ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र (9): કાકાની ફિલ્મી ઇનિંગનો અંત પણ નિષ્ફળ!

0
414

ફિલ્મોમાં ભોગવેલા નસીબનું પ્રતિબિંબ હોય તેમ રાજેશને એ હકીકતને સમજવામાં ઘણો લાંબો સમય લાગ્યો કે, ફિલ્મોની જેમ, રાજકારણમાં પણ તેનો સુવર્ણ યુગ પૂર્ણ થઈ ગયો છે. તેણે છેવટ સુધી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મજબૂત સંબંધો જાળવી રાખ્યા અને આશા હતી કે રાજકારણમાં તેના ખુશીના દિવસો આસપાસ હશે.

રાજ્યસભામાં દરેક વખતે કોઈ સીટ ખાલી થાય ત્યારે રાજેશ ભાષણની તૈયારી શરૂ કરી દેતો કે કદાચ તેને હોદ્દા સ્વીકાર વખતે બોલવું પડે. ખન્ના-કોંગ્રેસના રોમાંસને જોતા, ઘણા એવું માને છે કે કોંગ્રેસ પાર્ટીએ રાજેશ ખન્નાનો દુરુપયોગ કર્યો છે; પરંતુ આ વાત ભારતની લોકશાહી માટે કોઈ નવી વાત નહોતી. આ દ્વારા આપણને ખ્યાલ આવી જ જાય કે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં રાજકારણ કેવી રીતે કાર્યરત છે.

સક્રિય રાજકારણમાંથી હાંકી કાઢ્યા બાદ રાજેશે વિરામ કરવાનું નક્કી કર્યું; પરંતુ ફક્ત ત્રણ જ વર્ષમાં ફિલ્મી દુનિયાની ઝાકમઝોળ તેને પાછો લઈ આવી. અને આ વખતે તેણે લગભગ બે દાયકા પહેલાં કોઈને આપેલા વચનને કારણે ઘરવાપસી કરી અને વચનબદ્ધ રાજેશ ના ન પાડી શક્યો.

***

‘આર.કે. ફિલ્મસ’ આ નામ રાજ કપૂર સાથે એટલી હદે જોડાયેલું હતું કે 1990 ના દાયકામાં ઉછરેલી એક આખી પેઢી માટે, શો-મેન રાજ કપૂરના મૃત્યુ બાદ આ બેનર વ્યવહારીક રીતે લગભગ બંધ જ થઈ ગયું હતું. 1991ની ફિલ્મ ‘હીના’ ની સફળતાએ (જેની માટે રાજ કપૂરના અવસાન બાદ રણધીર કપૂરે કમાન સંભાળેલી) ‘આર.કે.’ના બેનરને નવીનીકરણનો સંકેત આપ્યો પરંતુ જ્યારે 1996માં રાજીવ કપૂરનો દિગ્દર્શનનો પ્રથમ પ્રયાસ ‘પ્રેમ ગ્રંથ’ નિષ્ફળ ગયો, ત્યારે તે લગભગ નિશ્ચિત થઈ ગયું કે રાજ કપૂર વગર ‘આર. કે.’નું બેનર ટકી શકશે નહીં.

‘પ્રેમ ગ્રંથ’ ફિલ્મમાં સૌ પ્રથમ સંજય દત્તને મુખ્ય ભૂમિકા માટે નક્કી કરવામાં આવેલો. ત્યારે લોકોને એવું લાગ્યું કે આર.કે. બેનરની ફિલ્મમાં એક નવો તબક્કો શરૂ થશે કારણ કે ‘બૂટ પોલિશ’ (1954) ફિલ્મને બાદ કરતાં એવું પહેલી વાર બનેલું કે કોઈ બિન-કપૂરે કોઈ આર.કે. બેનરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હોત. આ ઉપરાંત, રાજ કપૂરના સંતાનો દ્વારા નિર્માણ અને નિર્દેશિત ફિલ્મમાં નરગીસના દીકરાની કાસ્ટિંગ એક રસપ્રદ બાબત બની હોત. પરંતુ 1993 ના બોમ્બે વિસ્ફોટોમાં સંજુબાબાની કથિત સંડોવણીએ તેને સતત કાયદાકીય કાર્યવાહીમાં ફસાવી દીધો અને તેની અટકાયતથી રિશી કપૂરને તે ફિલ્મ કરવી પડી.

