સફળતા: બનાસ ડેરીએ ખેડૂતોની આવક બમણી કરવા તરફ પ્રથમ સફળ ડગ માંડ્યું

0
421

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વિઝનને સાકાર કરવા તરફ બનાસ ડેરીએ એક નવતર પ્રયોગ હાથ ધરીને ગોબરમાંથી ગોબરધન બનાવવાનો સફળ પ્રયાસ આદર્યો છે.

 

ડીસા: ભારતમાં કૃષિ ઇતિહાસનો વર્ષો જૂની સિંધુ ખીણ સંસ્કૃતિથી સીધો સંબંધ છે. ભારત ગામડાઓનો બનેલો અને ઉત્તમ ઉદાહરણરૂપી કૃષિપ્રધાન દેશ છે. ખેતીવાડી ઉત્પાદનોના આઉટપુટમાં ભારત વિશ્વભરમાં બીજા ક્રમે છે.

2018નાં આંકડાઓ મુજબ, કૃષિક્ષેત્ર એ ભારતના 50% થી વધુ કર્મચારીઓને રોજગારી આપી છે અને દેશના GDPમાં 17-18% ફાળો આપ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં 58% વસ્તી માટે કૃષિ એ જીવનનિર્વાહનો પ્રાથમિક સ્રોત છે. તથા 70%થી વધુ ગ્રામીણ પરિવારો ખેતી પર આધારીત છે.

કૃષિક્ષેત્રથી દેશના વિકાસમાં આવો બેજોડ ફાળો મળતો હોવાથી સરકાર દ્વારા આ ક્ષેત્રમાં સમયાંતરે વિકાસ આધારિત ફેરફારો થતા રહે છે અને નવા નવા પ્રયોગો કે જે આ ક્ષેત્ર દ્વારા વધુ અને અન્ય નવા ઉત્પાદનો કરવામાં મદદરૂપ થાય એમ સફળ બનાવવામાં આવે છે.

આ ઉપરાંત; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે, 2022 સુધીમાં દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી થાય તેના માટે સરકાર સહિત સહકારી ક્ષેત્રોએ પણ પ્રયત્નો કરવા જોઈએ અને “સબકા સાથ, સબકા વિકાસ” તથા “મેક ઈન ઈન્ડિયા” જેવી યોજનાઓ વડે વિકાસ આધારિત પ્રયત્નો થવા જોઈએ.

આવો જ એક નવતર પ્રયોગ અને દેશને તથા દેશવાસીઓને અનેકરૂપે ઉપયોગી નીવડે તે હેતુસર, એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પશુઓના ગોબરને ગોબરધન ગણીને દેશનો સૌથી પહેલો ગોબરમાંથી બનતા CNG ગેસનો પંપ ડીસાના દામા ગામે 8 કરોડ જેટલો ખર્ચ કરીને બનાવ્યો છે.

બનાસડેરી દ્વારા 2૦૦૦ ક્યુબીક મીટર જેટલો બાયોગેસનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં રોજના 40,૦૦૦ કિલો છાણાનો ઉપયોગ કરવામાં આવશે. જે થકી, આ બાયોગેસ પ્લાન્ટમાંથી રોજ 800 કિલો CNG ગેસ બનાવીને વાહન ચાલકોને વેચવામાં આવશે.

આ સિવાય આ બાયોગેસ પ્લાન્ટમાં રોજનું 8 ટન વર્મીકંપોસ્ટ અને 4૦,૦૦૦ લીટર પ્રવાહી ખાતર બનશે. જેના કારણે તેમાંથી અનેક પ્રકારના ઓર્ગેનિક ખાતરો બનાવીને ખેતરોમાં પાકને પણ સારો ફાયદો થાય તે માટે સીધા ખેડૂતોને વેચાણ કરવામાં આવશે.

બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. જેમાં બનાસડેરી સાથે લગભગ સાડા ત્રણ લાખ પશુપાલકો જોડાયેલા છે જે મોટા પ્રમાણમાં પશુઓ રાખીને તેનું દૂધ બનાસડેરીમાં જમા કરાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

આ પ્લાન્ટથી ખેડૂતોને કુદરતી તત્વોવાળું ઓર્ગેનિક ખાતર મળી રહેશે, જે ખેડૂતોને ખુબજ ફાયદો આપી શકશે. એટલું જ નહીં, પશુપાલકોના પશુઓનું છાણ બનાસડેરી દ્વારા વેચાતું લેવામાં આવી રહ્યું છે. પશુપાલકો પાસેથી 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે છાણ ખરીદવામાં આવી રહ્યું છે.

આ છાણને બાયોગેસ પ્લાન્ટમાં લાવીને તેમાં જરૂરી પાણી ઉમેરી આ મિશ્રણને UASB (અપ ફ્લો – એનારોબિક સ્લજ બ્લેન્કેટ રિએક્ટર) ટેન્કમાં લઈ જઈ તેમાં એરોબિક ફરમેન્ટેશન કરી તેમાંથી મિથેન ગેસ છૂટો પાડીને પયુરિફિકેશન કરી તેને પાઈપ લાઈન દ્વારા CNG ગેસ પમ્પ ઉપર લઈ જઈને વાહનોમાં પૂરવામાં આવશે.

આ તમામ પ્રોસેસ વખતે છુટા પડેલા મિશ્રણને ઘન અને પ્રવાહી એમ અલગ-અલગ કરીને ઘન ભાગમાંથી વર્મી કમ્પોઝ તેમજ અન્ય ઓર્ગેનિક ખાતરો બનાવવામાં આવશે અને તેને ખેડૂતોને વેચવામાં આપશે.

બનાસકાંઠામાં બટાટાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને ઘણી વખત ભાવ ન મળતાં બટાકાને ફેંકી દેતા તે સડી જાય છે. જેનથી રોગચાળો ફેલાય છે. તેથી આ બાયોગેસ પ્લાન્ટમાં સડેલા બટાકા દ્વારા પણ ગેસ બનાવવાની પ્રોસેસ પણ રખાઈ છે. જેનો મોટો ફાયદો બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને થશે.

બનાસકાંઠાના તમામ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થાય તે માટે 25 ગામ દીઠ બનાસડેરી આવો એક પ્લાન્ટ લગાવશે અને ટૂંક સમયમાં જ બનાસડેરી સમગ્ર બનાસ જીલ્લામાં આવા 50 CNG પંપ ઉભા કરશે. જેના કારણે પશુપાલકોને મોટો ફાયદો થશે અને તેમની આવક બમણી થશે.

અને છાણના પૈસા મળતાં થતાં રખડતા ઢોર પણ લોકો છૂટા નહિ મુકે અને તેમને બાંધીને રાખશે. જે અન્ય ઢોરઢાંખરથી થતી મુશ્કેલીઓ દૂર કરશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here