ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (7): કાકાના જીવનમાં ‘સૌતન’ ટીના મુનિમનો પ્રવેશ

0
473

1970ના દશકની ઉચ્ચતમ ફિલ્મોમાં જેનું નામ આવે તેવી ફિલ્મ ‘દીવાર’ રાજેશ ખન્નાના હાથમાંથી સરી ગઈ અને અમિતાભને મળી. ફિલ્મમાં રવિનો રોલ શશી કપૂરની પહેલાં નવિન નિશ્ચલને ઓફર થયેલો. પરંતુ સલીમ-જાવેદે પૂરી રમત પલટાવી દીધી. (ગયા અંકમાં પૂછેલા પ્રશ્નનો જવાબ).

ભલે મોટા ભાગના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ 1970ના દશકના જ હતા પરંતુ 1980 ના દશકની ફિલ્મોમાં સ્પષ્ટ તફાવત હતો. રાજેશ ખન્ના માટે તેની કારકિર્દીમાં સૌથી વ્યસ્ત દશક હવે શરૂ થવાનો હતો. તેણે ‘અમર દીપ’ ફિલ્મના રૂપમાં એક નોંધપાત્ર ફિલ્મ આપીને 1970 ના દશકને અલવિદા કહી દીધું, પરંતુ રાજેશની હીટ ફિલ્મો હવે કોઈને માટે જોખમરૂપ નહોતી.

જે માણસે રાજેશનો હરીફ બનીને ‘શહેનશાહ’નો તાજ લીધો તે અમિતાભ બચ્ચને પણ 1975 થી 1979 ની વચ્ચે ઘણા મુકામો મેળવી લીધેલા. હવે તે વન-મેન-ઈન્ડસ્ટ્રી બનવાની તૈયારીમાં હતો. તે જ સમયે, રાજેશ ખન્ના લગભગ અકલ્પનીય રીતે, સર્વોચ્ચ વેતન મેળવનારા અભિનેતાની દ્રષ્ટિએ બચ્ચનની નજીક પહોંચ્યો, પરંતુ તેની ઊંચામાં ઊંચી સેલેરીથી પણ કોઈને ફરક પડ્યો નહીં.

રાજેશ ખન્નાએ 1980 નું દશક એક એવી ફિલ્મથી શરૂ કર્યુ જે જનતા વિચારી પણ ન શકે. ‘હોરર’ એક એવી શૈલી છે જેણે ખરેખર ક્યારેય હિન્દી સિનેમાના ટોચનાં અભિનેતાઓને આકર્ષ્યા જ નથી. ‘બીસ સાલ બાદ’, ‘વોહ ​​કૌન થી’ અને ‘ગુમનામ’ જેવી ફિલ્મો હીટ જતી છતાં અગ્રણી અભિનેતાઓ હોરર ફિલ્મ કરવા તૈયાર ન થતા. વર્ષો પછી જ્યારે રામસે ભાઈઓ આ મેદાનમાં ઊતર્યા, ત્યારે ‘હોરર’ ફિલ્મોને એક નવું રૂપ મળ્યું.

1980ના દશકમાં રાજેશ ખન્નાની પહેલી રજૂઆત ડેની ડેનઝોંગ્પા દ્વારા નિર્દેશિત એક હોરર ફિલ્મ હતી જેનું નામ હતું ‘ફિર વહી રાત’. ડેનીની આ દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે કિમ યશપાલ, શશિકલા, અરુણા ઈરાની, ડેની, સુરેશ ઓબેરોય અને જગદીપની કોમેડી હતી છતાં ફિલ્મ ફ્લોપ ગઈ. રાજેશને ખબર પડી ગઈ કે જનતા જનાર્દનના દિમાગમાં રહેલી પોતાની છબી તે ક્યારેય બદલી શકશે નહીં.

તેને સમજાયું કે હોરર ફિલ્મ તેના કામની નથી. તેણે ફરી પોતાના પ્રકારની ભાવનાત્મક ફિલ્મોમાં ઝંપલાવ્યું. ઈસ્માઈલ શ્રોફ નામના મહાનુભાવે 1980માં ‘થોડી સી બેવફાઈ’ ફિલ્મ બનાવી જેમાં રાજેશ ખન્ના અને શબાના આઝમીએ અભિનય કર્યો. ફિલ્મ હીટ રહી અને ફિલ્મના એક ગીત ‘हजार राहें मूड के देखी…’ માટે કિશોર કુમાર અને ગુલઝારને ફિલ્મફેર એવોર્ડ મેળવી આપ્યા. ખય્યામ સાહેબનું સંગીત ફિલ્મને એક અલગ ઊંચાઈ પર લઈ ગયું – ‘आंखों में हमने आप के…, ‘आज बिछडे…’, ‘मौसम मौसम लवली मौसम…’ જેવા ગીતો લોકોના મનમાં વસ્યા.

