ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (5): લગ્નના મંડાણ અને અન્ય સંબંધોમાં ભંગાણ

0
360

1973ના ફિલ્મફેર એવોર્ડમાં ‘અમર પ્રેમ’ને બદલે ‘બેઈમાન’ને બેસ્ટ ફિલ્મનો અને મનોજ કુમારને બેસ્ટ હીરોનો ફિલ્મફેર એવોર્ડ નક્કી થયો. રાજેશ ખન્નાને ખબર પડી કે મનોજ કુમારને એવોર્ડ મળવાનો છે એટલે પોતાની ટીમને કહીને રાજેશે પોતાના બંગલામાં એવોર્ડના દિવસે તે જ સમયે એક મોટી મેજબાનીનું આયોજન કર્યુ. ફિલ્મ જગતના દરેક ફિલ્મસ્ટારને રાજેશ ખન્નાના ઘરે પાર્ટીમાં જવાનું આમંત્રણ મળ્યું. ફિલ્મફેરને લાગ્યું કે રાજેશ પોતાની આદત પ્રમાણે ખબરોમાં રહેવા માટે આવું કરી રહ્યો છે.

પરંતુ ફિલ્મફેર ફંક્શનના પાછલા દિવસ સુધી રાજેશ ટસથી મસ ન થયો એટલે ફિલ્મફેરને આ વાતનો ડર લાગ્યો. તરત જ ફિલ્મફેરના માંધાતાઓ રાજેશ ખન્નાના ઘરે ગયા અને કલાકો સુધી બેઠક થઈ. છેવટે ‘સેટલમેન્ટ’ કરીને રાજેશે પાર્ટી કેન્સલ કરવાનું નક્કી કર્યું. બીજે દિવસે એવોર્ડ ફંકશનમાં રાજેશ ખન્નાએ હાજરી પણ આપી અને એ રીતે વર્તન કર્યુ કે કાંઈ બન્યું જ નથી.

***

1973માં BBCની ‘મેન અલાઈવ’ (Man Alive) નામની સિરીઝ ચાલતી, જેમાં જુદા જુદા વિષયો પર ડોક્યુમેન્ટ્રી બનતી. તે સિરીઝ હેઠળ BBCએ ‘બોમ્બે સુપરસ્ટાર’ નામની ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી. આ ડોક્યુમેન્ટ્રી રાજેશ ખન્નાના જીવન પર હતી. (લિંકઃ https://www.youtube.com/watch?v=XvX6p2OoGP0&t=572s)

જૅક પિઝી (Jack Pizzey) નામનો અંગ્રેજ આ ફિલ્મનો સંચાલક છે. તેનો બોસ જ્યારે 1972માં ભારત આવેલો ત્યારે તેણે રાજેશ ખન્નાની પ્રસિદ્ધી જોયેલી અને તેને વિષય લઈને ફિલ્મ બનાવવાનું તેણે BBCમાં જઈને કહ્યું. આ ડોક્યુમેન્ટ્રી એક એવી ફિલ્મ હતી જેમાં રાજેશ ખન્નાની જીવની તો હતી પણ તે સમયે બોલીવુડમાં કઈ રીતે વ્યવસાય થતો તે દર્શાવાયું છે.

ડોક્યુમેન્ટ્રી ત્રણ અઠવાડિયામાં શૂટ થઈ. તે ફિલ્મ ‘નમક હરામ’ના સેટ પર શરૂ થાય છે જ્યાં આખા ફિલ્મનું ક્રૂ રાજેશ ખન્નાની રાહ જોતું હોય છે. ફિલ્મમાં રાજેશના ‘રાજાશાહી’ ઠાઠ અને ઘમંડની વાત છે. ડોક્યુમેન્ટ્રીનું સૌથી પહેલું વાક્ય છેઃ Charisma of Rudolph Valentine and Arrogance of Napoleon!

