણા પ્રોમીનન્ટ “ઇતિહાસકારો” એવું માને છે કે માધ્ય એશિયાના સ્ટેપે પ્રદેશ, જે દક્ષિણ રશિયા અને ખાડી દેશોની ઉપર આવેલા ઘાસ અને પાણી થી ભરપૂર પ્રદેશો માં આર્યન તરીકે ઓળખાતી જાતિ રહેતી, તેઓ ઊંચા, ગોરા અને શિકારી સ્વભાવના હતા. આ જાતિની બે બ્રાન્ચ થઇ, એક આજના યુરોપમાં જઈને વસી અને બીજી પ્રજાતિ આજના અફઘાનિસ્તાન થઇ ભારત આવી, અમુક ના મતે એ લોકોએ મૂળ દ્રવિડિયન મોહેંજો-દડો અને હડપ્પાના લોકો ઉપર આક્રમણ કર્યું અને એમને વિંધ્યની નીચે ધકેલી દીધા અને આજના ઉત્તરભારતમાં કબ્જો કર્યો, અને અમુકના મતે આ લોકો સામાન્ય વિસ્થાપિતો તરીકે રહ્યા અને અનુક્રમે આ જગ્યાઓ ઉપર કબ્જો કરી લીધો. આ બંને થિયરીઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ધીરે ધીરે, સાબિતીઓ અને એક્સકેવેશન ની મદદથી ખોટી સાબિત થઇ રહી છે. આ પુસ્તકમાં પણ આર્યન આક્રમણ/વિસ્થાપન થિયરીને ખોટી સાબિત કરતા ઘણા પ્રમાણો વિષે ચર્ચા કરી છે.

જેમકે “ઇતિહાસકાર” રોમિલા થાપર કહે છે કે આર્યનો પહેલા પંજાબ માં આવ્યા અને પછી ધીરે ધીરે પૂર્વ તરફ સ્થાયી થતા રહ્યા, અને સ્થાયી થયા પછી એ લોકોએ ઋગ્વેદની રચના કરી, જો એવુજ હોય તો આ આર્યનો ઋગ્વેદના નદી સુક્ત (જે આપણે ગયા અંકમાં શરૂઆતમાં જ જોયું હતું)માં નદીઓનો ક્રમ પશ્ચિમ થી પૂર્વમાં કરે, કેમ પશ્ચિમથી પૂર્વમાં કરી? ઘણા લોકો એમ કહે છે કે આર્યનો આવ્યા ત્યારે સરસ્વતી માત્ર એક નાળું હતું, તો એ લોકોના ઋગ્વેદમાં સરસ્વતીને કેમ મહાન નદી કહી અને એ પછી બનેલા સાહિત્યમાં ભૂતપૂર્વ નદી ગણી? આ વસ્તુ તો ઋગ્વેદમાં જ થઇ શકી હતી. આના બચાવમાં ઘણા લોકો એવું માને છે કે આ સરસ્વતી ભારતની નહિ પણ અફઘાનિસ્તાન ની હરક્ષાવતી(Haraxavati) કે હેલ્મન્ડ નદી પણ હોઈ શકે, જેના વહેણ આજે પણ આટલા જ મોટા છે જેવા વેદોમાં વર્ણવ્યા હતા. અને જેમ ગ્રીકોએ સિંધ નું ઈન્ડ્સ કર્યું હતું જે આપણે ઉપયોગ કરીએ છીએ એમ એ ગ્રીકોએ જોયેલી સરસ્વતી એ Harxavati પણ હોઈ શકે. અને આ વાત ખોટી છે એની મોટી સાબિતી એ કે વેદિક સરસ્વતી પર્વતોમાંથી નીકળીને સમુદ્રમાં મળતી હતી, જયારે આ Haraxavati કે હેલ્મન્ડ નદીનું વહેણ રણ માં પૂરું થાય છે અને ત્યાંની આજુબાજુમાં  સમુદ્ર તો ઠીક કોઈ નાનું સરોવર પણ નથી.

આ સરસ્વતી નદી એક સમયે વિશાળ અને સિંધુ-સરસ્વતી સંસ્કૃતિની પોષક હતી, જે ધીરે ધીરે એ વિલુપ્ત થતી ગઈ અને એના લીધે આપણા પૂર્વજોએ એના સારી બનાવટના શહેરો અને ત્યાં મળતી સુવિધાઓને ત્યાગીને બીજે સ્થળાંતર કરવું પડ્યું હશે. એ સરસ્વતી નદી જે એક સમયે પોતાના અવાજથી હાજરી પુરાવતી, કળા અને સાહિત્યને પોષતી એ સરસ્વતીને આપણા પૂર્વજોએ પોતાની કળા, સ્વર અને સાહિત્યની દેવી બનાવી. એ સરસ્વતી મૂર્ત સ્વરૂપે અત્યારે વિલુપ્ત થઇ ગઈ છે. પણ એની ગાથાઓ અને આ સનાતન સંસ્કૃતિ ની નિશાની તરીકે સદૈવ આપણી સાથે જ રહેશે.

લેખક માઈકલ ડાનીનો ફ્રાન્સમાં જન્મેલા અને વર્ષોથી ભારતમાં સ્થાયી થયેલા છે. તેઓના ભારતના જીવનનો મોટો ભાગ તેમણે અરવિદ આશ્રમમાં વિતાવ્યો, અને IIT ગાંધીનગરમાં હ્યુમાનિટી ડિપાર્ટમેન્ટમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે પણ કાર્યરત છે. કદાચ આ બે પોસ્ટમાં આ પુસ્તકનું વર્ણન કરવામાં મારાથી થોડી ઘણી ત્રુટીઓ રહી ગઈ હશે પણ આ પુસ્તક ઘણા ખરા અંશે ત્રુટિ રહિત છે. એક વિવાદાસ્પદ ઐતિહાસિક મુદ્દાને ઊંડાણથી, બંને તરફના મુદ્દાઓ તપાસી, આટલી સાબિતીઓ, નક્શાઓ અને તસ્વીરોની મદદથી તપાસવું એ ખરેખર મહેનતનું કામ છે જે આ પુસ્તકમાં સ્પષ્ટ પણે દેખાય છે. જેને ઇતિહાસમાં રસ હશે એના માટે આ પુસ્તક એક ટ્રીટ સમાન છે. અને આ એક એવા રેર પુસ્તકો માનું એક છે જે વાંચ્યા પછી વાચક ગમે તે બેકગ્રાઉન્ડ માંથી આવતો હોય એને કૈક નવું જાણ્યું હોવાની અનુભૂતિ થાય. આ પુસ્તક એક મસ્ત અને મસ્ટ રીડ છે.

આગળ નવી વાતો નો રસાસ્વાદ લેવા ભેગા મળીએ ત્યાં સુધી

મે માં સરસ્વતી બી વિથ યુ.  સ્ટે સેફ સ્ટે સ્ટ્રોંગ

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here