ખેંચતાણ: રાહુલ ગાંધીનો નવો આઈડિયા સિનિયરોનો ભોગ લઇ લેશે

0
326

દેશની સહુથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસની ખેંચતાણ વચ્ચે એક સમાચાર એવા આવી રહ્યા છે કે રાહુલ ગાંધીએ એક એવો આઈડિયા આપ્યો છે જેના કારણે પાર્ટીના સિનિયરોને તેમનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ શકે છે.

નવી દિલ્હી: કોંગ્રેસમાં ચાલી રહેલી અંદરોઅંદરની ખેંચતાણ દિવસેને દિવસે વધી રહી છે. તાજા સમાચાર અનુસાર પાર્ટીના નેતાઓ વચ્ચેની તાજેતરની એક વિડીયો કોન્ફરન્સમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે આઈડિયા આપ્યો છે તેનાથી કોંગ્રેસમાં સિનીયર અને જુનિયર વચ્ચેનો અણબનાવ વધી જઈ શકે તેમ છે.

રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આઈડિયા આપ્યો હતો કે કોંગ્રેસના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સભ્યોને ભવિષ્યમાં પક્ષ કે સંસદ અને વિધાનસભાઓમાં પદ લેવાથી દૂર રાખવા જોઈએ એટલેકે તેમને ફરજીયાત નિવૃત્ત કરી દેવા જોઈએ. જો રાહુલ ગાંધીનો આ આઈડિયા કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વીકારી લેવામાં આવે તો કેટલાય વરિષ્ઠ કોંગ્રેસીઓએ પોતપોતાના પદ પરથી હાથ ધોવાનો વારો આવી શકે છે.

આ વરિષ્ઠ કોંગ્રેસીઓમાં સોનિયા ગાંધીના વિશ્વાસુ અહમદ પટેલ, રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય જાણીતા અને વરિષ્ઠ સભ્યો જેવા કે મોતીલાલ વ્હોરા, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, કેપ્ટન અમરિંદર સિંગ, અશોક ગેહલોત, પી ચિદમ્બરમ, કમલનાથ તેમજ ભુપિન્દર હુડ્ડાને પણ ભવિષ્યમાં કોઇપણ પ્રકારનું પદ સ્વીકારવામાં તકલીફ પડી શકે છે.

જો કે આ તમામ વરિષ્ઠ કોંગ્રેસીઓ એક બાબતે રાહતનો શ્વાસ લઇ શકે છે કે રાહુલ ગાંધીના માતા અને હાલના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પોતે 72 વર્ષના છે અને તેમણે હજી સુધી રાહુલ ગાંધીના આઈડિયાને સ્વીકાર્યો નથી. રાહુલ ગાંધી પોતાના માતાએ પણ અન્ય વડીલ કોંગ્રેસીઓ સાથે નિવૃત્ત થઇ જવું જોઈએ કે કેમ એ અંગે ખુલાસો કર્યો નથી.

ગયા અઠવાડિયે મળેલી CWCની બેઠકમાં ઘણા લાંબા સમયથી સિનીયર અને જુનિયર કોંગ્રેસી સભ્યો વચ્ચેનો ઝઘડો સપાટી પર આવ્યો હતો અને રાહુલ ગાંધીએ કપિલ સિબલ અને ગુલામ નબી આઝાદ જેવા સિનીયર આગેવાનો ભાજપ સાથે ભળી ગયા હોવાનો આરોપ મૂક્યો હોવાની વાત પણ સામે આવી હતી.

એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે રાહુલ ગાંધી કે સી વેણુગોપાલને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવા માંગતા હતા પરંતુ તેમની માંગ નામંજૂર કરવામાં આવી હતી. ગુલામ નબી આઝાદે પણ અગાઉ CWCના સભ્યોની એપોઈન્ટમેન્ટ નહીં પરંતુ ચૂંટણી કરવામાં આવે તેવી માંગ કરતા કહ્યું હતું કે જો તેમની સલાહ નહીં માનવામાં આવે તો કોંગ્રેસ આવનારા 50 વર્ષ સુધી વિપક્ષમાં જ બેસશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here