તે જ વર્ષે કમલ હાસન અભિનીત અને પી. ભારથિરાજા નિર્મિત તામિળ ફિલ્મ ‘સિગપ્પુ રોજક્કલ’ની રિમેક બની ‘રેડ રોઝ’ જેમાં રાજેશ ખન્ના સામે પૂનમ ઢીલ્લને કામ કર્યુ. 1980નું વર્ષ પૂરુ થાય તે પહેલાં, રાજેશ ખન્નાની વધુ બે ફિલ્મો રિલીઝ થઈ – ‘બંદિશ’ અને ‘આંચલ’. ‘બંદિશ’માં રાજેશ ખન્ના અને હેમા માલિનીએ અભિનય કર્યો અને ‘પ્રેમ નગર’ ફિલ્મના જ નિર્માતાએ આ ફિલ્મ પણ નિર્માણ કરી. ‘આંચલ’ પણ એક મેલોડ્રામા ફિલ્મ હતી. બંને ફિલ્મોએ સરેરાશ કમાણી કરી.

***

એક સમય હતો જ્યારે રાજેશ ખન્ના એકલપંડે ફિલ્મને ખેંચી લેતો. થોડી ફિલ્મોમાં તેણે સાઈડ રોલ પણ કર્યા. પણ જ્યારથી મલ્ટીસ્ટારર (એક કરતાં વધુ અભિનેતાઓ વાળી) ફિલ્મો બનવાની શરૂઆત થઈ, રાજેશને પણ તેમાં ઝંપલાવવાની જરૂર જણાઈ. રાજેશે સૌથી પહેલી મલ્ટીસ્ટારર ફિલ્મ સાઈન કરી ચેતન આનંદની ‘કુદરત’. ફિલ્મમાં ઘણાં હીરો-હીરોઈન હતા અને ફિલ્મ સુપરહીટ નીવડી. ‘કુદરત’ને ત્રણ ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા. પરવીન સુલતાના (ગાયિકા), જાલ મિસ્ત્રી (સિનેમેટોગ્રાફી) અને ચેતન આનંદ (બેસ્ટ સ્ટોરી).

1980 ના દાયકામાં ફિલ્મો પ્રત્યેનો તેમનો અભિગમ બદલવા ઉપરાંત, રાજેશે પોતાની વ્યક્તિગત જિંદગીમાં પણ મોટા ફેરફાર શરૂ કર્યા. તેમાંથી સૌથી મોટો ફેરફાર મિડીયાની રાણી કહેવાતી દેવી નામની પત્રકારને પોતાના સેટ પર આવવા પર પ્રતિબંધ લગાવ્યો. દેવી એ રાજેશની અતુલ્ય ભક્ત હોવા ઉપરાંત, એક એવી વ્યક્તિ હતી કે જેની પાસે તીક્ષ્ણ અને સ્પષ્ટ કલમ હતી. રાજેશ ખન્નાના લગ્ન જીવન અને ડિમ્પલ-રાજેશના વિષયો વિશે દેવી મિડીયામાં અફવાઓ ફેલાવતી જે રાજેશને ગમતી નહોતી. જો કે રાજેશે ભાગ્યે જ તેની સાથે આ બાબતે વાત કરી. છેલ્લે દેવીના મૃત્યુ સમયે પણ રાજેશે અંતિમયાત્રમાં જવાનો ઇનકાર કરી દીધો હતો.

આજે કોઈ માને નહીં પણ રાજેશ ખન્નાએ ભજવેલા પાત્ર પરથી પ્રેરણા લઈને શાહરુખ ખાને ‘અંજામ’ અને બાજીગર’ જેવી ફિલ્મો કરેલી. 1981ની ફિલ્મ ‘ધનવાન’ માં રાજેશની એવી જ ભૂમિકા હતી. ત્યારબાદ ‘કુદરત’ની જેમ જ રાજેશ અને હેમા માલિનીએ 1981ની ફિલ્મ ‘દર્દ’ માટે ફરીથી જોડી બનાવી, જેમાં રાજેશનો ડબલ રોલ હતો.