છેવટે, આર.કે. ફિલ્મસના બેનર હેઠળ કપૂર સિવાયના કોઈ કલાકારને જોવાની જનતાની ઈચ્છા પૂરી થઈ જ્યારે રિશી કપૂરે નિર્દેશક તરીકે પોતાની પહેલી ફિલ્મની જાહેરાત કરી – ‘આ અબ લૌટ ચલે’. ફિલ્મમાં અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાયની મુખ્ય ભૂમિકા માટે પસંદગી થઈ. ફિલ્મ જાહેર થતાં જ ન્યુઝમાં આવી અને તેનું કારણ આ ફ્રેશ જોડી કે રિશી કપૂરની પહેલી નિર્દેશ કરેલી ફિલ્મ નહોતું. મિડીયાને વધુ ઉત્સુકતા એ વાતની હતી કે આ ફિલ્મમાં રાજેશ ખન્ના કામ કરવાના છે. રાજેશે આજ સુધી આર.કે. બેનરની એક પણ ફિલ્મમાં કામ કર્યુ નહોતું અને બોબી ફિલ્મ દરમિયાન રાજેશ રિશી ના અણબનાવોને કારણે તેમની દુશ્મની તો હતી જ. એટલે મિડીયાને ફિલ્મમાં વધુ રસ પડ્યો.

પોતાના ચાર બાળકોમાંથી રાજ કપૂરનો ફક્ત બીજો પુત્ર એવો હતો કે જેણે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી અને જે પોતાના પિતાના જીવનના પડછાયા તળે દબાયેલો ન રહ્યો. નામ તેનું રિશી કપૂર. પરંતુ જ્યારે તેમની પોતાની ફિલ્મ બનાવવાની વાત આવી ત્યારે તે તેના અતિ પ્રખ્યાત પિતાના પ્રભાવથી બચી શક્યો નહીં. 1999ની ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’ અને 1960ની ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ વચ્ચે એટલી હદે સામ્યતાઓ હતી અને રિશી કપૂરની દિગદર્શક તરીકેની પહેલી ફિલ્મનું શીર્ષક ‘આ અબ લૌટ ચલે’નામ પણ પેલી 1960ની ફિલ્મના એક ગીત પરથી રાખવામાં આવેલું. આ ફિલ્મ આર.કે. બેનરની 50મી ફિલ્મ હતી તેમ છતાં ‘આ અબ લૌટ ચલે’ એક તદ્દન જૂનવાણી અને 40 વર્ષ પહેલાં બનેલી ફિલ્મની રિમેક બની રહી ગઈ.

રાજેશ ખન્નાએ ફિલ્મમાં એક દમદાર પ્રદર્શન કર્યું અને ખૂબ ઉત્સુકતા સાથે અમેરિકામાં રહેતા એક હિન્દુસ્તાની પિતાની ભૂમિકા ભજવી. તેના પાત્રનું સ્વરૂપ આ ફિલ્મમાં ફક્ત શારીરિકતાથી આગળ વધીને દર્શકોને તેની મૌન શક્તિઓ દ્વારા અભિનય પૂરો પાડે છે. રાજેશના સંવાદો ફિલ્મના અંત સુધી ઓછામાં ઓછા રાખવામાં આવેલા, અને તે તેની આંખો અને ચહેરાના હાવભાવ દ્વારા દુ:ખ, વેદના અને શરમ વ્યક્ત થવા દે છે. પરંતુ રિશી કપૂરનો સાદગીભર્યો ઉપચાર ફિલ્મને ક્યારેય ક્લિશેથી ઉપર આવવા દેતો નથી.

રણધીર કપૂરને રાજેશ સાથે સારા સંબંધો હતા અને રાજેશ ખન્ના, આર.ડી. બર્મન અને કિશોર કુમારની ઘણી વાતોના રણધીર સાક્ષી હતો. તેમ છતાં, રિશી અને રાજેશ ક્યારેય એકમેક સાથે ‘કમ્ફર્ટેબલ’ ન હતા. રૂમી જાફરી, જેમણે ફિલ્મની વાર્તા લખી હતી તેઓ યાદ કરતાં કહે છે કે જ્યારે બલરાજની ભૂમિકા માટે રાજેશનું નામ સૂચવવામાં આવ્યું હતું, ત્યારે રણધીરે રિશીને ચેતવ્યો હતો કે રાજેશ જો પોતાની પ્રતિષ્ઠા જેવો અભિનય કરશે તો મુશ્કેલી વધશે પરંતુ ફિલ્મના ક્રૂ રાજેશના વ્યાવસાયીકરણને જોઈને આનંદથી આશ્ચર્યચકિત થઈ ગયેલા. જાફરીની જેમ, સિનેમેટોગ્રાફર સમીર આર્યા પણ રાજેશને મળયા ત્યારે તેનો પ્રેરણારૂપ ઉત્સાહ જોઈને રાજી થયેલા.

