આ વર્ષની IPL રમવા દુબઈ પહોંચેલા CSKના બે ખેલાડીઓને કોરોના થતા ટીમની પ્રેક્ટીસ અટકી ગઈ હતી તે આજથી શરુ થાય છે જ્યારે ટીમને આંચકો આપતા ન્યુઝ હરભજન સિંગે આપ્યા છે.
દુબઈ: IPL 2020 આ વર્ષે કોરોનાને કારણે UAEમાં રમાવાની છે. આમ તો પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાવાની હતી પરંતુ CSKના બે ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા CSKની પ્રેક્ટીસ ખોરંભે પડી ગઈ હતી અને પહેલી મેચ MI કોઈ અન્ય ટીમ સામે રમે તેવા સમાચારો સામે આવ્યા હતા.
પરંતુ CSK ફેન્સ માટે રાહતના સમાચાર એવા આવી રહ્યા છે કે કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોની સહીત ટીમના તમામ ખેલાડીઓના તાજા રિપોર્ટ્સ નેગેટીવ આવ્યા છે અને ટીમ આજથી પૂરી તાકાતથી પ્રેક્ટીસ કરવા ઉતરી રહી છે. જે બે ખેલાડીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા તે દિપક ચહર અને ઋત્વિજ ગાયકવાડ પણ ટીમની સાથે આ વિકેન્ડમાં જ પ્રેક્ટીસ શરુ કરી દેશે.
ન્યૂઝ સંસ્થા PTIને CSKના CEO કે.એસ. વિશ્વનાથને જણાવ્યું હતું કે,
13 જણા સિવાય બાકીના તમામ ખેલાડીઓના રિપોર્ટ ત્રીજી વખત નેગેટીવ આવ્યા છે. જે લોકોના અગાઉ પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા તેમનો બે અઠવાડિયાનો આઇસોલેશન પીરીયડ સમાપ્ત થઇ ગયો છે અને તેમના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા છે.
ચહર અને ઋતુરાજ અને 11 સ્ટાફ મેમ્બર્સના આ અઠવાડિયાના અંતમાં બે વખત ટેસ્ટ કરવામાં આવશે. તેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ જ તેમને પ્રેક્ટીસ સેશન્સમાં દાખલ થવા દેવામાં આવશે તેમ વિશ્વનાથને ઉમેર્યું હતું.
જો કે વિશ્વનાથને મિડિયા રિપોર્ટ્સને નકારતા કહ્યું હતું કે હજી પણ IPL2020ની પ્રથમ મેચ MI અને CSK વચ્ચે જ રમાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે જ.
તો બીજી તરફ CSKને આંચકો આપતા સમાચાર આવ્યા છે કે ટીમના વરિષ્ઠ બોલર હરભજન સિંગે વ્યક્તિગત કારણો આગળ ધરીને આ વર્ષે IPLમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. સુરેશ રૈના બાદ હરભજન CSKનો બીજો એવો ખેલાડી બન્યો છે જે અંગત કારણોસર IPLમાંથી હટી ગયો છે.
eછાપું