ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (6): જ્યારે સુપરસ્ટારના હાથમાંથી ફિલ્મો સરકતી ગઈ…

0
450

જે દિવસે ‘રોટી’ ફિલ્મ રિલીઝ થઈ તે જ દિવસે મનોજ કુમારની ફિલ્મ ‘રોટી, કપડા ઔર મકાન’ ફિલ્મ રિલીઝ થયેલી. રાજેશ ખન્નાની ઘણાં સમય પછી ‘રોટી’ ફિલ્મ હીટ રહી. પરંતુ તેને પહેલા જેવું સ્ટારડમ જોઈતું હતું. રાજેશનું વ્યક્તિત્ત્વ ભલે થોડું બદલાયું હોય પણ તેનો નાનપણથી જ સ્વભાવ અનોખો હતો. તે જો અભિનેતા ન હોત તો પરિવારના વ્યવસાયમાં રેલ્વે કોન્ટ્રાક્ટર હોત, પણ સ્વભાવ તો બદલાયો ન હોત. તેમ છતાં રાજેશ ખન્નાના ફિલ્મી કારકીર્દીના અસ્તનું સૌથી મોટું પાસું તેના સલીમ-જાવેદ સાથેના સંબંધો હતા. અમિતાભને તેની વિરુદ્ધમાં ઊભો કરવો તે રાજેશને નહોતું ખૂંચતું પણ સલીમ-જાવેદે તેની સાથે કામ કરવાનું બંધ કર્યું તે વધુ હાનિકારક બન્યું.

સલીમ ખાને રાજેશ સાથે પોતાના સંબંધ વિશે કહેલું – રાજેશ સાથે કામ કરવું એટલે એક ક્ષણે તમારી સામે હસતો હોય અને બીજી જ ક્ષણે તે બદલાઈ જાય. રાજેશને હદની બહાર અસલામતી હતી. 10 માંથી 9 જણ તેના વખાણ કરે અને દસમો ચૂપ હોય તો રાજેશ સમજતો કે તે દસમો તેને પસંદ નથી કરતો.

એવામાં શમ્મી કપૂરે 1974માં પોતાની ફિલ્મ ‘મનોરંજન’નું નિર્દેશન કરવાનું વિચાર્યુ ત્યારે રાજેશ ખન્નાને લેવાનું પસંદ કર્યું. રાજેશે શમ્મી કપૂરને ફિલ્મની વાર્તા માટે સલીમ-જાવેદનું નામ સૂચવ્યું. શમ્મી કપૂરની આ ફિલ્મ માટેની વાત ઓલરેડી અબ્રાર અલ્વી સાથે ચાલુ હતી એટલે તેણે સલીમ-જાવેદને ના પાડી. આ કારણે રાજેશે પણ ફિલ્મ કરવાની ના પાડી. ત્યારબાદ શક્તિ સામંત ‘પાલે ખાન’ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ફરીથી રાજેશે તેમને સલીમ-જાવેદનું નામ સૂચવ્યું. સામંત સાથે આ બાબતે વાત કરી ત્યારે સલીમ-જાવેદે કહ્યું કે ‘પાલે ખાન’ ફિલ્મ એક એક્શન ફિલ્મ છે એટલે રાજેશને નહીં જામે, તેના બદલે ધર્મેન્દ્રને લો. છેવટે ફિલ્મ જૅકી શ્રોફને મળી.

આવા કંઈ કેટલા ફિલ્મોના પ્રોજેક્ટ રાજેશ ખન્નાના હાથમાંથી સરકવા લાગ્યા.

તે સમયે સલીમ-જાવેદની પહેલી વહેલી એવી લેખકની જોડી હતી, જેના નામ ફિલ્મના પોસ્ટર પર લખાવા લાગ્યા અને જનતા તેમના નામ પર ફિલ્મો જોવા જતી. પોતે વાર્તા લખતાં તો ફિલ્મના અભિનેતા પણ પસંદ કરતા અથવા તો એમ કહી શકાય કે અભિનેતા પસંદ કરીને તેના માટે વાર્તા લખતા. તે વખતે ફિલ્મના અભિનેતા કમાણી કરતા તેના કરતાં વધુ તો સલીમ-જાવેદ કમાવા લાગ્યા.

