ફિલીપીન્સની ચીમકી: જો ચીને કોઈ અવળી હરકત કરી છે તો…

0
335

દક્ષિણ ચીન સમુદ્ર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી ગયો છે, હવે આ મામલે અધિકારક્ષેત્રની દ્રષ્ટિએ ચીન સામે ફિલીપીન્સે શિંગડા ભરાવતા તેને કડક ચેતવણી પણ આપી દીધી છે.

મનીલા: દક્ષિણ ચીન સમુદ્રમાં હાલમાં ચીન અને ફિલીપીન્સ વચ્ચે જબરું ટેન્શન ચાલી રહ્યું છે. આ દરમ્યાન ફિલીપીન્સે ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં તેના સમુદ્રી જહાજો સાથે કોઇપણ અવળચંડાઇ કરવાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

ફિલીપીન્સે કહ્યું છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં જો ચીની નેવીએ ફિલીપીન્સના એક પણ યુદ્ધ જહાજને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી છે તો તે અમેરિકા સાથેની તેની સંધીને લાગુ કરશે. અમેરિકા સાથે ફિલીપીન્સે 1951માં એક સંધી કરી હતી જે અનુસાર બંનેમાંથી એક પણ દેશ પર કોઈ ત્રીજા દેશનો હુમલો પોતાના પરનો હુમલો ગણાવવામાં આવશે અને બંને દેશ એકબીજાની સૈન્ય મદદ કરવા માટે વચનબદ્ધ બનશે.

ફિલીપીન્સના વિદેશમંત્રી ટીયોડોરો લોક્સીન જુનિયરે કહ્યું છે કે તેમનો દેશ દક્ષિણ ચીન પર પોતાનું હવાઈ સર્વેક્ષણનું કાર્ય ચાલુ રાખશે. જો કે ચીને આ હવાઈ સર્વેક્ષણને ગેરકાયદેસરની ઉશ્કેરણી ગણાવી છે.

લોક્સીન જુનિયરે ચીનના આરોપના જવાબમાં જણાવ્યું હતું કે,

ચીન તેને ગેરકાયદેસરની ઉશ્કેરણી ગણાવી શકે છે કારણકે તેમનું મન અમે બદલી શકતા નથી, પરંતુ હકીકત એ છે કે તેઓ દક્ષિણ ચીન સમુદ્ર પરનો અધિકાર અગાઉથી જ ગુમાવી ચૂક્યા છે.

2016ના એક આંતરરાષ્ટ્રીય ચુકાદા અનુસાર ચીન દક્ષિણ ચીન સમુદ્ર પરનો પોતાનો અધિકાર ગુમાવી ચૂક્યું છે.

લોક્સીન જુનિયરે ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ફરી રહેલા તેમના યુદ્ધ જહાજોને ચીન દ્વારા જરા પણ નુકશાન થયું તેનો મતલબ એક જ થશે કે અમારે વોશિંગ્ટન ડી.સી. ને મદદ માટે બોલાવવું પડશે.

લોક્સીન જુનિયરનું આ નિવેદન ચીન દ્વારા દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલા સ્કારબરો શોલ નજીક માછલી પકડવાના એક ફિલિપિન વેસલને તેમજ માછલી પકડવાના સાધનોને જપ્ત કર્યા બાદ આવ્યું છે. આ જપ્તીનો રાજદ્વારી વિરોધ જ્યારે ફિલીપીન્સે કર્યો ત્યારે ચીને ફિલીપીન્સનો આ વિરોધ અયોગ્ય હોવાનું કહીને તેને ફગાવી દીધો હતો.

દક્ષિણ ચીન સમુદ્ર પર ચીન પોતાનો ઐતિહાસિક અધિકાર હોવાનો દાવો કરતું આવ્યું છે પરંતુ તેનો ફિલીપીન્સ ઉપરાંત મલેશિયા, તાઈવાન, વિયેતનામ અને બ્રુનેઇ વિરોધ કરતા આવ્યા છે. સ્કારબરો શોલને પણ ચીને 2016માં પોતાના તાબામાં લઇ લીધું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here