નિષ્ફળતા: UNમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન-ચીનની જુગલબંધી નિષ્ફળ નીવડી

0
299

UNની સુરક્ષા પરિષદની એક અનૌપચારિક બેઠકમાં ભારતને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકવાના પાકિસ્તાન અને ચીનની જુગલબંધીના પ્રયાસને જબરદસ્ત ઝટકો લાગ્યો છે.

ન્યૂયોર્ક: યુનાઇટેડ નેશન્સ (UN) ખાતે ભારતને કાશ્મીર મુદ્દે ઘેરવાના પ્રયાસમાં આ વખતે પાકિસ્તાનને ચીનની મદદ પણ કામે આવી નથી. ગઈકાલે સુરક્ષા પરિષદની એક અનૌપચારિક બેઠકમાં ચીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી જેને અમેરિકા સહીત અન્ય દેશોએ નકારી દીધી હતી.

UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તીરુમૂર્તિએ Tweet કરીને આ અંગે માહિતી આપી હતી કે આ બેઠક અનૌપચારિક હતી અને બંધ બારણે મળી હતી જેનો કોઈ રેકોર્ડ પણ રાખવામાં આવ્યો ન હતો. તમામ દેશોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે અને તેનો ઉકેલ એ રીતે જ આવવો જોઈએ.

ગઈકાલે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની તેમજ રાજ્યના બે હિસ્સા કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ઘટનાને એક વર્ષ પૂરું થયું હતું. આ પ્રસંગે ભારતને UN જેવા વૈશ્વિક મંચ પર અપમાનિત કરવાના પ્રયાસમાં પાકિસ્તાને ચીનની મદદ લીધી હતી.

ચીનના પ્રતિનિધિએ જ ઉપરોક્ત બેઠકમાં અનૌપચારિક રીતે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમેરિકાના પ્રતિનિધિ તેમજ અન્ય દેશોના પ્રતિનિધિઓના ભારે વિરોધ બાદ આ મુદ્દો ચીને પડતો મૂક્યો હતો.

તમામ દેશોએ એકસૂરે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય હોવાને કારણે તેને આ મંચ (UN) પર ઉઠાવી ન શકાય. અગાઉ પણ ચીને પાકિસ્તાનની મદદ કરવા UNમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

અત્રે એ નોંધનીય છે કે આ પ્રકારની બેઠકોમાં થતી ચર્ચામાં કોઈજ પ્રકારની ગંભીરતા હોતી નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here