વર્ષ પૂર્ણ થતાં પહેલાં, મનમોહન દેસાઈના ‘નસીબ’ ફિલ્મના એક ગીત ‘જ્હોન જાની જનાર્દન’ રાજેશે મહેમાન કલાકારની ભૂમિકા ભજવી. આ ગીતમાં છેલ્લી વખત રાજેશે અમિતાભ બચ્ચન સાથે એક જ સેટ પર કામ કર્યુ. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક હોટેલમાં મહેમાનોનું મનોરંજન કરનારા વેઈટરની ભૂમિકા ભજવે છે, જેમાં મહેમાન તરીકે રાજ કપૂર, ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, શમ્મી કપૂર અને રાજેશ ખન્ના જેવા ફિલ્મ અભિનેતા શામેલ છે. ગીતમાં દરેક કલાકાર પોતાનો આનંદ માણી રહ્યા હતા, તેમ છતાં, પોતાનો જ રોલ ભજવતો રાજેશ અમિતાભની આસપાસ સ્પષ્ટ રીતે ખૂબ જ સંયમિત દેખાયો. જ્યારે નજીકથી જોવામાં આવે તો, રાજેશની આંખોમાં જે અણગમો ચમકે છે જે ખૂબ વાસ્તવિક લાગે છે.

ફિફ્ટી-ફિફ્ટી એ રાજેશ ખન્નાની 1981ના વર્ષમાં છેલ્લી ફિલ્મ હતી. ફિલ્મ એક મનોરંજક ફિલ્મ હતી અને આ એ જ ફિલ્મ છે જેના સેટ પર રાજેશ ખન્ના પહેલી વાર ટીના મુનિમને મળ્યો. આ ફિલ્મમાં બંનેનો અભિનય વખણાયો. ડિમ્પલ કાપડિયાની જેમ, ટીના મુનિમ પણ રાજેશ ખન્નાની ચાહક હતી, પરંતુ રાજેશ સાથે મુલાકાત થઈ તે પહેલાં ટીના એક સ્થાપિત હીરોઈન બની ગઈ હતી, તેની ‘બાતો બાતો મેં’ અને ‘કર્ઝ’ જેવી હીટ ફિલ્મો રિલીઝ થઈ ગયેલી.

1982 નું વર્ષ શરૂ થતાં જ ઉમેશ મેહરાએ ‘અશાંતિ’ ફિલ્મનો વિચાર રાજેશને આપ્યો, જેણે વાર્તા સાંભળ્યાની ફક્ત દસ જ મિનિટમાં ફિલ્મ કરવાની તૈયારી બતાવી. તે જ વર્ષે વિજય આનંદ રાજેશ ખન્ના અને અમિતાભને લઈને ‘રાજપૂત’ ફિલ્મ બનાવવા માંગતા હતા. ‘નમક હરામ’ ફિલ્મની રિલીઝના 10 વર્ષ પછી આ બંને હીરો એક પડદા પર આવત તો ઘણું રસપ્રદ હોત. પરંતુ આ પ્રોજેક્ટ્ માટે અમિતાભ પાસે તારીખ નહોતી એટલે વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, ટીના મુનિમ, રણજીતા અને રાજેશ ખન્નાને લઈને ફિલ્મ રિલીઝ થઈ.

તે પછી રાજેશે ‘ધરમ કાંટા’ નામની મલ્ટીસ્ટારર ફિલ્મ સાઈન કરી. આ ફિલ્મમાં રાજેશે એક ડાકુનો રોલ કર્યો. ફિલ્મના નિર્દેશક સુલતાન અહમદે 1973 અને 1995 ની વચ્ચે પાંચ ફિલ્મો કરી જેમાં કેન્દ્રિય પાત્ર કોઈ ડાકુ હોય (1973ની ફિલ્મ ‘હીરા’માં સુનીલ દત્ત, 1978ની ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’માં અમિતાભ બચ્ચન, 1989ની ફિલ્મ ‘દાતા’માં મિથુન ચક્રોબર્તી અને 1995ની ફિલ્મ ‘જય વિક્રાંતા’માં સંજય દત્તને ડાકુ બનાવ્યા.