1974નું વર્ષ હતું અને રાજેશને ખબર હતી કે અમિતાભ ફિલ્મ જગતમાં લાંબા સમય સુધી રહેવા આવ્યો છે. ‘ઝંઝીર’ અને ‘નમકહરામ’ પછી અમિતાભ કોઈ સંઘર્ષ કરનાર નહોતો. યશ ચોપડા ‘દીવાર’ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા અને રાજેશ ખન્નાને ફિલ્મમાં લેવાની તૈયારી બતાવી. ફિલ્મમાં વિજયના રોલ માટે રાજેશ ખન્નાને લેવાની વાત થઈ. પરંતુ સલીમ-જાવેદ આ ફિલ્મની વાર્તા લખવા તૈયાર થયા કે તરત જ વિજયના રોલ માટે અમિતાભ બચ્ચનનું નામ આગળ આવ્યું. ફક્ત 18 દિવસમાં ‘દીવાર’ની સ્ક્રીપ્ટ લખાઈ અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ.

1975માં રાજેશ ખન્નાની એક જ ફિલ્મ આવી – ‘પ્રેમ કહાની’. રાજ ખોસલાએ ‘દો રાસ્તે’ નિર્દેશ કરેલી અને તે જ ટીમ પાછી મળી – રાજેશ ખન્ના, મુમતાઝ, આનંદ બક્ષીના ગીત અને લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત. ફિલ્મ ફ્લોપ તો ન થઈ પરંતુ એક મધ્યમ કમાણી કરનારી ફિલ્મ બની રહી. તેમ છતાં ‘प्रेम कहानी में, एक लडका होता है…’, ‘चल दरिया में डूब जाये…’ જેવા ગીતો હીટ રહ્યા. તે જ વર્ષે સલીમ-જાવેદની ‘શોલે’ પણ રિલીઝ થઈ. એક જ વર્ષમાં ‘દીવાર’ અને ‘શોલ’ની ઝાકમઝોળ અને ભાર તળે ‘પ્રેમ કહાની’ ડૂબી ગઈ. જો કે તે જ વર્ષે રાજેશે ‘આક્રમણ’ નામની ફિલ્મમાં મહેમાન કલાકર તરીકે કામ પણ કરેલું.

***

1976માં રાજેશની ફિલ્મ ‘મહાચોર’ આવી અને તે જ વર્ષે અમિતાભ સાથે વિનોદ ખન્નાની ‘હેરા ફેરી’ ફિલ્મ આવી. બંનેની વાર્તા લગભગ સરખી પણ આજે કઈ ફિલ્મ લોકોને યાદ છે? ‘મહાચોર’ કે ‘હેરા ફેરી’? તે જ વર્ષે શમ્મી કપૂર ફરી એક ફિલ્મ લઈને આવ્યા, જેનું નામ આપ્યું ‘બંડલ બાઝ’. ફરી રાજેશ ખન્નાને ઓફર મળી પરંતુ આ વખતે રાજેશે કોઈના પણ નામ સૂચવ્યા વગર ચૂપચાપ ફિલ્મ સાઈન કરી લીધી. 1975-76ના વર્ષમાં ઘણી અપ્રતિમ ફિલ્મો આવી જેમ કે ‘આંધી’, ‘ચૂપકે ચૂપકે’, ‘છોટી સી બાત’, ‘મૌસમ’, ‘દીવાર’ અને શોલે’ અને આ ફિલ્મોમાં ક્યાંય રાજેશનું નામ નહોતું.

થોડાં દિવસ પછી  રાજેશ ખન્ના અને શક્તિ સામંતે મળીને છઠ્ઠી ફિલ્મ આપી – ‘મહેબૂબા’. આ ફિલ્મ ગુલશન નંદાએ લખી. ‘કટી પતંગ’ ફિલ્મની ત્રિપુટી ફરી મળી. રાજેશ ખન્ના, હેમા માલિની અને પ્રેમ ચોપડા ફિલ્મમાં હોવા છતાં ‘મહેબૂબા’નું એક જ ગીત ચાલ્યું – ‘मेरे नैना सावन भादो…’

આ ફિલ્મની શૂટીંગ વખતે એક અનોખી વાત બની. કોઈ એક દ્રશ્ય માટે રાજેશે સારો અભિનય નહોતો કર્યો અને ત્રણ ટેક લેવા પડ્યા. છેલ્લા ટેક વખતે પણ શક્તિ સામંતને મજા ન આવી ત્યારે રાજેશે શક્તિ સામંતને કહ્યું – इससे अच्छा पर्फोर्मन्स आप को पुरे हिन्दुस्तानमें कोई नहीं देगा…

સામંતે જવાબ આપ્યો – काका, राजेश खन्ना इस फिनिश्ड! He is dead.