રાજેશની આ પહેલી ફિલ્મ હોય તે રીતે સેટ પર કામ કરતો. ન્યૂયોર્કના મેનહટનમાં શૂટીંગ ચાલુ હતી ત્યારે રાજેશ અચાનક સેટ પર આવી જતો. જે દિવસે રજા હોય કે તેનું શૂટીંગ ન હોય, તે દિવસે પણ રાજેશ સેટ પર આવીને પોતાના ડાયલોગની પ્રેક્ટિસ કરતો. લગભગ એક દાયકો થઈ ગયેલો, રાજેશ ખન્નાએ કોઈ મોટા બેનર સાથે કામ કરેલું નહીં અને આ તેની તક હતી. રાજેશ પોતાની હોટેલ રૂમમાં કલાકો સુધી રિહર્સલ કરતો. દરેક ડાયલોગ તે જુદા જુદા મૂડમાં બોલીને અજમાવતો અને પ્રત્યેક લાગણીમાં વિવિધતા આપતો, યોગ્ય ટોન શોધવાનો પ્રયત્ન કરતો. અભિનય કરતી વખતે આંસુ લાવવા માટે રાજેશે ક્યારેય ગ્લિસરીનનો ઉપયોગ કર્યો નહોતો. તે હંમેશા પૂછતોઃ તમને આ સીન માટે કેટલા આંસુની જરૂર છે?

રાજેશે ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મને બનાવતી વખતે ખૂબ આનંદ માણ્યો અને આશા વ્યક્ત કરી કે તે એક અભિનેતા તરીકે એક નવા તબક્કામાં પ્રવેશ કરશે. 60 માં જન્મદિવસના થોડા વર્ષો પહેલા, રાજેશ ઈચ્છતો હતો કે તેની આ ફિલ્મ દુનિયાને બતાવી દે કે કોઈ પણ જાતની ઉંમરલાયક કે ચરિત્ર ભૂમિકાઓ ભજવવામાં તે શરમાતો નથી કે એવી કોઈ ભૂમિકાઓ ભજવવાનો વિરોધ કરતો નથી. લગભગ નવ વર્ષ પહેલાં, તેમણે ‘સ્વર્ગ’ ફિલ્મમાં એક સમાન પાત્રની ભૂમિકા ભજવી હતી, પરંતુ, તે વખતની જેમ, હવે તેની પાસે કોઈ રાજકીય વૈકલ્પિક કારકિર્દી નહોતી. તેની પરિચિત સિનેમાની દુનિયામાં પાછા ફરવા માટે તે તત્પર હતો, પરંતુ ‘આ અબ લૌટ ચલે’ની નિષ્ફળતાએ તેના ઉજ્જવલ ભવિષ્ય માટેનો અવકાશ ઘટાડી દીધો.

છેવટે, 21 વર્ષ જૂનું વચન પૂરું પાડતી અને રાજેશની ‘આર.કે.’ બેનરની પહેલી ફિલ્મ તે બેનરની છેલ્લી રજૂઆત બની રહી. આ ફિલ્મ પછી ‘આર.કે.’ ફિલ્મ્સની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નહીં.

***

હિંદી સિનેમાને એવી આશા હતી કે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના જેવા કલાકારો હવે ચરિત્ર અભિનય કરતા થાય. રાજેશ ખન્નાએ ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મમાં એક નવા પ્રકારનાં વરિષ્ઠ અભિનેતાનો પ્રારંભ કર્યો અને કુલભૂષણ ખરબંદા કે અમરીશ પુરી દ્વારા ભજવાતા પાત્રોને તેણે એક નવી દિશા આપી પરંતુ ફરી એકવાર અમિતાભ બચ્ચને રાજેશને હરાવી દીધો.

