વિવાદ: સોનિયા ગાંધીનો પત્ર શશી થરૂરના ઘરેથી લખવામાં આવ્યો હતો?

0
330

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક અગાઉ મિડીયામાં લીક થયેલા એક પત્રથી કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હતો જેણે રાહુલ ગાંધીને પણ ગુસ્સે કરી દીધા હતા. હવે આ પત્ર ક્યારે અને ક્યાં લખવામાં આવ્યો હતો તે સામે આવ્યું છે.

નવી દિલ્હી: થોડા દિવસો અગાઉ કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠક મળી તેના એક દિવસ અગાઉ જ મિડિયામાં એક પત્ર લીક થયો હતો. આ પત્રમાં 23 વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનોની સહી હતી જેમાં કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને ઉદ્દેશીને કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

હવે સમાચાર મળી રહ્યા છે કે આ પત્ર પાંચ મહિના અગાઉ જ લખવામાં આવ્યો હતો અને તે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી શશી થરુરના ઘરે મળેલી ડિનર પાર્ટી બાદ લખાયો હતો. આ પ્રકારનો પત્ર આ જ પ્રસંગે લખવામાં આવ્યો હોવાનો સ્વીકાર એક અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ કર્યો છે.

સિંઘવીએ જણાવ્યું હતું કે આ પાર્ટીમાં કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવાની જરૂર હોવાની ચર્ચા પણ થઇ હતી. જાણવા મળ્યા અનુસાર વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જેઓ ગાંધી પરિવારથી ખૂબ નજીક છે તેવા પી. ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, મણિશંકર ઐયર અને સચિન પાયલોટે આ પત્ર પર હસ્તાક્ષર કરવાથી ઇનકાર કરી દીધો હતો.

મણિશંકર ઐયરના જણાવ્યા અનુસાર આ પાર્ટીમાં કેવી રીતે કોંગ્રેસ હવે ફરીથી સેક્યુલરિઝમ તરફ પરત થાય તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.  ઉપરોક્ત પત્રમાં અનેક વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો જેમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબલ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણ સામેલ છે તેમણે સહી કરી હતી.

CWCની બેઠક દરમ્યાન રાહુલ ગાંધીએ ઉપરોક્ત પત્રમાં સહી કરનાર આગેવાનો ભાજપ સાથે મળીને કાર્ય કરતા હોવાનો આરોપ મૂક્યો હોવાની વાત બહાર આવી હતી. તેના જવાબમાં દુઃખ વ્યક્ત કરતી Tweet કપિલ સિબલે કરી હતી.

બાદમાં રાહુલ ગાંધીએ તેમણે જે કહ્યું તેમાં કપિલ સિબલ સામેલ ન હોવાની સ્પષ્ટતા કરતા સિબલે તે Tweet ડીલીટ કરી દીધી હતી. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ અને CWCની બેઠકના અંતે સોનિયા ગાંધીને જ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાળવી રાખવાના નિર્ણયથી કોંગ્રેસમાં બધું સારું ન હોવાનું સાબિત થયું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here