પેનગોંગ ત્સો: ભારતીય સેનાએ PLAની જ દવાનો સ્વાદ તેને ચખાડ્યો

0
458

બે દિવસ અગાઉ મધ્યરાત્રીના સમયે ચીની સેનાએ ફરીથી ભારતના વિસ્તારોમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેને એવો જવાબ આપ્યો છે કે હવે ચીની સેના તે જવાબથી હતપ્રભ થઇ ગઈ છે.

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ એટલેકે LAC લદ્દાખ નજીક ફરીથી સળવળી છે. ગલવાન વેલીની ઘટના બાદ ભારતીય સેના અને ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA) વચ્ચે ટેન્શન દૂર કરવા માટે ચર્ચા ચાલી રહી હતી એ દરમ્યાન જ ચીની સેનાએ ફરીથી LAC પર અડપલું કરતા મામલો ફરીથી ગરમ થઇ ગયો છે.

ગઈકાલે ભારતીય સેનાએ જણાવ્યા અનુસાર 29 અને 30 ઓગસ્ટની મધ્યરાત્રીએ ચીની સેનાએ લદાખમાં આવેલા પેનગોંગ ત્સો તળાવ પાસે ઘુસણખોરી કરી હતી. મળતા અલગ અલગ આંકડા અનુસાર ચીની સૈનિકોની સંખ્યા 200 થી 500 વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.

ભારતીય સેનાના કહેવા પ્રમાણે સેનાના જવાનોએ ચીની સેનાની ઘુસણખોરીનો યોગ્ય ઉત્તર આપતા તેને પીછેહટ કરવાની ફરજ પાડી હતી. પરંતુ સ્વતંત્ર સોર્સ દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય સૈનિકોએ માત્ર ચીની સૈનિકોને પાછળ ખદેડી જ નહોતા દીધા પરંતુ ચીનના કન્ટ્રોલ હેઠળના વિસ્તારમાં 4 કિલોમીટર સુધી ઘુસી ગયા છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર ભારતીય સૈનિકો અત્યારે પેનગોંગ ત્સો તળાવ પર નજર રાખી શકાય તે રીતે ઉંચાઈ પર કબજો જમાવીને બેસી ગયા છે. 1962ની લડાઈમાં ભારતે પોતાનો આ હિસ્સો ગુમાવો દીધો હતો અને હવે આટલા બધા વર્ષો બાદ ફરીથી ભારતે આ વિસ્તાર પર પોતાનો કબજો  મેળવ્યો છે.

ઉપરોક્ત ઘટનાની ભારતીય સેના અથવાતો ભારત સરકાર દ્વારા હજી સુધી પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ચીની મિડિયામાં આ પ્રકારના સમાચાર પ્રકાશિત થઇ ચૂક્યા છે. કેટલાક ચીની પત્રકારો પણ Twitter પર ભારતને ધમકી આપી રહ્યા છે કે જો ભારતીય સેના બે દિવસ અગાઉ કબજે કરેલા સ્થાન પરથી પરત નથી જતી તો ભારતે 1962 કરતાં પણ તીવ્ર હુમલાનો સામનો કરવો પડશે.

એક રીતે જોવા જઈએ તો ભારત હવે ચીન સાથે વધુ સારી રીતે ચર્ચા કરી શકશે કારણકે ગલવાન વેલીમાં ચીને જે હરકત કરી હતી તે જ રીતે ભારતે પણ પેનગોંગ ત્સો નજીક ચીન જે વિસ્તાર પર પોતાનો હક્ક રજુ કરી રહ્યું છે તેમાં અંદર સુધી ઘુસી જતાં હવે બંનેની સ્થિતિ એક સરખી થઇ ગઈ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here