1990 ના દાયકાની શરૂઆતમાં ‘અગ્નિપથ’ ફિલ્મે જેમ અમિતાભ બચ્ચનને બીજી ઈનિંગ આપી તે જ રીતે ‘આ અબ લૌટ ચલે’ દ્વારા રાજેશ ખન્નાને બીજી ઈનિંગ મળવાની પૂરેપૂરી આશા હતી. આ આશા કદાચ પૂરી થઈ હોત તો જો આદિત્ય ચોપડાએ પોતાની એક ફિલ્મ માટે અમરીશ પુરીને બદલે અમિતાભ બચ્ચનને ન લીધા હોત. પરંતુ 2000ના વર્ષે અમિતાભની ફિલ્મ ‘મહોબ્બતે’ રિલીઝ થઈ. ‘મોહબ્બતે’ સાથે જ અમિતાભે ટેલિવિઝનના પડદે ‘કૌન બનેગા કરોડપતિ’ નામના શો સાથે પદાર્પણ કર્યું અને રાજેશ ખન્નાની થોડી ઘણી આશાઓ પર પાણી ફરી ગયું.

રાજેશ ખન્નાની આસપાસના લોકો પણ હવે બદલાઇ રહ્યા હતા. મોટે ભાગે મોહક રોલ કર્યાના લગભગ 15 વર્ષ પછી, ડિમ્પલ કાપડિયાએ ‘દિલ ચાહતા હૈ’ (2001) અને ‘લીલા’ (2002) જેવી ફિલ્મો સાથે ચરિત્ર ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યુ. મોટી દીકરી ટ્વિંકલે અક્ષય કુમાર સાથે લગ્ન કરીને ફિલ્મોને વિદાય આપી. વર્ષ 2002 માં, અક્ષય અને ટ્વિંકલે પહેલા પુત્ર આરવને જન્મ આપ્યો. રાજેશને પહેલીવાર નાના બન્યાનો અઢળક આનંદ થયો.

નવી સદીમાં રાજેશ ખન્નાની પહેલી રજૂઆત ‘પ્યાર જિંદગી હૈ’ નામની ફિલ્મ હતી જે કોઈ પણ રસ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગઈ. જે સમયે ફિલ્મના કલાકારોના નામના આધારે ફિલ્મોનું માર્કેટિંગ કરવામાં આવતું હતું ત્યારે મોહનીશ બહેલ, વિકાસ કલંતરી અને આશિમા ભલ્લાની હાજરી ‘પ્યાર જિંદગી હૈ’નું ભાગ્ય બદલી શક્યું નહીં. તે પછીની રજૂઆત, ‘ક્યા દિલ ને કહા’ (2002) ફિલ્મમાં તુષાર કપૂર અને એશા દેઓલ, જે રાજેશ ખન્નાના નજીકના બે સહ-કલાકારો, જીતેન્દ્ર અને હેમા માલિનીનાં સંતાન હતાં; તેમ છતાં ફિલ્મ ફ્લોપ ગઈ. વર્ષ 2003માં અમિતાભ-હેમા માલિનીએ એક ફિલ્મ કરી જેની વાર્તા રાજેશ ખન્ના-શબાના આઝમીની ફિલ્મ ‘અવતાર’ જેવી જ હતી અને તે ફિલ્મ હતી ‘બાગબાન’ (ગયા અંકમાં પૂછેલા પ્રશ્નનો જવાબ).

પોતાની સમગ્ર કાર્યકારી કારકીર્દિમાં, રાજેશ ખન્નાએ બહુ ઓછા લોકો સાથે વ્યક્તિગત જોડાણ બનાવેલું. જેમાં કિશોર કુમાર, આર.ડી. બર્મન અને આનંદ બક્ષીનો સમાવેશ થતો. 2002 માં આનંદ બક્ષીના નિધનથી રાજેશ અંદરથી તૂટી ગયો. 1980 ના દાયકાના મધ્યભાગથી રાજેશ ખન્ના અને આનંદ બક્ષી એકબીજાના સંપર્કમાં નહોતા તેમ છતાં બક્ષીના અંતિમ સંસ્કાર દરમ્યાન રાજેશ વિખેરાઈ ગયો.