જ્યારે રાજેશ ખન્નાએ પૂછ્યું, “કેમ?” ત્યારે શક્તિ સામંતે કહ્યું – જો આ થર્ડ ક્લાસ શોટને તું મહાન અભિનય કહે છે તો સમજ કે રાજેશ ખન્નાનું મગજ તેની જગ્યાએ નથી. હવે રાજેશ ખન્ના પહેલા જેવો રાજેશ ખન્ના નથી રહ્યો.

આ એ જ રાજેશ ખન્ના હતો જેણે ‘આપ કી કસમ’ ફિલ્મની શૂટીંગ વખતે પોતાનો વાંક ન હોવા છતાં સાત ટેક લીધેલા અને હવે પોતાના માનીતા નિર્દેશક કહે છે તો પણ નથી માનતો.

***

1977માં રાજેશ ખન્નાની બે ફિલ્મો આવી – ‘ત્યાગ’ અને ‘કર્મ’! બી.આર.ચોપડાએ ‘કર્મ’નું નિર્માણ કર્યુ. હિન્દી ફિલ્મની લગભગ પહેલી ફિલ્મ હતી જેમાં લીવ-ઈન રિલેશનશીપ વિશે વાત થયેલી. રાજેશ ખન્ના, વિદ્યા સિન્હા, શબાના આઝમી જેવા કલાકારો પરંતુ ‘અમર અકબર એન્થની’, ‘ધરમ-વીર’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘ડ્રીમ ગર્લ’ અને ‘ખૂન પસીના’ જેવી ફિલ્મો વચ્ચે ‘કર્મ’ દબાઈ ગઈ.

તે જ વર્ષે જોય મુખર્જીની ફિલ્મ ‘છૈલા બાબુ’ એક આશ્ચર્ય હીટ બની રહી. ઝીનત અમાન સાથેની આ ફિલ્મમાં ‘कल रात सडक पर एक लडकी…’, ‘मैं बाबु छैला…’, ‘यार दिलदार तुझे कैसा चाहिये, प्यार चाहिये या पैसा चाहिये…’ સુપરહીટ ગીતો મળ્યા. તે જ વર્ષે રિલીઝ થયેલી પરવીન બાબી અને રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ ‘ચલતા પુર્ઝા’ એક ફ્લોપ ફિલ્મ રહી.

ફિલ્મો હીટ જાય કે ફ્લોપ તે તરફ ધ્યાન ન આપતાં રાજેશે તરત જ ‘અનુરોધ’ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું. અનુરોધ એ 1970ની ઉત્તમ કુમાર અભિનીત બંગાળી ફિલ્મ ‘દેયા નેયા’ની રિમેક હતી. ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ શક્તિ સામંતે કર્યું. રાજેશે ફિલ્મમાં પોતાની સાળી સિમ્પલ કાપડિયાને લેવાનું વિચાર્યું. શક્તિ સામંતે આ વાતમાં નનૈયો ભણ્યો. સામંતને ખબર હતી કે ‘રિયલ’ લાઈફમાં સાળી-બનેવી હોય તેવી જોડીને ભારતીય શ્રોતા ‘રીલ’ લાઈફમાં હીરો-હીરોઈન તરીકે સ્વીકારશે નહીં. છતાં રાજેશે આ વાતની ફરજ પાડી એટલે શક્તિ કંઈ બોલ્યા નહીં. ‘आते जाते खूबसुरत आवारा सडकों पे…’, ‘आप के अनुरोध पे’ જેવા ગીતો સુપરહીટ નીવડ્યા. ફિલ્મ પણ હીટ રહી છતાં સામંતને મજા ન આવી અને પોતાની નવી ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ માટે શક્તિ સામંતે વહેતી ગંગામાં હાથ ધોયા અને અમિતાભ બચ્ચનને સાઈન કર્યો.

***

1970-80ના દશકમાં ભારતીય જનતાને બહારગામના લોકેશન ખૂબ જ ગમતાં. ‘રોટી’ ફિલ્મની ટીમ (રાજેશના કાકા કે.કે. તલવાર અને જે. ઓમ પ્રકાશે) સ્વિત્ઝરલેન્ડમાં એક ફિલ્મ શૂટ કરવાનું વિચાર્યું, જેનું નામ આપ્યું ‘આશિક હું બહારોં કા’. ફિલ્મમાં કોઈ ઢંગ-ધડા નહોતા, ફક્ત અને ફક્ત સ્વિત્ઝરલેન્ડના બર્ફીલા પહાડને કારણે જ ફિલ્મ બનાવાઈ હોય તેવું લાગ્યું. ફિલ્મ બનાવતી વખતે ડૅની ડેન્ગ્ઝોપ્પાએ રાજેશને કહ્યું પણ કે આ ફિલ્મ નહીં ચાલે ત્યારે કાકાએ કહ્યું – निकल जायेगी…

રાજેશ માટે તો આ એક ફેમિલી પિકનિક બની રહી અને ફિલ્મ ફ્લોપ ગઈ.

