TikTok: જબરદસ્ત વિરોધ બાદ કંપની ચીનમાંથી વાવટા સંકેલશે?

0
327

ગલવાન વેલીમાં ભારતીય સૈનિકોને વીરગતીએ પહોચાડ્યા બાદ ભારત સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો તેના પડઘા છેક અમેરિકા સુધી પહોંચ્યા છે અને હવે TikTok ચીનમાંથી ખસી જવાનું વિચારી રહ્યું છે.

લંડન: ચાઇનીઝ એપ TikTok હવે પોતાનું હેડક્વાર્ટર ચીનમાંથી ખસેડીને કોઈ અન્ય દેશમાં લઇ જવા માટે ગંભીરતાથી વિચારી રહ્યું છે. TikTok એ ચીની કંપની ByteDanceના નેજાં હેઠળ અસ્તિત્વ ધરાવતી કંપની છે અને હાલમાં તે UKમાં પોતાનું હેડક્વાર્ટર શરુ કરે તેવા સમાચાર મળી રહ્યા છે.

જાણવા મળ્યા અનુસાર TikTok બ્રિટીશ સરકાર સાથે લંડનમાં પોતાનું મુખ્યાલય ખોલી શકે કે નહીં તે અંગે ચર્ચા ચલાવી રહ્યું છે. પરંતુ ગત અઠવાડિયે એવા ખબર પણ આવ્યા હતા કે TikTok અમેરિકાના કેલિફોર્નિયામાં મોટા પાયે ભરતી કરી રહી છે અને પોતાના CEO તરીકે ડિઝનીના પૂર્વ કો-એક્ઝીક્યુટીવ કેવિન મેયરને પણ પોતાની સાથે જોડ્યા છે.

ગત મહીને લદાખની ગલવાન વેલી ખાતે ભારતીય સૈનિકો સાથેની હાથોહાથની લડાઈમાં ચીની સૈનિકોને 20 ભારતીય સૈનિકોને વીરગતીએ પહોંચાડ્યા હતા, ત્યારબાદ ભારત સરકારે કડક વલણ અપનાવતા 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેમાં TikTok પણ સામેલ હતું. એક એનાલીસીસ અનુસાર ભારત દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ Bytedanceને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડ્યું હતું.

ભારતના પગલાં બાદ અમેરિકા અને અન્ય દેશોમાં પણ TikTok પર પ્રતિબંધ મુકવાની માંગણી ઉભી થઇ હતી. અમેરિકાએ TikTok પોતાના યુઝર્સનો ડેટા ચીની સરકારને આપી દેતી હોવાનો આરોપ પણ મૂક્યો હતો.

આ પ્રકારે વિશ્વભરમાંથી વિરોધ ઉઠતા TikTok એટલેકે ByteDance દ્વારા છેવટે ચીનમાંથી પોતાનું હેડક્વાર્ટર ખસેડીને અન્યત્ર લઇ જવાનો નિર્ણય લીધો હોય તેવી અટકળ ચાલી રહી છે. પરંતુ માત્ર હેડક્વાર્ટર ચીનની બહાર લઇ જવાથી TikTok પર પ્રતિબંધ મુકવાની માંગ કરતા અને અગાઉથી જ તેને પોતાના દેશમાં પ્રતિબંધિત કરનાર ભારતને સંતોષ થશે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here