હાલમાં જ UNSCના અસ્થાયી સભ્યપદે ચૂંટાયેલા ભારતને બદનામ કરવાના ચીન અને પાકિસ્તાનના પ્રયાસોને ગઈકાલે જબરદસ્ત ધક્કો વાગ્યો છે.
ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રોની (UN) સુરક્ષા પરિષદમાં (UNSC) કરાંચી સ્ટોક એક્સચેન્જ પર હાલમાં થયેલા આતંકવાદી હુમલાના મામલામાં ભારતને બદનામ કરવાની ચીન અને પાકિસ્તાનની ચાલને નિષ્ફળતા મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના બે મિત્ર દેશો અમેરિકા અને જર્મનીને પાકિસ્તાનની સરકારના ભારતને ઉપરોક્ત ઘટનામાં સંડોવવાના પ્રયાસો ગમ્યા નથી.
સામાન્ય રીતે જ્યારે પણ દુનિયામાં કોઇપણ સ્થળે આતંકવાદી હુમલો થતો હોય છે ત્યારે UNSC એ ઘટનાને વખોડી કાઢવાનો પ્રસ્તાવ પસાર કરતી હોય છે. આ વખતે કરાંચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા હુમલાને વખોડી કાઢતો પ્રસ્તાવ ચીન લાવ્યું હતું.
પરંતુ UNSCના ઉપરોક્ત સભ્યો ઉપરાંત કેટલાક અન્ય સભ્યોને જે રીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને વિદેશમંત્રી મકદૂમ શાહ મહેમૂદ કુરેશી કરાંચીમાં થયેલા હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા છે તે ગમ્યું ન હતું. ગઈકાલે સાંજે ન્યૂયોર્ક સમય અનુસાર સાંજે ચાર વાગ્યા સુધી UNSCમાં ચીનનો પ્રસ્તાવ હાથમાં જ લેવામાં આવ્યો ન હતો અને બાદમાં તેને અન્ય તારીખ ઉપર ટાળી દેવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા અનુસાર ચીન UNSCના સભ્યોની ઉપરોક્ત વર્તણુક બદલ રોષે ભરાયું છે પરંતુ અગાઉ તે પણ પાકિસ્તાનના સમર્થનમાં આ પ્રકારે રણનીતિ અપનાવતું આવ્યું છે. ભારત હજી ગયા અઠવાડિયે જ UNSCમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યું છે.
પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાંચીમાં 29મી જૂને અહીં આવેલા સ્ટોક એક્સચેન્જ પર કેટલાક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મૃત્યુ થયા હતા. આ હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હતી.
આવનારા દિવસોમાં ચીનનો પ્રસ્તાવ સુધારેલા મુદ્દા સાથે UNSCમાં ફરીથી પ્રસ્તુત થઇ શકે છે.
eછાપું