તે પછી રાજેશે કે. બાલાચંદ્રની ફિલ્મ ‘આઈના’ સાઈન કરી. મુમતાઝ સાથે રાજેશ ખન્નાની આ છેલ્લી ફિલ્મ બની. તે પછી ગુલઝારની ફિલ્મ ‘પલ્કોં કી છાંવ મેં’ રિલીઝ થઈ. ફિલ્મમાં ‘डाकिया डाक लाया…’ ગીત જ યાદગાર રહ્યું. ફિલ્મ અભિનયની દ્રષ્ટિએ લાજવાબ હતી પણ જનતાને ન ગમી.

અમોલ પાલેકર સાથે ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’ અને ‘ચિતચોર’ જેવી ફિલ્મ બનાવનાર બાસુ ચેટર્જી રાજેશ ખન્ના સાથે કામ કરે તે વાત કોઈ માનવામાં તૈયાર નહોતું. તેમ છતાં બાસુદાએ રાજેશને લઈને એક ફિલ્મ બનાવી – ‘ચક્રવ્યુહ’! આ ફિલ્મ 1978ની એક રોમાંચક ફિલ્મ હતી. બાસુ ચેટર્જીએ નિર્દેશ કરેલી આ ફિલ્મમાં રાજેશ ખન્ના, નીતુ સિંઘ, વિનોદ મહેરા, સિમ્પલ કાપડીયા જેવા કલાકારો અને ફિલ્મનું નિર્માણ પણ રાજેશ ખન્નાએ કર્યું.

1978માં ‘ભોલા ભાલા’ ફિલ્મ રિલીઝ થઈ, જેમાં રાજેશે બે રોલ કર્યા. એક રોલમાં તે એક પોલિસી એજન્ટ બનીને એક ડાકુ (બીજો રોલ)ને પોલિસી વેચી દે છે. તેણે પોતાના બંને રોલને બખૂબી નિભાવ્યા પણ ફિલ્મ ન ચાલી. બીજા વર્ષે (1979માં) ‘જનતા હવાલદાર’ ફિલ્મ રિલીઝ થઈ. ‘જનતા હવાલદાર’ ફિલ્મ કોમેડિયન મહેમૂદે બનાવેલી, જેમાં એક રસ્તે રઝળતા માણસની વાત કરી.

લગભગ 1975માં મહેમૂદે રાજેશ ખન્નાને પોતાની ફિલ્મ ‘જીની ઔર જોની’માં એક નાનો રોલ કરવા કહેલું. તે વખતે રાજેશ એક મેગાસ્ટાર હતો અને તેના વર્તનથી મહેમૂદ પ્રભાવિત થયેલા – રાજેશે પહેલી જ વારમાં ફિલ્મમાં કામ કરવાની હા પાડેલી, શૂટીંગ પર સમયસર પહોંચી જતો, એક સ્ટારને હોય તેવા નખરા કર્યા વગર અને ફિલ્મ માટે કોઈ મૂડી પણ લીધી નહોતી. તે વખતે જ મહેમૂદે નક્કી કરેલું કે રાજેશને લઈને એક ફિલ્મ બનાવશે. પરંતુ જ્યારે ‘જનતા હવાલદાર’ બની ત્યારે મહેમૂદભાઈને દિવસે તારા દેખાઈ ગયા. મહેમૂદભાઈએ કહ્યું કે રાજેશને ફિલ્મમાં લઈને બહુ મોટી ભૂલ કરી છે. ફિલ્મ પૂરી થવા પહેલાં રાજેશ અને મહીમૂદનો એક મોટો ઝઘડો પણ થયેલો. મહેમૂદ રાજેશને કહેવા માંગતા હતા કે હું કોઈ શક્તિ સામંત નથી કે તારી જી-હજૂરી કરું. ફિલ્મનું ફક્ત એક ગીત ‘हम से का भूल हुई…’ પ્રચલિત થયું.

1978માં ‘નૌકરી’ રિલીઝ થઈ. આ ફિલ્મમાં રાજ કપૂર અને રાજેશ ખન્નાએ સાથે કામ કર્યું. ફિલ્મ છેલ્લા પાંચ વર્ષથી રેડી હતી પરંતુ રિલીઝ થવામાં મોડી પડી. રાજેશ અને ઋષિકેશ મુખર્જીએ મળીને ‘આનંદ’, ‘નમક હરામ’ અને ‘બાવરચી’ જેવી ફિલ્મો પહેલાં આપી હતી અને રાજ કપૂર સાથેની રાજેશની પહેલી ફિલ્મ હતી તેમ છતાં ફિલ્મ ફ્લોપ ગઈ. ઋષિકેશ મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને જરાય ન ગમી.

