વિનાશના આરે આવીને ઉભેલા એક પક્ષીને બચાવવા ગુજરાતની અનોખી પહેલ

0
655
Photo Courtesy: Yogendra Shah

સતત થતાં વસ્તી વધારાના લીધે પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ જેવી માનવનિર્મિત ઘટનાઓથી આજે પર્યાવરણ સૃષ્ટિ અત્યંત જોખમે મુકાઇ છે. જંગલોનો નાશ થઈ રહ્યો છે અને પશુ-પંખીઓના રહેઠાણ છીનવાઇ રહ્યા છે. IUCN દ્વારા દર વર્ષે કોઈ ને કોઈ જીવ પ્રજાતિના વિનાશ થવાની જાહેરાત થતી હોય છે. એવામાં આપણા ગુજરાત રાજ્ય જંગલ વિભાગ તરફથી આવી જ એક અતિ દુર્લભ જાતિના પક્ષીને બચાવવા જરૂરી કામગીરી હાથ ધરી છે.

વિશ્વમાં સૌપ્રથમ વખત ગુજરાત રાજ્યમાં ઘોરાડ પક્ષીઓના વર્ગમાં આવતું અને અતિ દુર્લભ બની ગયેલા ‘લેસર ફ્લોરિકન’ કે જેને ખડમોર પણ કહેવામાં આવે છે, તેને ટેગ કરવામાં આવ્યું હતું.

આ પ્રજાતિના માદા પક્ષીને ટેગ કરવામાં આવ્યું હતું, જેનાથી આ પક્ષીના ઝડપથી ઘટતી વસ્તી સામે જરૂરી માહિતી મેળવીને યોગ્ય પગલાં લઈ શકાશે.

ગુજરાત રાજ્યમાં ઘોરાડ વર્ગના 3 અલગ અલગ પ્રજાતિ ધરાવતા પક્ષીઓ વસવાટ કરતાં જોવા મળ્યા છે.

  • ‘ધ ગ્રેટ ઇંડિયન બસ્ટાર્ડ’ કે જેને સામાન્ય રીતે ગુજરાતીમાં ‘ઘોરાડ’ તરીકે જ ઓળખવામાં આવે છે.
  • ‘ધ લેસર ફ્લોરિકન’ કે જેને સામાન્ય રીતે ગુજરાતીમાં ‘ખડમોર’ કહેવામાં આવે છે.
  • ‘મેકક્વીન્સ બસ્ટાર્ડ’ કે જેને સામાન્ય રીતે ગુજરાતીમાં ‘હૌબરા’ કહેવામાં આવે છે.

જેમાંથી ખડમોર વિશેના વર્તન અને ચહલ-પહલને સમજવા અને તેના પર અભ્યાસ કરવા હેતુસર 2 ખડમોરને ટેગ કરવામાં આવ્યા છે. જેમાં એક માદા ખડમોર સામેલ છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેંટે આ પક્ષીઓને ટેગ કરવા સોલર PPT (પ્લેટફોર્મ ટ્રાન્સમિટર ટર્મિનલ્સ) નો ઉપયોગ કર્યા હોવાનું જણાવ્યું હતું. જે આ પક્ષીઓ માટે અનુકૂળ રહે તેમ ટેગ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ ‘ધ વાઇલ્ડલાઇફ ડિવિજન ઓફ સાસણ-ગીર’ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો અને ‘ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ’ દ્વારા તેને કેન્દ્ર સરકારને જમા કરવામાં આવ્યો હતો.

પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, શ્યામલ ટિકાદારે  જણાવ્યું હતું કે,

સંવર્ધન અને બિન-સંવર્ધન સમયકાળ દરમિયાન આ પક્ષીઓમાં વર્તન અને તેમના રહેઠાણના વપરાશને લઈને વધુ સમજ લેવાની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રીડિંગ સીઝન એટલે કે સંવર્ધનકાળ કે, જે આ પક્ષીઓ માટે ચોમાસું હોય છે, તેમાં મોટેભાગે તેઓ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. આ સિવાય મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં પણ આ પ્રજાતિ જોવા મળે છે.

નોન-બ્રીડિંગ એટલે કે બિન-સંવર્ધનકાળ દરમિયાન આ પક્ષીઓનું રહેઠાણ હજુ સુધી ચોક્કસ માનવામાં આવતું નથી, પરંતુ કહી શકાય કે, તેઓ દેશના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગમાં સ્થળાંતર કરે છે.

તજજ્ઞોનું કહેવું છે કે, બ્રીડિંગ સીઝન સિવાય આ પક્ષીઓ નજરે ચડવા અત્યંત મુશ્કેલ બની ચૂક્યું છે.

બ્રીડિંગ સિઝનમાં તેઓ વધુ પ્રમાણમાં વેળાવદરના કાળિયાર નેશનલ પાર્કમાં જોવા મળે છે. તે પછી કચ્છના નલિયા વિસ્તારમાં પણ જોવા મળે છે.

સંવનનકાળ દરમિયાન આ પક્ષીઓમાં નર પક્ષીઓ તરફથી થતાં કરતબો ખૂબ જ જાણીતા અને જોવાલાયક હોય છે. માદા કરતાં નર પક્ષી વધુ રૂપાળું લાગતું હોય છે.

IUCN દ્વારા આ પક્ષીને ‘ભયના આરે’ વર્ગમાં જાહેર કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે ગણતરી કરતાં આ પક્ષીઓની સંખ્યા ફક્ત 700 જેટલી નોંધાઈ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here