ઈન્ટરવ્યુ માટે પિઝી બે ફિલ્મોના સેટ પર (‘આપ કી કસમ’, ‘નમક હરામ’), એક એવોર્ડ ફંક્શનમાં (ફિલ્મફેર 1973) અને એક ફિલ્મ પ્રિમિયરમાં (‘દાગ’)માં રાજેશની પાછળ પાછળ ફરે છે. તેના ઘરે એપોઈન્ટમેન્ટ લઈને જાય છે તો ત્યાં પણ તે મળતો નથી. પિઝીએ ડોક્યુમેન્ટ્રીમાં કહેલું છે – I never found him to be honest for a single moment. એક સુપરસ્ટારની રીલ લાઈફ અને રિયલ લાઈફ કેવી અલગ હોય છે તેનું અહીં તાદ્રશ વર્ણન કરેલું છે.

***

રાજેશ ખન્નાની ઉંમર 30 વર્ષની પણ નહોતી અને તેને આવું અભૂતપૂર્વ સ્ટારડમ મળ્યું. તેને એમ કે હજી ઉપર ચઢવા જેવું છે એટલે વધુ ને વધુ ફિલ્મો તે સાઈન કરવા લાગ્યો.

1973ની પહેલી ફિલ્મ ખૂબ જ ઊંચા દરજ્જાની હતી ‘રાજા જાની’, પણ ફ્લોપ ગઈ. આ ફિલ્મ ઓ હેન્રીની વાર્તા The gift of the magi પરથી બનેલી. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકામાં અને ‘આરાધના’ જેણે લખેલી તે સચિન ભૌમિકે આ ફિલ્મથી નિર્દેશનમાં પદાર્પણ કર્યુ. ‘આરાધના’ની ત્રિપુટી ફરી મળી અને અપેક્ષાઓ પણ ‘આરાધના’ જેવી જ હતી પરંતુ ‘जब अंधेरा होता है…’  એ ગીત સિવાય ફિલ્મમાં જરાય ભલીવાર નહોતી.

તે પછી રાજેશ ખન્નાએ યશ ચોપડાની ફિલ્મ ‘દાગ’ સાઈન કરી. પોતાના ભાઈ બી.આર. ચોપડા સાથે યશ ચોપડાએ પાંચ ફિલ્મોનું નિર્દેશન કરેલું, હવે પોતાની એક ફિલ્મ બનાવવાની તૈયારી બતાવી. ગુલશન નંદાની વાર્તા ‘મૈલી ચાંદની’ પરથી અને થોમસ હાર્ડીની નવલકથા The Mayor of Casterbridge પરથી ‘દાગ’ની વાર્તા લખાઈ. બે સ્ત્રીઓને એક જ સાથે પરણવાની વાર્તા તે સમયે નવી હતી. ‘દાગ’ રાજેશ ખન્ના માટે માઈલસ્ટોન ફિલ્મ બની. રાજેશ ખન્ના, રાખી, શર્મિલા ટાગોર, પ્રેમ ચોપડા જેવા કલાકારો અને ‘मेरे दिल में आज क्या है…’, ‘अब चाहे मा रुठे या बाबा…’, ‘हम और तुम, तुम और हम…’, ‘नी मैं यार मनाना नी…’  જેવા ગીતો સદાબહાર બની રહ્યા.

‘દાગ’ રિલીઝ થઈ ત્યારે ફિલ્મજગતમાં એક એવી અફવા પણ હતી કે રાજેશ ખન્ના અને યશ ચોપડાએ ‘દાગ’ બનાવતી વખતે સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલેલું. ‘યશ રાજ ફિલ્મ્સ’માં પહેલો શબ્દ યશ ચોપડાના નામ પરથી અને બીજો શબ્દ રાજેશના નામ પરથી રાખવામાં આવેલો. પણ આ વાતને યશ ચોપડાએ જરા પણ હવા ન આપી.

