એક સાંધતા તેર તૂટે: હાર્દિકનો વિરોધ શમાવવા કોંગ્રેસ આંધળો જુગાર રમશે?

0
380

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે ભૂતપૂર્વ PAAS નેતા હાર્દિક પટેલની નિમણુંક થયા બાદ પક્ષના વરિષ્ઠ આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ હોવાના સમાચારો વચ્ચે પક્ષ આંધળો જુગાર રમવા માટે તૈયાર થયો હોવાના અહેવાલો છે.

અમદાવાદ: એક અગ્રણી અખબારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણુંક થયા બાદ ગુજરાત કોંગ્રેસના સિનીયર આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ રોષનો પડઘો ક્યાંક આવનારી વિધાનસભાની પેટાચૂંટણી પર ન પડે તે માટે રાજ્ય કોંગ્રેસ અત્યારથી જ સાવધ થઇ ગઈ છે.

ઉપરોક્ત અહેવાલ અનુસાર ગુજરાત કોંગ્રેસના બે વરિષ્ઠ આગેવાનો અર્જુન મોઢવાડિયા તેમજ સિદ્ધાર્થ પટેલને આવનારી પેટાચૂંટણીઓમાં મેદાનમાં ઉતારીને અન્ય વરિષ્ઠોનો રોષ ઠંડો પાડવાની કોશિશ કરવામાં આવશે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ મંજૂરી આપશે તો અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલને અનુક્રમે અબડાસા અને કરજણની બેઠક પર ટીકીટ આપવામાં આવશે.

અહીં એ નોંધવાની બાબત એ પણ છે કે અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ બંનેમાંથી એક પણ આગેવાન તેમને જે બેઠકો પરથી ટીકીટ મળવાની સંભાવના છે તે વિસ્તાર સાથે સીધો સંબંધ ધરાવતા નથી. આવા સંજોગોમાં માત્ર હાર્દિક પટેલ સામે રાજ્ય કોંગ્રેસમાં ઉભા થયેલા રોષને શાંત કરવા માટે આ બંને આગેવાનોને અજાણી બેઠકો પર ટીકીટ આપીને કોંગ્રેસ ક્યાંક આંધળો જુગાર તો નથી રમી રહી તેવી લાગણી પક્ષના સમર્થકોમાં ઉભી થઇ રહી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખામાં હાલમાં માત્ર બે જ પદ ભરાયેલા છે જેમાંથી એક છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું અને બીજું કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું. આ સિવાય રાજ્ય કોંગ્રેસના તમામ પદ ખાલી પડ્યા છે એવામાં આ પ્રકારનો નિર્ણય ક્યાંક કોંગ્રેસ માટે બુમરેંગ સાબિત ન થાય તેનું ધ્યાન પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ રાખવું જરૂરી બની ગયું છે.

જો કે આ બધીજ ધમાલ વચ્ચે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર ક્યારે પેટાચૂંટણી યોજાશે તેની કોઈજ વિગત રાજ્ય કે કેન્દ્રીય ચૂંટણી પંચે હજી સુધી આપી નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here