વિરોધ: ચીનના નાગરિકો જ ચીની સરકાર સમક્ષ પ્રદર્શન કરી રહ્યા છે!

0
375

ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સરમુખત્યારશાહી નિર્ણયોનો વિરોધ હવે ચીનના જ એક પ્રાંતમાં થઇ રહ્યો છે જ્યાં ચીની સરકાર મૂળ નિવાસીઓની ભાષા, સંસ્કૃતિ અને ઓળખની હત્યા કરવા માટે તત્પર બની છે.

નવી દિલ્હી: ચીનથી એક સાવ અનોખા જ સમાચાર મળી રહ્યા છે અને આ સમાચાર છે ચીની નાગરિકો દ્વારા જ ચીની સરકારનો વિરોધ. આમ તો કમ્યુનિસ્ટ ચીનમાં સરકારનો કોઇપણ પ્રકારનો વિરોધ કરવાની મનાઈ છે પરંતુ ચીનના મૂળ મંગોલિયન ક્ષેત્રના લોકો ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સરકાર દ્વારા તેમના પર લાદવામાં આવેલી મેન્ડેરીન ભાષાનો આજકાલ વિરોધ કરી રહ્યા છે.

આ ક્ષેત્રની સ્કૂલોમાં મૂળ મોંગોલિયન ભાષાને સ્થાને હવેથી મેન્ડેરીન ભાષા જ ભણાવવી તેવા ચીની સરકારના આદેશથી આ ક્ષેત્રમાં રોષ ફેલાઈ ગયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ ચીની સરકારે અહીનો અભ્યાસક્રમ બદલ્યો છે જેમાં મુખ્ય ત્રણ વિષયો એટલેકે રાજકારણ, ઈતિહાસ અને સાહિત્ય માત્ર ને માત્ર મેન્ડેરીનમાં જ ભણાવવું તેવો આદેશ કરવામાં આવ્યો છે.

એવું જાણવામાં આવ્યું છે કે આ મહિનાથી ઉપરોક્ત વિષયો આ ક્ષેત્રમાં ફક્ત મેન્ડેરીનમાં જ ભણાવવા એવો એકતરફી નિર્ણય ચીની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે આવતા વર્ષથી નૈતિકતાનો વિષય, જેમાં રાજકારણ પણ સામેલ છે તેને પણ મેન્ડેરીનમાં ભણાવવામાં આવશે.

જ્યારે વર્ષ 2022થી ઈતિહાસ પણ રાષ્ટ્રભાષા મેન્ડેરીનમાં ફરજીયાત શીખવવામાં આવશે. ચીને આ પ્રકારનો દાવ ભૂતકાળમાં તિબેટ અને શિનજીયાંગ પ્રાંતમાં પણ રમ્યો હતો જ્યાં સ્થાનિક ભાષાઓનું સ્થાન ફરજીયાત મેન્ડેરીનને આપી દેવામાં આવ્યું હતું.

ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારના આ નિર્ણયના વિરોધમાં મૂળ મંગોલિયા ક્ષેત્રના લોકોએ હવે વિરોધ શરુ કરી દીધો છે. તેમણે પોતાના બાળકોને શાળાએ મોકલવાના બંધ કરી દીધા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.

આ લોકો ચીની સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે તે મૂળ મંગોલિયન ભાષા પર મેન્ડેરીન ફરજીયાત લાગુ કરીને તેની હત્યા કરવા માંગે છે. આમ થવાથી બહુમતિ હાન સંસ્કૃતિ, તેની ભાષા અને તેની ઓળખ આવનારા સમયમાં સાવ ભૂંસાઈ જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here