***

તે જ સમયગાળામાં ‘ઝંઝીર’ ફિલ્મનું શૂટીંગ શરૂ થયું. તે પહેલાં અમિતાભની સૌથી મોટી ફિલ્મ રાજેશ ખન્ના સાથેની ‘આનંદ’ હતી. 1972માં ‘બોમ્બે ટુ ગોવા’માં તેનો રોલ જોઈને ચરિત્ર અભિનેતા પ્રાણે સલીમ-જાવેદને ‘ઝંઝીર’ માટે અમિતાભની વાત કરી. આ સ્ક્રીપ્ટ માટે ઓલરેડી રાજકુમાર, દેવ આનંદ અને ધર્મેન્દ્રએ ના પાડી દીધી હતી.

રાજેશ ખન્ના અને અમિતાભે તેવામાં એક સાથે ‘નમક હરામ’ ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યુ. ફિલ્મમાં બે મહત્ત્વના રોલ હતા – વિકી અને સોમુ. ફિલ્મમાં સોમુનું છેલ્લે મૃત્યુ થાય છે. રાજેશ ખન્નાને પહેલાં વિકીનો રોલ મળેલો. પણ ‘આનંદ’ અને ‘સફર’ ફિલ્મમાં પોતાની મોતને કારણે ફિલ્મ સુપરહીટ બનેલી એટલે રાજેશને લાગ્યું કે આમાં પણ હું મરવાની એક્ટિંગ કરીશ તો ફિલ્મ હીટ થશે. પરંતુ ફિલ્મમાં વિકીનો રોલ સ્ટ્રોંગ નીકળ્યો અને એટલે જ ફિલ્મનો બધો શ્રેય અમિતાભ બચ્ચનને મળ્યો. રાજેશ ખન્નાની ફિલ્મમાં મોત અમિતાભને નવી જિંદગી આપી ગઈ. પછી તો અમિતાભ પાસે ફિલ્મોની લાઈન લાગી – ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘કાલા પત્થર’, ‘શોલે’!

‘હાથી મેરે સાથી’ ફિલ્મ પછી રાજેશ ખન્નાના સંબંધો સલીમ-જાવેદ સાથે પણ બગડ્યા. સલીમ-જાવેદે એક ઈન્ટરવ્યુમાં કહેલું કે રાજેશ ખન્નાને એમ લાગતું કે તેની ફિલ્મ ફક્ત અને ફક્ત તેના કારણે જ ચાલે છે. તે પોતાની સાથે કામ કરનારાઓની ક્યારેય કદર નથી કરતો. ‘હાથી મેરે સાથી’ (જેનું નામ પહેલાં ‘પ્યાર કી દુનિયા’ રાખવામાં આવેલું – ગયા અઠવાડિયાના સવાલનો જવાબ) ફિલ્મ વખતે સલીમ-જાવેદને એમ થયું કે રાજેશને સંબંધો જાળવતા જ નથી આવડતા. તેની પાસેથી અપેક્ષિત સમર્થન ન મળ્યું એટલે સલીમ-જાવેદે બીજાના સમર્થન લેવાનું શરૂ કર્યું.

દરમિયાન રાજેશ અને અમિતાભ વચ્ચેની સમસ્યાઓ પણ વધવા લાગી. ‘બાવરચી’ની શૂટીંગ વખતે અમિતાભ બચ્ચન પોતાની ગર્લફ્રેન્ડ જયા ભાદુડીને મળવા આવતો ત્યારે સેટ પર રાજેશ ઘણીવાર અમિતાભનું અપમાન કરતો. ફિલ્મના સેટ પર તેને ‘મનહૂસ’ કહી બોલાવતો.

***

આ દરમિયાન રાજેશની જૂની ગર્લફ્રેન્ડ અંજુ મહેન્દ્રુની સગાઈ તૂટી ગઈ હતી અને રાજેશ સાથે ફરી તેના સંબંધો પાંગરેલા. રાજેશ રાતોરાત સુપરસ્ટાર બની ગયેલો અને અંજુને હજી ફિલ્મોમાં એટલી પ્રસિદ્ધી મળી નહોતી. બંનેની આ બાબતે માથાકૂટ થતી. રાજેશને અંજુ સાથે લગ્ન કરવા હતા પરંતુ અંજુને વધુ સમયની જરૂર હતી. એક રાત્રે બંનેમાં લગ્ન બાબતે બોલાચાલી થઈ અને રાજેશ પોતાના ઘરે આવ્યો. તેના ઘરે ચૂનીલાલ કાપડિયા નામના એક મહાનુભાવ રાજેશની રાહ જોતાં હતાં. રાજેશને નારાજ જોઈ ચૂનીલાલે પૂછ્યું, ‘શું થયું?’

