આંતરરાષ્ટ્રીય અપમાન: પાકિસ્તાનને ભારત જેવી મુત્સદીગીરી ન આવડી!

0
479

વિદેશમાં કાર્યરત ભારતીય નાગરિકોને આતંકવાદી જાહેર કરવાના પાકિસ્તાનના ધમપછાડાને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે નિષ્ફળતા મળી છે એટલુંજ નહીં પરંતુ તેનું અપમાન પણ થયું છે.

ન્યૂયોર્ક: પાકિસ્તાનને ફરીથી આંતરરાષ્ટ્રીય અપમાન સહન કરવાની ફરજ પડી છે જો કે તેના માટે તેની અણઘડ વિદેશનીતિ જ જવાબદાર છે. પાકિસ્તાને UNની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ 1267નો હવાલો આપ્યો હતો અને માંગણી કરી હતી કે UN અફઘાનિસ્તાનમાં કામ કરતા બે ભારતીય નાગરિકોને આતંકવાદી ઘોષિત કરે.

પરંતુ સુરક્ષા પરિષદે પાકિસ્તાનની આ માંગણી એક ઝાટકે કાઢી નાખી હતી. વિદેશી મામલાઓના તજજ્ઞો પાકિસ્તાનની આ ચાલને ભારત દ્વારા ગયા વર્ષે 1 મે ના દિવસે લાવવામાં આવેલા જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવને UN દ્વારા  સ્વીકારવામાં આવ્યો તેના બદલા સ્વરૂપે જોવામાં આવી રહી છે.

પાકિસ્તાનને પોતાના દાવાના સમર્થનમાં પૂરાવા આપવાનું સુરક્ષા પરિષદના સભ્યો જેવા કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જીયમે કહ્યું હતું. પરંતુ પાકિસ્તાન આપેલા સમયના અંત સુધી કોઇપણ પ્રકારનો પુરાવો ન આપી શકતા તેની માંગનો અસ્વિકાર કરવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તીરુમૂર્તિએ જણાવ્યું હતું કે,

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી સતત એવો પ્રયાસ કરી રહ્યું છે કે તે આતંકવાદ સંબંધિત પ્રસ્તાવ 1267 પર તે રાજકારણ રમી શકે. આ ઉપરાંત પાકિસ્તાને આ પ્રસ્તાવને ધાર્મિક રંગ આપવાનો પણ પ્રયાસ કર્યો છે પરંતુ સુરક્ષા પરિષદે પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. અમે પરિષદના એ તમામ સભ્યનો આભાર માનીએ છીએ જેમણે પાકિસ્તાનના આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે.

અગાઉ 2019માં પણ પાકિસ્તાને ઉપરોક્ત પ્રસ્તાવ હેઠળ ચાર ભારતીયોને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, ચીને પણ આ બાબતે પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું પરંતુ સુરક્ષા પરિષદે તે સમયે પણ પાકિસ્તાનની માંગણીને નકારી દીધી હતી.

ગઈકાલે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કાર્યરત બે ભારતીય નાગરિકો અંગારા અપ્પાજી ગોવિંદા અને પટ્ટનાઈક દુગ્ગીવાલસાને UNની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાની માંગ કરી હતી. અગાઉ પણ પાકિસ્તાનને UNમાં કલમ 370ની નાબુદીના મામલે તેમજ કરાંચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા આંતકી હુમલામાં ભારતને ફસાવવા મામલે અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here