બુલેટ ટ્રેન: અમદાવાદ-મુંબઈ બાદ હવે દિલ્હી પહોંચવું પણ ઝડપી બનશે!

0
346
Photo Courtesy: financialexpress.com

2017માં ટોક્યો ખાતે ભારતના અને જાપાનના વડાપ્રધાનોએ સંયુક્ત રીતે ભારતમાં બુલેટ ટ્રેન માટે સુપરફાસ્ટ કોરિડોર સ્થાપિત કરવાના પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર કર્યા હતા. અને આ પ્રોજેક્ટના ભાગરૂપે મુંબઈ-અમદાવાદ સ્ટેશનો નક્કી કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામ ચાલુ હોવા છતાં, ભારતીય રેલ્વે અત્યારથી જ એ બીજા હાઇ-સ્પીડ રેલ નેટવર્કની યોજના બનાવી રહ્યું છે.

તાજેતરમાં, દિલ્હી-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના ‘વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ’ (DPR) માટે ‘નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ’ (NHSRCL) દ્વારા માહિતી અને સંબંધિત સર્વેક્ષણના કામ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આશરે 886 કિલોમીટરની લંબાઈને આવરી લેશે અને રાજસ્થાનના જયપુર અને ઉદયપુરમાંથી પસાર થશે.

NHSRCL, જે ભારત સરકાર અને સહભાગી રાજ્ય સરકારોનુ સંયુક્ત સાહસ છે, તે પહેલાથી જ અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

થોડા મહિના પહેલા રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે કહ્યું હતું કે, હાલમાં COVID-19 રોગચાળો હોવા છતાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટનું કામ સમયસર પૂર્ણ થવાની સંભાવના છે.

દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમયમર્યાદા ડિસેમ્બર, 2023 સુધીની છે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વિવિધ મુદ્દાઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં જમીનના માલિકો દ્વારા કરવામાં આવેલ વિરોધ તેમજ ભારતીય રૂપિયા અને જાપાનીઝ યેન વચ્ચેના આર્થિક અંતરને કારણે પ્રોજેક્ટનો વધતો ખર્ચ સામેલ છે.

અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) રૂ. 1 ટ્રિલિયનના 80% સાથેની લાંબાગાળાની લોન આપી રહી છે, જે પ્રોજેક્ટને પૂરતું ફંડ આપવા માટે જરૂરી છે.

પ્રોજેક્ટનો બાકીનો ખર્ચ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સરકારો ઉઠાવશે.

અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટમાં જાપાન સાથે કેન્દ્ર સરકારનો મુખ્ય સહયોગ છે.

કલાકમાં 300 કિ.મી.થી વધુની ઝડપે આગામી બૂલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઇ વચ્ચેના મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને શહેરો વચ્ચેની રેલ્વે મુસાફરીનો સમય ફક્ત 3 કલાક જેટલો જ રહેશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચેની બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચેનું અંતર કેટલું ઓછું કરશે એ હવે જોવું રહ્યું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here