ત્યારે રાજેશે પરણવાની ઈચ્છા દર્શાવી. તરત જ ચૂનીલાલે પોતાની દીકરી ડિમ્પલનું નામ સૂચવ્યું. તે સમયે ડિમ્પલ પોતાની પહેલી ફિલ્મ ‘બૉબી’નું શૂટીંગ કરી રહી હતી. શો-મૅન રાજ કપૂર પોતાના દીકરા રિશી કપૂર અને ડિમ્પલ બંનેને ફિલ્મમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ડિમ્પલ ફક્ત 15 વર્ષની હતી અને રાજેશ ખન્નાની ચાહક હતી.

રાજેશ પાસે લગ્ન કરવાના બે કારણો હતાઃ એક તો અંજુને જવાબ આપવો હતો અને બીજું મિડીયામાં અને સમાચારોમાં કોઈ પણ હિસાબે રહેવું. તેણે તરત જ લગ્ન માટે હા પાડી અને પોતે જ મિડીયાના મોટા માથાઓને ફોન કરીને આ વાતની જાણ કરી. રાજેશને ખબર હતી કે મિડિયાને મસ્ત મસાલો મળવાનો છે. સુપરસ્ટાર રાજેશ ખન્નાએ રાતોરાત પરણવાની ઈચ્છા દર્શાવી – આ વાત ફિલ્મ જગતમાં દાવાનળની જેમ પ્રસરી ગઈ.

પોતાના લગ્ન દરમિયાન અંજુને પાઠ ભણાવવા રાજેશે પોતાના લગ્નનો વરઘોડો અંજુના ઘર પાસેથી કાઢવાનું નક્કી કર્યું. રાજેશ-ડિમ્પલના લગ્ન તે વર્ષનો સૌથી મોટો પ્રસંગ બન્યો. રાજેશની મહિલા ચાહકો દુઃખી થઈ ગઈ. જે મહિલાઓએ રાજેશના ફોટા સાથે લગ્ન કરેલા, તે મહિલાઓ હવે સફેદ સાડી પહેરીને ફરવા લાગી.

રાજેશના લગ્ન એક પબ્લિસિટી સ્ટંટ બની રહ્યો પરંતુ તેને પોતાનું હનીમૂન મોકૂફ રાખવું પડ્યું કારણ કે ડિમ્પલને ‘બૉબી’નું શૂટીંગ પૂર્ણ કરવું હતું. સમય જતાં ‘બૉબી’ ફિલ્મ સુપરહીટ રહી અને ડિમ્પલને તે વર્ષનો બેસ્ટ હીરોઈનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ફિલ્મફેર લેવા સ્ટેજ પર ગઈ ત્યારે ડિમ્પલ ગર્ભવતી હતી. રાજેશે ‘બૉબી’ ફિલ્મના રિલીઝ પછી ડિમ્પલને કહી દીધું કે તેને ઘરની સ્ત્રીઓ ઘરમાં જ ગમે, ફિલ્મોમાં નહીં. ડિમ્પલે રાજેશને ફિલ્મો ન કરવાની હા પાડી.

***

લગ્ન પછી રાજેશ ખન્નાની ‘હમશકલ’ આવી જે 1970ની કન્નડ ફિલ્મ ‘બાલુ બેલાગીથુ’ની રિમેક હતી. ફિલ્મમાં રાજેશનો ડબલ રોલ હતો અને તેની સાથે તનુજા, મૌશમી ચેટર્જી, અસરાની, અરુણા ઈરાની જેવા કલાકાર, રાહુલ દેવ બર્મનનું સંગીત અને આનંદ બક્ષીના ગીત – છતાં ફિલ્મ ન ચાલી. ફિલ્મનું આશા ભોસલે અને કિશોર કુમારે ગાયેલું ગીત ‘हम तुम गुम सुम…’ તે વખતે એક વર્ષ સુધી પ્રથમ ક્રમાંકે રહ્યું.

