પ્રણબ મુખરજી: સહમતીના રાજકારણના શહેનશાહ

0
381
Photo Courtesy: financialexpress.com

સ્વ. પ્રણબ મુખરજીએ ભારતીય રાજકારણમાં લાંબો સમય ગાળ્યો છે. એક જ પક્ષને વફાદાર રહ્યા હોવા છતાં તેઓ ભારતના સમગ્ર રાજકીય ફલકમાં લોકપ્રિય હતા. પ્રણબ’દાને શ્રદ્ધાંજલિ!

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીનું હમણાં થોડા જ સમય અગાઉ અવસાન થયું છે. પ્રણબ’દાના લાડકા નામે ઓળખાતા મુખરજીએ અડધી સદીથી પણ લાંબી રાજકીય ઇનિંગ રમી હતી. તેઓ સંસદ સભ્યથી માંડીને કેબિનેટ મીનીસ્ટર, પ્લાનિંગ કમીશનના અધ્યક્ષ અને છેલ્લે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એટલેકે રાષ્ટ્રપતિ પદે પણ રહ્યા હતા.

પ્રણબ મુખરજી 2012માં જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળ UPAનું શાસન હતું અને કોઈને પણ આશા ન હતી કે તેઓ ભાજપાના નેતૃત્ત્વ હેઠળના NDAના નેતા નરેન્દ્ર મોદી સાથે પણ સુમેળભર્યા સબંધો બનાવી રાખશે. કદાચ રાજકારણમાં સહમતીની તેમની લાગણીએ જ તેમના માટે NDAના શાસન દરમ્યાન જ માર્ગ મોકળો કરી આપ્યો હશે. આ જ NDAની સરકારના કાર્યકાળ દરમ્યાન અને પોતાની રાષ્ટ્રપતિ તરીકેની નિવૃત્તિ બાદ તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનવામાં આવ્યા હતા.

સહમતી એ પ્રણબ’દાનો કદાચ સ્વભાવ ભલે હતો પરંતુ તેઓ દરેક મુદ્દે પોતાના અંતરાત્માના અવાજ વિરુદ્ધ સહમતી કરી જ લેવી તેવું ક્યારેય ન કરતા. તેમના આ વલણનો અનુભવ બે વખત ખાસ જોવા મળ્યો હતો. એક વખત ત્યારે જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમને વડાપ્રધાન ન બનાવવામાં આવતા લગભગ બે વર્ષ બાદ તેમણે કોંગ્રેસ છોડીને પોતાનો પક્ષ સ્થાપ્યો હતો.

બીજું ઉદાહરણ ત્યારે મળે છે જ્યારે રાષ્ટ્રપતિ હોવા છતાં તેઓ RSSના મુખ્યાલયની મુલાકાતે ગયા હતા. આ સમયે કોંગ્રેસીઓએ તેમના વિરુદ્ધ જબરો દુષ્પ્રચાર ફેલાવ્યો હતો પરંતુ પ્રણબ મુખરજી પોતાના નિર્ણય પર ટકી રહ્યા હતા. આ જ પ્રણબ મુખરજીએ સોનિયા ગાંધીને 2004થી 2014 દરમ્યાન સરકાર ચલાવવામાં પૂરી મદદ કરી હતી એટલુંજ નહીં પરંતુ તે સમયે વડાપ્રધાન તરીકે મનમોહન સિંહની પસંદગી યોગ્ય હોવાનું તેમણે વારંવાર ભારપૂર્વક કહ્યું હતું.

UPAના 2004થી 2014ના દસ વર્ષના સમયગાળામાં તેમણે પહેલા રક્ષા અને બાદમાં વિદેશ એમ એક થી વધુ મંત્રાલયો સંભાળ્યા હતા. આટલું જ નહીં પ્રણબ’દા સંસદના બંને ગૃહો એટલેકે રાજ્યસભા અને લોકસભાના નેતા તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા હતા.

આ ઉપરાંત પ્રણબ મુખરજીએ તે સમયના યોજના આયોગના પ્રમુખ તરીકે તેમજ IMF, ADB અને આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના બોર્ડનું સભ્યપદ પણ શોભાવ્યું હતું.

પ્રણબ મુખરજીના વાંચન અને જ્ઞાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફેન હતા. તેમણે વારંવાર કહ્યું છે કે પ્રણબ મુખરજી સાથે અડધો કલાક ગાળીએ તો એક આખું પુસ્તક વાંચીએ એટલું અઢળક જ્ઞાન વ્યક્તિને મળતું હોય છે.

પ્રણબ મુખરજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here