આઝાદ: CWCમાં અપોઈન્ટમેન્ટ કાર્ડ ધરાવનારાઓ અમારો વિરોધ કરે છે

0
428

ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આરોપ સહન કરી ચૂકેલા ગુલામ નબી આઝાદે આજે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં ઘણી મહત્ત્વની વાતો કરી છે.

નવી દિલ્હી: થોડા દિવસ અગાઉ મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબલની સાથે આરોપ સહન કરી ચુકેલા રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે આજે પોતાનું મંતવ્ય રજુ કર્યું છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં ગુલામ નબી આઝાદે કોંગ્રેસનું ધરમૂળથી પરિવર્તન કેવી રીતે લાવવું તે અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા.

આઝાદનું કહેવું હતું કે જો કોંગ્રેસને પુનર્જીવિત કરવી હશે તો સમગ્ર વર્કિંગ કમિટીમાં ‘અપોઈન્ટેડ’ નહીં પરંતુ ‘ઈલેક્ટેડ’ સભ્યો હોવા જરૂરી છે. જો રાજ્યના સ્તરથી જ દરેક કમિટીમાં ચૂંટાયેલા સભ્યો હશે તો જ કોંગ્રેસમાં અંદરથી પરિવર્તન આવવાની શરૂઆત થશે જે છેવટે કોંગ્રેસ માટે જ યોગ્ય હશે.

આઝાદ એ કોંગ્રેસી આગેવાનોમાં સામેલ હતા જેમણે પાંચ મહિના અગાઉ શશી થરુરની ડિનર પાર્ટીમાં ભાગ લીધો હતો અને એ પત્ર પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા જેમાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને કોંગ્રેસમાં મૂળમાંથી જ પરિવર્તન લાવવાનું આહ્વાન કર્યું હતું.

જો કે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ પત્રને સોનિયા ગાંધીને હેરાન કરવા માટે તેમજ તેમાં સહી કરનારા કોંગ્રેસીઓ ભાજપા સાથે મળી ગયા હોવાનો આરોપ CWCમાં જ કર્યો હતો. આ બાબતે કપિલ સિબલે Tweet કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું ત્યારબાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમનો ઈશારો ન તો સિબલ તરફ હતો કે ન તો આઝાદ તરફ.

ગુલામ નબી આઝાદે પોતે આપેલા ઇન્ટરવ્યુમાં કટાક્ષ કર્યો હતો કે હાલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં જે સભ્યો અપોઈન્ટમેન્ટ કાર્ડ લઈને આવ્યા છે તેઓ જ તેમનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં અધ્યક્ષ પોતાના મનગમતા સભ્યોને નિયુક્ત કરતા હોય છે, તો કેટલાક સભ્યોને બેઠકમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવતું હોય છે.

જાણવા મળ્યા અનુસાર વરિષ્ઠ કોંગ્રેસીઓ યુવા કોંગ્રેસીઓને પક્ષનો કાર્યભાર સોંપવા માટે તૈયાર નથી તો મોટાભાગના કોંગ્રેસીઓ ગાંધી પરિવારની બહારનો અધ્યક્ષ પસંદ નથી કરતા. આવા સંજોગોમાં ગુલામ નબી આઝાદનું તાજું નિવેદન ઘણું મહત્ત્વ ધરાવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here