રાજેશે હવે નવી દિલ્હીમાં વધુ સમય ગાળવાનું શરૂ કર્યું અને કોંગ્રેસ પક્ષને પોતાની સેવા આપવાનું ચાલુ રાખ્યું; પરંતુ તેના હાથમાં કંઈ જ આવ્યું નહીં. કોંગ્રેસના કટ્ટર સપોર્ટર રાજેશ સોનિયા ગાંધીના ‘વિદેશી’ હોવાની બાબતે જાહેરમાં સમર્થન આપનારા પ્રથમ સભ્યોમાંના એક હતા. રાજેશે કહેલું કે જો ભારતીયો ઍની બેસંટ અને મધર ટેરેસાને પોતાના માની શકે, તો સોનિયા કોંગ્રેસનું નેતૃત્વ કરે છે તે મામલે કંઈ ખોટું નથી. કોંગ્રેસે રાજેશની સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ જ્યારે ચૂંટણી પ્રચાર સિવાયની બાબતો આવે ત્યારે કોંગ્રેસે તેની સાથે હંમેશા અન્યાય જ કર્યો.

અસ્પષ્ટ વ્યાવસાયિક, વ્યક્તિગત અને રાજકીય બાબતો ઉપરાંત, રાજેશ હવે અમુક પ્રકારની નાણાકીય તાણમાં પણ આવી ગયો હતો. ‘આ અબ લૌટ ચલે’ની નિષ્ફળતા પછી રાજેશે પોતાની ઈમ્પોર્ટેડ કારને વેચીને મારુતિ 800 ખરીદેલી અને 555 સિગારેટના પેકેટને બદલે સસ્તી ગોલ્ડ ફ્લેક્સ વાપરવાનું શરૂ કર્યું. તેના નજીકના મિત્રોએ રાજેશને સલાહ આપેલી કે આવા સમયે આટલો મોંઘો અને મોટો બંગલો રાખવાની શી જરૂર છે? જીવતો લાખનો તો મરેલો હાથી સવા લાખનો હોય છે.

***

21 મી સદીની શરૂઆતમાં, રાજેશે ‘લાઈફટાઈમ અચિવમેન્ટ’ એવોર્ડ એકત્રિત કરવાનું શરૂ કર્યું, જે તેનો સમય પૂરો થવાનું વધુ એક રીમાઇન્ડર હતું. શર્મિલા ટાગોર, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, રેખા, મુમતાઝ, વિનોદ ખન્ના, હેમા માલિની અને ફિરોઝ ખાનને આ સન્માન મળેલું તેના લાંબા ગાળા પછી રાજેશ ખન્નાને 2005 માં ફિલ્મફેર દ્વારા લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો. ફિલ્મફેર એવોર્ડ્સની આ વિશિષ્ટ કેટેગરી 1991 માં શરૂ થયેલી અને પહેલે જ વર્ષે અમિતાભ બચ્ચનને આશ્ચર્યજનક રીતે આ એવોર્ડ મળેલો. તે જ વર્ષે (1991 માં), રાજેશ ખન્નાને ફિલ્મ જગતમાં 25 વર્ષ પૂર્ણ કરવા માટે વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

2006માં ‘જાના: લેટસ ફોલ ઈન લવ’ ફિલ્મ માટે અનપેક્ષિત રીતે રાજેશ અને ઝીનત અમાને કામ કર્યું. આ જમાનો હવે ઈન્ટરનેટનો હતો એટલે અકલ્પ્યપણે ઇલેક્ટ્રોનિક મીડિયા પર ઘણું ફૂટેજ મળ્યું. પરંતુ ફિલ્મ ન ચાલી.

રાજેશની આર્થિક સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ હતી અને એવી વાતો ફેલાવા લાગી કે આખરે આશિર્વાદ વેચવાની તૈયારી શરૂ કરી. આવકવેરા વિભાગે પણ રાજેશ પર દોઢ કરોડ રુપિયાની નોટિસ ફટકારી હતી તે સમાચારોએ આખરે આ વાતને સાચી ઠેરવી હતી. તે સમયે સલમાન ખાને રાજેશ ખન્નાને ફોન કરીને કહ્યું કે તેનો ભાઈ અભિનેતા-નિર્માતા સોહેલ ખાન તેની સાથે કંઈક ચર્ચા કરવા માંગે છે. સલમાન અને સોહેલ આશીર્વાદ ખરીદવામાં રસ ધરાવતા હતા. સોહેલે એમ પણ કહેલું કે સલમાન રાજેશ ખન્નાની ફિલ્મ પ્રોડક્શન કંપની માટે એક ફિલ્મ પણ કરશે – એકદમ મફતમાં! છતાં તે સોદો થયો નહીં.

