અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ કોરોનાના સમય દરમ્યાન ઓનલાઈન શિક્ષણ મેળવવાનો વિકલ્પ પસંદ કરે તો તેમને પોતાના દેશમાં પરત ફરવાના હુકમ પર અમેરિકન સરકારે સમાધાન કરી લીધું છે.
વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને થોડા દિવસો પહેલા અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલા નવા વિસા નિયમોને પરત ખેંચ્યા છે. આ નિયમ અનુસાર કોરોનાકાળમાં અમેરિકામાં રહીને ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ પસંદ કરીને ભણી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત જવાનું કહેવામાં આવ્યું હતું.
પરંતુ ભારત સહીત વિશ્વના ઘણા દેશોમાં આ નવા નિયમનો વિરોધ થયો હતો. આ ઉપરાંત હાર્વર્ડ તેમજ MIT દ્વારા અમેરિકન સરકારના આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક અદાલતમાં એક લો સ્યુટ ફાઈલ કરવામાં આવી હતી.
ત્યારબાદ કેલિફોર્નિયાની જાહેર કોલેજો ઉપરાંત 17 રાજ્યોએ પણ ભેગા મળીને ટ્રમ્પ સરકારના નિયમના વિરોધમાં અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. બોસ્ટનના ફેડરલ જજ એલિસન બોરોએ ગઈકાલે કોર્ટમાં કહ્યું હતું કે તેમને એ જણાવતા આનંદ થાય છે કે બંને પક્ષોએ આ મામલે સમાધાન કરી લીધું છે.
જો કે ઉપરોક્ત સમાધાન અંગે અમેરિકામાં ભણતા અસંખ્ય વિદેશી વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું. આ નિર્ણયથી અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ ખાસકરીને ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત પહોંચશે.
એક આંકડા અનુસાર આ વર્ષે જાન્યુઆરીમાં 1,94.556 જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ વિવિધ અમેરિકન યુનિવર્સીટીઓમાં એડ્મિશન લીધું હતું.
eછાપું