સ્કૂલ ફી: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના પરિપત્રમાં મોટો સુધારો કર્યો

0
656

કોર્ટે નોંધ્યું હતું કે, રાજ્ય સરકાર અને સ્કૂલ સંચાલકો વચ્ચે સમન્વય જરૂરી છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમણે સ્કૂલના સંચાલકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફી ઘટાડવા માટે તૈયાર ન હતા.

અમદાવાદ/ગાંધીનગર: કોરોના મહામારીના લીધે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની મુશ્કેલીઓ પણ વધી છે. આ સમયકાળમાં આર્થિક પરિસ્થિતિ નબળી થઇ ગઈ હોવાથી વાલીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે શાળા સંચાલકો ફી ન લે. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે પરિપત્ર પ્રસ્તુત કર્યો હતો.

ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો પરિપત્ર જાહેર કર્યો હતો કે, વર્ષ 2020-21માં કોઈ પણ સ્કૂલ ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી નહીં ઉઘરાવી શકે. જેનો વિરોધ કરતાં શાળા સંચાલકોએ પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉઘરાવવાનો પરિપત્ર રાજ્ય સરકાર કરી શકે નહીં.

આ વાતને ધ્યાનમાં રાખીને કોર્ટે વચગાળાનો આદેશ આપતા સરકારે કરેલ પરિપત્રને રદ કર્યો છે અને વિગતવાર માહિતી સાથેનો ચુકાદો ટૂંક સમયમાં આપશે તેમ જણાવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ હવે ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી ફી લઇ શકે છે. પરંતુ વાલીઓના હિત માટે થઈને રાજ્ય સરકાર હવે સંચાલકો સાથે વાટાઘાટો કરી શકે તેવી સંભાવના પણ ઉભી થઇ છે.

આ મામલે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે,

હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પાલન કરવામાં આવશે. આ મુદ્દાને અહીં જ પૂરો કરવામાં આવશે. આ મામલે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય. અમે હાઇકોર્ટ સમક્ષ અમારો અભિપ્રાય રજૂ કરી દીધો છે. આગામી સમયમાં હાઇકોર્ટ જે વિગતવાર ચુકાદો આપશે તેના પરથી નિર્ણય લેવામાં આવશે.13મી એપ્રિલના રોજ સ્કૂલ સંચાલકો સાથે થયેલી ચર્ચા મુજબ એવી સમજૂતી થઈ છે કે સપ્ટેમ્બર સુધી કોઈ પણ સંચાલક વાલી પર ફી માટે દબાણ નહીં કરે.

ગુજરાત સરકારના ઉપરોક્ત પરિપત્રના અન્ય મુદ્દા હાઇકોર્ટે યથાવત રાખ્યા છે. પરિપત્રનો જે ચોથા નંબરનો ફી અંગેનો મુદ્દો હતો તે કોર્ટે રદ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ અંગે ચુકાદો આપતા ખાનગી સ્કૂલ સંચાલકોને શૈક્ષણિક કાર્ય શરૂ રાખવાનો આદેશ કર્યો હતો. સાથે જ ફી મામલે સરકાર સાથે બેસીને કોઈ નિરાકરણ લાવવાનું કહ્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે સરકારના આવા પરિપત્ર બાદ ખાનગી સ્કૂલના સંચાલકોએ બાળકોને ઓનલાઇન અભ્યાસ બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. સ્કૂલના સંચાલકોએ જાહેરાત કરી હતી કે, ફી નહીં તો અભ્યાસ પણ નહીં. જોકે, બાદમાં અમુક સ્કૂલ સંચાલકોએ ઓનલાઇન અભ્યાસ ફરીથી શરૂ કરી દીધો હતો.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here