દાવો: એક વર્ષમાં ટ્રિપલ તલાકની ઘટનાઓની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો

0
241

ગત ઓગસ્ટ મહિનામાં પસાર કરવામાં આવેલા ટ્રિપલ તલાક વિરોધી કાયદાને કારણે દેશભરમાં ટ્રિપલ તલાકની ઘટનાઓમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હોવાનું કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ દાવો કર્યો છે.

 

નવી દિલ્હી: લઘુમતિ મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં એક વર્ષમાં ટ્રિપલ તલાકની ઘટનાઓની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષે 1 ઓગસ્ટે સંસદે ટ્રિપલ તલાક કાયદાને મંજૂરી આપી હતી તેને લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું છે.

આ એક વર્ષના સમયમાં દેશભરમાં ટ્રિપલ તલાકની ઘટનાઓમાં લગભગ 80% જેટલો ભારે ઘટાડો નોંધાયો હોવાનું મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે 1 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ હતો કારણકે એ દિવસે મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાક જેવા સામાજીક દુષણમાંથી મુક્તિ મળી હતી.

નકવીએ કોંગ્રેસ, બંને લેફ્ટ પાર્ટીઓ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની આ કાયદાનો સંસદ અને સંસદની બહાર વિરોધ કરવા બદલ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષ સુધી ટ્રિપલ તલાક જેવું દુષણ માત્ર વોટ બેંકના રાજકારણ માટે રાજકીય પક્ષોની શરણમાં ફૂલ્યું ફાલ્યું હતું.

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ટ્રિપલ તલાક નાબુદી બાદ મુસ્લિમ મહિલાઓને સ્વતંત્રતા તો મળી જ છે પરંતુ દેશભરની મહિલાઓમાં આત્મવિશ્વાસનો પણ સંચાર થયો છે. દેશની મહિલાઓ દેશની વસ્તીના 50% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું પણ નકવીએ ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીના કહેવા અનુસાર ટ્રિપલ તલાકની ઘટનાઓમાં એક વર્ષમાં ભલે મોટો ઘટાડો નોંધાયો હોય પરંતુ દેશના કોઈ પણ ખૂણે હજી પણ જ્યાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યાં તેના વિરુદ્ધનો આ નવો કાયદો પોતાનું કાર્ય કરી જ રહ્યો છે.

ટ્રિપલ તલાકને ઇસ્લામ ધર્મ સાથે કોઈજ સબંધ ન હોવાનું નકવીએ નોંધ્યું હતું અને તેમણે ઉદાહરણ આપ્યું હતું કે અગાઉ સતી અને બાલવિવાહની  કુપ્રથાઓને પણ સંસદે કાયદો લાવીને ગેરકાયદેસર જાહેર કરી હતી અને આ બંને પ્રથાઓને પણ કોઇપણ ધર્મ સાથે સીધો કે આડકતરો સબંધ ન હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here