રાજેશના લગ્નની વાતો હવે મિડીયા ભૂલવા લાગ્યું. રાજેશ ખન્નાની અસલામતી વધવા લાગી. એક વાર કોઈ મેગેઝીનના ઈન્ટરવ્યુમાં સલીમ ખાને કહેલું કે ‘અત્યારના હીરોમાં સંજીવ કુમાર બધાં કરતાં શ્રેષ્ઠ છે’. આ વાંચીને રાજેશને અચરજ થઈ. તે તરત જ સલીમ ખાનના ઘરે ગયો અને પૂછ્યું કે આવું સલીમે જ કહેલું કે મેગેઝીન વાળાએ ભૂલથી રાજેશ ખન્નાને બદલે સંજીવ કુમાર છાપી દીધું છે. સલીમે કહ્યું – મેં જ સંજીવ કુમારનું નામ કહેલું. રાજેશ આ સાંભળીને અચંબિત થયો.

રાજેશ પરથી લોકોનું ધ્યાન ઓછું થવા લાગ્યું તે તેને ગમતું નહીં. ડૂબતી નાવમાંથી ઉંદરડા બહાર ભાગે તેમ રાજેશના જી-હજૂરિયા પણ ઓછા થવા લાગ્યા. અચાનક પરિસ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો. રાજેશના સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું. તેણે પોતાની આજુબાજુ એક એવી ભેદી દિવાલ બનાવી દીધી કે કોઈ તેને પાર ન કરી શકે. તે કોઈનો વિશ્વાસ કરતો નહીં. પોતાની પત્ની ડિમ્પલને પણ તે કંઈ જ ન કહેતો. દેવીયાની ચૌબલ નામની એક મહિલા પત્રકાર રાજેશની ચાહક હતી. રાજેશે તેને કહી રાખેલું કે ફિલ્મ જગતના કોઈ પણ હીરો-હીરોઈન વિશે લેખ લખે ત્યારે તેનું નામ તે લેખમાં કોઈ પણ પ્રકારે લખે. શરૂઆતમાં દેવીયાની રાજેશે કહ્યું તેમ કરતી પણ હવે કોઈ ફિલ્મ ચાલતી ન હોવાથી દેવીયાનીએ પણ રાજેશનું કહ્યું ન માન્યું.

બીજી તરફ ઘણાં વર્ષો નિર્માતા તરીકે કામ કર્યા પછી જે. ઓમ પ્રકાશે હવે નિર્દેશનમાં જંપલાવવાનું નક્કી કર્યું. મલયાલમ ફિલ્મ ‘વાઝવે મયમ’ના હક તેમણે ખરીદ્યા અને તે પરથી એક ફિલ્મ બનાવવાનું વિચાર્યુ. ફિલ્મને નામ આપ્યું – ‘આપ કી કસમ’. જે. ઓમ પ્રકાશ ફિલ્મફેરની સ્પર્ધાના એક નિર્ણાયક હતા એટલે તેમણે રાજેશને આ ફિલ્મમાં તક આપી. રાજેશ ખન્ના, મુમતાઝ અને સંજીવ કુમારની ત્રિપુટીએ આ ફિલ્મને સફળ બનાવી. ફિલ્મના શૂટીંગ દરમિયાન રાજેશ કોઈ દ્રશ્ય માટે સાત વાર રિટેક લેતો તો પણ નિર્દેશક તેની વાત માનતા.

આનંદ બક્ષીના શબ્દે મઢાયેલા અને રાહુલ દેવ બર્મનના સંગીત દ્વારા ફિલ્મના ‘करवटें बदलती रही…’, ‘जय जय शिव शंकर…’. ‘सुनो कहो, कहा सुना…’, ‘पास नहीं आना…’, ‘जिंदगी के सफर में…’ ગીતો સુપરહીટ બન્યા.