આ જ સમય દરમિયાન રાજેશને ‘સત્યમ શિવમ સુંદરમ’ ફિલ્મ મળતાં મળતાં રહી ગઈ. રાજ કપૂરને હંમેશા રાજેશ ખન્ના સાથે કામ કરવાની ઈચ્છા હતી. પોતાની ફિલ્મમાં હીરો તરીકે લેવાની ઈચ્છા હતી. રાજેશ ખન્ના અને રાજ કપૂર વચ્ચે ‘સત્યમ શિવમ સુંદરમ’ વિશે વાત થયેલી. રાજેશને સ્ક્રીપ્ટ પસંદ આવી અને ફિલ્મ કરવાની હા પાડી. રિશી કપૂરને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાના પિતા સામે અવાજ ઊઠાવ્યો. ‘બૉબી’ ફિલ્મની શૂટીંગ વખતે રાજેશ અને રિશી વચ્ચે ડિમ્પલ કાપડીયા વિષયે મતભેદ થયેલા અને આ જ કારણે રિશીએ રાજ કપૂરને કહીને રાજેશને ફિલ્મમાં લેવાની ના પાડી.

રાજેશના 35માં જન્મદિવસે રાજ કપૂર પોતાના પરિવાર સાથે રાજેશને મળવા આવ્યા ત્યારે બોલ્યા – काका, मैं बच्चों के सामने हार गया…

***

આ દરમિયાન કમાલ અમરોહીએ પોતાની એક ફિલ્મ ‘મજનૂ’ માટે રાજેશ ખન્ના અને રાખીને સાઈન કર્યા. ફિલ્મના મુહૂર્ત માટે જબરદસ્ત તૈયારીઓ થઈ જે રાજેશ ખન્નાના 36માં જન્મદિવસે જ રાખવામાં આવ્યું. બોમ્બેના વરલીમાં મોટા બેનર લાગ્યા અને મહેબૂબ સ્ટુડિયોમાં ફિલ્મનું મુહુર્ત થયું. રાખી અને રાજેશને લૈલા-મજનૂના જાજરમાન પોશાકમાં લોકો સમક્ષ રજૂ કરાયા. ફિલ્મમાં શમ્મી કપૂર અને રાજ કપૂરના પણ રોલ હતા. બધે જ ‘મજનૂ’ ફિલ્મના મુહુર્તની જ વાતો. મિડીયામાં ‘મજનૂ’ છવાઈ ગઈ. તેમ છતાં થોડાં જ દિવસો બાદ કમાલ અમરોહીના ઘણાં બીજા પ્રોજેક્ટની જેમ મજનૂ ફિલ્મનું ધબાય નમઃ થઈ ગયું.

એક સમયે રાજેશ વગર જે ફિલ્મ શરૂ નહોતા કરતા એવા દિગ્ગજો પણ રાજેશને છોડીને આગળ વધ્યા. શક્તિ સામંતે ઉત્તમ કુમાર અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મો સાઈન કરી. યશ ચોપડાએ જેની સાથે પોતાનું ‘યશ રાજ’ બેનર શરૂ કરેલું, તે બેનર હેઠળ એક પણ ફિલ્મ રાજેશ સાથે કરવાની ના પાડી. 1969-1973ના સૌથી વ્યસ્ત સુપરસ્ટારને આ રીતે ફિલ્મોમાંથી હટાવીને બીજા કલાકારોને ફિલ્મો આપવામાં આવી. છેવટે 1979ના વર્ષમાં પોતાની નારાજગી દરમિયાન એક અનપેક્ષિત ફિલ્મ આપી – ‘અમર દીપ’. ફિલ્મ હીટ રહી પણ છતાં લોકોના મનમાં ઘર કરવામાં નિષ્ફળ રહી.

ક્યા જવાબ હૈ આપકા?

‘દીવાર’ ફિલ્મમાં વિજયના રોલ માટે રાજેશ ખન્નાને લેવાની વાત થઈ પરંતુ રવિના રોલ માટે કયા કલાકારનું નામ આગળ આવેલું? જો કે ફાઈનલી આ રોલ શશી કપૂરે કર્યો પણ પહેલાં કોઈ બીજા અભિનેતાનું નામ પસંદ થયેલું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here