***

‘સાજન બિના સુહાગન’ અને ‘સાજન કી સહેલી’ જેવી મહિલા કેન્દ્રિત ફિલ્મો બનાવનાર સાવન કુમારને વર્ષોથી રાજેશ ખન્ના સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા હતી. રાજેશ સાવન કુમારને મુલતવી કરતો ગયો અને પાંચ વર્ષ રાહ જોવડાવ્યા પછી એક દિવસ સાવન કુમારે રાજેશ ખન્નાને ફોન કર્યો. સાવને ફિલ્મ માટે પૂછ્યું તો રાજેશે કહ્યું – ડાયરી ખાલી હૈ, જો ડૅટ્સ ચાહે લિખ લો.

એક સમયના સુપરસ્ટારના મોઢેથી આ શબ્દો સાંભળીને સાવન કુમાર આશ્ચર્યચકિત થઈ ગયા અને તરત જ રાજેશને પોતાની ફિલ્મ ‘સૌતન’ની સ્ક્રીપ્ટ સંભળાવવા તેના ઘરે આવ્યા. પાંચ જ મિનિટમાં રાજેશે ફિલ્મ માટે હા પાડી દીધી. રાજેશના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું. સાવન કુમારે એક ઈન્ટરવ્યુમાં કહેલું, “अजीब सी हसीं थी उसकी, beautiful and mesmerising!”

વિજય કૌલે આ ફિલ્મની પટકથા લખી. ફિલ્મમાં પરવીન બાબી અને પદ્મિની કોલ્હાપુરેને સાઈન કરવામાં આવી. ફિલ્મનું શૂટીંગ મોરિશિયસમાં થવાનું હતું અને ફિલ્મ શરૂ થતાં પહેલાં ફિલ્મનું એક ફોટોશૂટ પણ થયું. અચાનક ફિલ્મ શરૂ થવાના પંદર દિવસ પહેલા પરવીન બાબીએ ફિલ્મ છોડવાનું નક્કી કર્યું કારણ કે તેને ખબર મળી કે આ ફિલ્મ માટે રાજેશે ઓલરેડી ઝિન્નત અમાન સાથે વાત કરી રાખેલી. ઝિન્નત પાસે આટલા દિવસ મોરિશિયસ રહેવાનો સમય નહોતો એટલે તેણે રાજેશને ના પાડી. આ દરમિયાન સાવન કુમારની ફિલ્મ માટેની બધી તૈયારી થઈ ગયેલી, છેવટે તેમણે ટીના મુનિમને આ ફિલ્મ ઓફર કરી.ટીનાને સાવન કુમાર પહેલાથી ઓળખતા હતા કારણ કે ટીનાની બહેન ઝરણા સાવન કુમારની બિલ્ડીંગમાં જ રહેતી હતી અને ટીના અવારનવાર ત્યાં આવતી.

‘સૌતન’ની વાર્તા કૃષ્ણ-રાધા-રુક્મિણીની વાર્તા પર આધારિત હતી. ફિલ્મમાં રાજેશનું નામ શ્યામ હતું, પદ્મિનીનું નામ રાધા અને ટીનાનું નામ રુક્મિણી. આ જ ફિલ્મની રાજેશ અને ટીનાના સંબંધો પાંગર્યા. બંનેની નિકટતા અને આત્મીયતા વધી. રાજેશ અને ડિમ્પલના સંબંધમાં પડેલી તિરાડ તો જગજાહેર હતી જ! જ્યારે પહેલી વાર ટીના રાજેશને મળેલી ત્યારે તે એક મહિલા ચાહક હતી પરંતુ હવે તે તૂટેલા દિલનો સહારો બની ગઈ. તે જ સમય દરમિયાન ટીનાનું ‘રૉકી’ ફિલ્મના હીરો સંજય દત્ત સાથે બ્રેકઅપ થયેલું. રાજેશ અને ટીના બંનેને ભાવતુ’તું ને વૈદે કીધું.

‘સૌતન’ની શૂટીંગ માટે જીદ કરીને ડિમ્પલ રાજેશ સાથે મોરિશિયસ આવેલી પરંતુ રાજેશના ટીના સાથેનો વ્યવ્હાર જોઈને તરત જ ભારત પાછી આવી ગઈ. રાજેશ અને ટીના હવે લાગ મળી ગયો. રાજેશે રીલ લાઈફને રિયલ લાઈફમાં ફેરવી દીધી. સાવન કુમારને કહ્યું કે ફિલ્મનું શૂટીંગ પતે પછી ડબિંગ કરતી વખતે રાધા અને રુક્મિણીના નામ બદલી નાખો. આ કાનુડાને હવે હંમેશા રાધા પાસે જ રહેવું હતું. સાવન કુમાર અને રાજેશ વચ્ચે બોલાચાલી થઈ અને ફિલ્મનું શૂટીંગ બંધ કરીને બધાં ભારત પાછા આવી ગયા. ચાર મહિના સુધી બધુ જેમ ને તેમ – કોઈ મગનું નામ મરી ન પાડે.