ફાઈનલી, 2008ના વર્ષમાં રાજેશ ખન્નાએ ‘વફાઃ અ ડેડલી લવ સ્ટોરી’ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો. તેણે એક એવી ભૂમિકા શોધવાનું શરૂ કર્યું જે તેનામાં રહેલા અભિનેતાની કસોટી કરે. પરંતુ સામા પક્ષે અમિતાભ બચ્ચને ‘નિશબ્દ’ ફિલ્મ કરી. બંને ફિલ્મની વાર્તા સરખી હતી જેમાં આધેડ વયના પુરુષને એક યુવાન સ્ત્રી સાથે પ્રેમ થઈ જાય છે પરંતુ ‘નિશબ્દ’ એક માસ્ટરપીસ હતી અને વફા એક બી-ગ્રેડની ફિલ્મ જેવી દેખાઈ. અમિતાભ અને જિયા ખાનની જોડી સામે રાજેશ-લૈલા ખાનની જોડી જરાય જ જામી.

2009માં, રાજેશને બીજો લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો, પરંતુ આ ખરેખર એક ખાસ એવોર્ડ હતો. રાજેશ આ એવોર્ડ લેવા અને આઇફા (IIFA)માં ભાગ લેવા મકાઉ ગયો અને આ એવોર્ડ તેને અમિતાભ બચ્ચનના હાથે મળ્યો. જે તેનો સૌથી મોટો હરીફ, તેનો સૌથી પ્રખ્યાત પડકાર હતો. તેઓ ખાનગીમાં એકબીજા વિશે કેવું અનુભવે છે તે ધ્યાનમાં લીધા વિના, બંને ભાઈઓની જેમ ગળે લાગ્યા. આ બેઠક વર્ષોથી પહેલી બેઠક હતી અને હિન્દી સિનેમાના બે સુપરસ્ટાર એક મંચ પર સાથે હતા. રાજેશે પ્રાપ્ત કરેલા અન્ય એવોર્ડ કરતા આઇફાના આ સન્માનની તેને વધુ કિંમત હતી, અને તે એકમાત્ર ટ્રોફી હતી, જે તેણે છેલ્લે સુધી સાથે રાખીને પ્રદર્શિત કરી. તે બધાને કહેતો – યે એવોર્ડ મુઝે અમિતાભ બચ્ચન ને દિયા હૈ!

નવા સહસ્ત્રાબ્દીના પ્રથમ દાયકાના અંત સુધીમાં, ફિલ્મ જગત રાજેશમાંથી રસ ગુમાવી ચૂક્યું હતું. અખબારોએ હજી પણ તેના નાદારી અને તેના કથિત લીવ-ઈન પાર્ટનર અનિતા અડવાણી વિશે વાત કરી; પરંતુ સુપરસ્ટારની જેમ, આ વાર્તાઓએ પણ ખૂબ જલ્દીથી અપીલ ગુમાવી દીધી. અક્ષય કુમારે રાજેશ ખન્નાના વધતા દેવાની ચુકવણી કરી હોવાના અહેવાલોએ તેની નાણાકીય મુશ્કેલીઓ અંગેની અટકળોને એક નવા સ્તરે પહોંચાડી.

છેલ્લે, જેમણે રાજેશના હરીફને એક અલગ લેવલ પર પહોંચાડ્યો, એવા આર. બાલ્કી એક ઑફર લઈને આવ્યા. રાજેશ ખન્ના આ ઑફરને ઠુકરાવી ન શક્યા. આ એ જ બાલ્કી છે જેમણે ‘ચીની કમ’ ફિલ્મમાં અને ‘પા’ ફિલ્મમાં અમિતાભને ચમકાવ્યા હતા. હવે તેણે હેવલ્સ પંખાની જાહેરાતમાં રાજેશને લેવાનું નક્કી કર્યુ. માનવામાં ન આવે એવી વાત છે કે રાજેશ ખન્નાની આ પહેલી ટીવી જાહેરાત હતી, જેમાં તેણે અભિનેતા તરીકેના પિસ્તાલીસ વર્ષો ફરી જીવંત કર્યા.

ક્યા જવાબ હૈ આપકા?

રાજેશ ખન્નાએ પોતાના જીવન દરમિયાન ફક્ત એક જ ટી.વી. સિરીયલમાં કામ કરેલું, તેનું નામ શું?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here