રાજેશને એમ થયું કે હજીયે તેનો દબદબો છે. પોતાના મનપસંદ નિર્માતા-નિર્દેશક શક્તિ સામંત સાથે રાજેશે ફરી એક ફિલ્મ કરી. યોગિતા બાલી અને ઝિનત અમાન સાથે ગુલશન નંદાની વાર્તા પરથી ફિલ્મ ‘અજનબી’ બની. ફિલ્મ તો મધ્યમ હીટ રહી પરંતુ તેના ગીતો – ‘हम दोनों दो प्रेमी…’, ‘भीगी भीगी रातों में…’, ‘एक अजनबी हसीना से…’ લોકોને ખૂબ ગમ્યાં.

તે પછી આવેલી ફિલ્મ ‘પ્રેમ નગર’ તેલુગુ સુપરહીટ ફિલ્મની રિમેક હતી. જે એક હીટ ફિલ્મ સાબિત થઈ. ત્યાર બાદ ‘અનુરાગ’ ફિલ્મમાં રાજેશે મહેમાન કલાકાર તરીકે કામ કર્યુ. 1971માં ‘અનુભવ’ ફિલ્મ બનાવનાર બાસુ ભટ્ટાચાર્યને ‘આવિષ્કાર’ નામની ફિલ્મ બનાવવી હતી. પરંતુ રાજેશ સાથે તેમની જૂની દુશ્મની હતી. 1975ની તેમની ફિલ્મ ‘ડાકુ’માં અંજુ મહેન્દ્રુ કામ કરતી હતી અને તે ફિલ્મની રિલીઝ અટકાવવા રાજેશે ફિલ્મની બધી જ પ્રિન્ટ અને નેગેટીવ ખરીદી લીધી. ફિલ્મને રિલીઝ થવા ન દીધી. ‘આવિષ્કાર’ માટે બાસુ ભટ્ટાચાર્યને સંજીવ કુમારને લેવાની તૈયારી હતી. તેમ છતાં શર્મિલા ટાગોરે રાજેશ ખન્નાનું નામ સૂચવ્યું. રાજેશે પણ પસ્તાવારૂપે આ ફિલ્મ કરવાની હા પાડી.

રાજેશના ઘરે ડિમ્પલ તેની રાહ જોતી રહેતી અને તે અંજુ સાથે રાત્રે મોડે સુધી રહેતો. ગુસ્સામાં આવીને લગ્નનું જે પગલું તેણે ભરેલું તેના માટે રાજેશને પસ્તાવો થતો રહેતો. ‘આવિષ્કાર’ના શૂટીંગ દરમિયાન અંજુનો જન્મદિવસ મનાવવા રાજેશ તેના ઘરે ગયો અને સાથે બાસુ ભટ્ટાચાર્યને પણ લઈ ગયેલો.

મનમોહન દેસાઈના નિર્દેશનમાં બનેલી અને રાજેશના કાકા કે.કે.તલવારે નિર્માણ કરેલી ફિલ્મ ‘રોટી’ રાજેશ માટે 1974ની છેલ્લી રિલીઝ બની રહી. ‘રોટી’ ફિલ્મમાં રાજેશની એક્ટિંગ લોકોને ખૂબ ગમી. ‘गोरे रंग पे ना ईतना गुमान कर…’, ‘ये पब्लिक है, ये सब जानती है…’. અને ‘नाच मेरी बुलबुल..’ ગીતોમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત ભળ્યું.

હવે રાજેશનો સૂરજ અસ્ત થવાના એંધાણ હતા…

ક્યા જવાબ હૈ આપકા?

રાજેશ ખન્ના અને મનોજ કુમારની સ્પર્ધા હજુ શરૂ જ હતી. ‘રોટી’ ફિલ્મ રિલીઝ થઈ તે જ દિવસે મનોજ કુમારની એક ફિલ્મ રિલીઝ થયેલી જેના નામમાં પણ ‘રોટી’ શબ્દ હતો. તે ફિલ્મ કઈ?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here