ચાર મહિના સુધી કોઈ વાતચીત નહીં. છેવટે વિજય કૌલે રાજેશ ખન્નાને ફોન કરીને સાવન કુમારના ઘરે બોલાવ્યા. ‘સૌતન’ ફિલ્મ વિશે વાત થઈ અને ફિલ્મને ફરી શરૂ કરવામાં આવી. ફિલ્મની રિલીઝના ચાર દિવસ પહેલાં એક પ્રિમિયર યોજાયું જેમાં રાજેશ ખન્નાએ શક્તિ સામંત અને રામાનંદ સાગરને પણ બોલાવ્યા. ફિલ્મ પતી પછી શક્તિ અને રામાનંદ રાજેશ સાથે અડધો કલાક વાત કરતા જોવા મળ્યા. ત્યાંથી ઘરે જઈને રાજેશે ફોન કરીને સાવન કુમારને ઘરે બોલાવ્યા.

રાજેશે સાવન કુમારને કહ્યું, ‘ફિલ્મનો અંત બદલવો પડશે. કારણ કે મને એવું લાગે છે કે ફિલ્મના અંતમાં બંને હીરોઈનોનો પ્રભાવ મારી કરતાં વધુ છે.’

સાવન કુમારે જવાબ આપ્યો, ‘હવે ફિલ્મમાં કોઈ ફેરફાર નહીં થાય, ત્રણ દિવસ પછી ફિલ્મ રિલીઝ થવાની છે.’

રાજેશે તરત કહી દીધું, ‘તો હું ફિલ્મના પ્રિમિયરમાં નહીં આવું.’

આ કારણે ટીના મુનિમે પણ પ્રિમિયરમાં જવાની ના પાડી. ફિલ્મનો હીરો ન જાય અને વિલન જાય તો કેવું લાગે એવા વિચારથી પ્રેમ ચોપડાએ પણ પ્રિમિયરમાં જવાની ના પાડી. બધું કડડભૂસ ભાંગી જવાની કગાર પર હતું છતાં સાવન કુમાર ટસથી મસ ન થયા. બે દિવસ વીત્યા અને ફિલ્મ રિલીઝ થવાની એક રાત પહેલા રાજેશે ફોન કરીને સાવન કુમારને પ્રિમિયરમાં આવવાની હા પાડી.

ફિલ્મ રિલીઝ થઈ તે જ દિવસે રાજેશે બધાં જ ફિલ્મના ડીસ્ટ્રીબ્યુટર્સને ફોન કરીને પ્રતિસાદ માંગ્યા. આશ્ચર્યજનક રીતે બધાં જ ફિલ્મોમાં થિયેટરની બહાર હાઉસફુલના પાટિયા લાગી ગયા. સાવન કુમાર રાજેશના ઘરે ગયા અને સાહિર લુધિયાનવીના શબ્દોમાં કહ્યું – “ले दे के सिर्फ एक नजर ही तो है हमारे पास, क्यों देखे जिंदगी को किसी और की नजर से?”

‘સૌતન’ ફિલ્મ સુપરહીટ નીવડી. ફિલ્મના ગીતો ‘शायद मेरी शादीका खयाल…’, ‘जिंदगी प्यार का गीत है…’ આજે પણ લોકોના મનમાં વસેલા છે. ફિલ્મ જગત ‘સૌતન’ની આવી સફળતાથી અચંબિત થઈ ગયું. રાજેશ અને ટીનાનો પ્રેમ વધુ પાંગર્યો.

ક્યા જવાબ હૈ આપકા?

‘સૌતન’ ફિલ્મ ખૂબ જ સફળ નીવડી અને ફિલ્મનું એડિટીંગ કરનાર મહાનુભાવ વર્ષો પછી હિન્દી સિનેમાના એક સફળ નિર્દેશક બન્યા. આ નિર્દેશકની ગોવિંદા સાથે જોડી જામી અને સુપરહીટ ફિલ્મોની વણઝાર લાગી. એ નિર્દેશક કોણ?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here