કોંગ્રેસનું કમઠાણ: “પાર્ટીમાં શશી થરુર મહેમાન કલાકારથી વિશેષ નથી!”

0
572

દેશની સહુથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો વિખવાદ હવે રાષ્ટ્રીય સ્તરેથી નીચે ઉતરીને રાજ્ય સ્તરે પહોંચ્યો છે જેની પુષ્ટિ કેરળના એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાના તાજા નિવેદને આપી છે.

નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલેકે CWCની બેઠકમાં સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય થઇ ગયો હોવા છતાં કોંગ્રેસનું કમઠાણ હજી બંધ થવાનું નામ નથી લઇ રહ્યું.

અગાઉ પણ વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો જેવાકે ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ જાહેરમાં પોતાની નારાજગી દર્શાવી ચૂક્યા છે અને હવે લોકસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક અને કેરળના સંસદ સભ્ય કે સુરેશે પોતાના જ રાજ્યના અન્ય સંસદ સભ્ય શશી થરુર પર નિશાન તાક્યું છે.

કે સુરેશે વિવિધ મિડિયા સંસ્થાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે,

શશી થરુર એ રાજકારણી નથી. તેઓ 2009માં એક મહેમાન કલાકાર તરીકે કોંગ્રેસમાં આવ્યા હતા અને અત્યારે પણ તેઓ મહેમાન કલાકારથી વિશેષ કશું જ નથી. તેઓ એક વૈશ્વિક નાગરિક હોઈ શકે છે, તેમની પાસે અખૂટ જ્ઞાનનો ભંડાર પણ હોઈ શકે છે પરંતુ તેમના કાર્યો રાજકીય રીતે બાલીશ હોય છે.


કે સુરેશનું આ નિવેદન માત્ર કેન્દ્રીય સ્તરે જ નહીં પરંતુ કેરળ જેવા રાજ્યમાં જ્યાં કોંગ્રેસ હજીપણ મજબૂત પરિસ્થિતિમાં છે ત્યાં પણ અંદરોઅંદરની લડાઈ સામે લાચાર હોવાનું સાબિત કરે છે.

બે દિવસ અગાઉ જ શશી થરૂરે કહ્યું હતું કે તેઓ CWCની બેઠક બાદ 4 દિવસે પોતાનું મોઢું ખોલી રહ્યા છે અને જ્યારે કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે હવે કોઈ વિવાદ રહ્યો નથી તો તમામ કોંગ્રેસીઓનું એ કર્તવ્ય બને છે કે તેઓ ભેગાં મળીને પાર્ટી માટે કાર્ય કરવા માંડે.  હું મારા તમામ સાથીદારોને આ સિદ્ધાંતને અનુસરતાં આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકવાનો અનુરોધ કરું છું.

અત્રે એ નોંધનીય છે કે સમગ્ર વિવાદ પાંચ મહિના અગાઉ સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખાયેલા એક પત્રથી શરુ થયો હતો અને આ પત્ર શશી થરુરના ઘેર મળેલી એક ડિનર પાર્ટી દરમ્યાન લખાયો હોવાનું જાણવા મળે છે. આ પત્રને કારણે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુલામ નબી આઝાદ અને કપિલ સિબલ પર રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

ગઈકાલે ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસને ફરીથી બેઠી કરવા રાજ્ય સ્તરથી CWC સુધી ચૂંટાયેલા સભ્યોને જ મહત્ત્વ આપવાની વાત કરતા CWCમાં એપોઇન્ટમેન્ટ પાસની પદ્ધતિ નાબૂદ કરવાની વાત કરી હતી. આઝાદે ચેતવણી પણ આપી હતી કે જો કોંગ્રેસ આમ નહીં કરે તો આવનારા 50 વર્ષ સુધી તેણે વિપક્ષમાં જ બેસવું પડશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here