ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની સત્તા બિલકુલ સલામત નથી!

0
437

સાંભળવામાં નવાઈ લાગે પરંતુ હાલમાં ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ પોતાની સત્તા માટે અત્યંત ચિંતિત છે. તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમાં ભારતીય સૈનિકોની LAC પરની તાજી વીરતા પણ સામેલ છે.

દુનિયાભરમાં હાહાકાર મચાવી ચુકેલા ચીની વાયરસ કોરોનાને કારણે ચીન પર દુનિયાનો કોઇપણ દેશ (સિવાય કે પાકિસ્તાન) વિશ્વાસ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. આવા સંજોગોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ જેમણે પોતે જીવે ત્યાં સુધી સત્તા ભોગવે તેવી વ્યવસ્થા તો ઉભી કરી લીધી છે પરંતુ એક તાજા વિશ્લેષણ અનુસાર તેમની સત્તા પણ અત્યારે સલામત નથી રહી, ખાસકરીને ગલવાન વેલી અને પેનગોંગ ત્સોની ઘટના બાદ.

શી જીનપિંગે જ્યારે 2013માં સત્તા સંભાળી હતી ત્યારે તેમણે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના (CCP) પોલિત બ્યુરોને ત્રણ વચન આપ્યાં હતા. પહેલું વચન હતું 2020ના અંત સુધીમાં ચીનમાંથી ગરીબી પૂરી રીતે નાબૂદ કરી દેવી. બીજું હતું ચીનને ટેક સુપરપાવર બનાવવું અને ત્રીજું વચન હતું બેલ્ટ એન્ડ રોડ અભિયાનને પૂર્ણ કરવું. આ ત્રણ વચનોના આધાર પર તેમણે CCPને પોતાને ચીનના રાષ્ટ્રપતિ બનાવવા માટે મનાવી લીધી હતી.

પરંતુ હવે તકલીફ એ ઉભી થઇ છે કે વર્ષ 2020નો અંત નજીક છે અને ચીનમાંથી ગરીબી હજી પણ દૂર નથી થઇ. બલ્કે વધુને વધુ ચીની નાગરિકો ગરીબ થઇ રહ્યા છે. આ ઉપરાંત એક અંદાજ અનુસાર આ વર્ષના માર્ચ મહિનાના અંત સુધી ચીનમાં 8 કરોડ લોકો બેરોજગાર બની ગયા હતા. આમ શી જીનપિંગ પોતાની જ પાર્ટીને આપેલા પહેલા વચનને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે.

ચીનને ટેક સુપરપાવર બનાવવાનું વચન તો કોરોનાના ફેલાવા સાથે જ ધૂળમાં મળી ગયું છે. કારણકે કોરોના એ ચીન દ્વારા બનાવવામાં આવેલો અને ફેલાવવામાં આવેલો વાયરસ છે તે દુનિયાના લગભગ તમામ દેશો માને છે. આને કારણે દુનિયાભરમાં ચીની ટેક્નોલોજી, તેના ઉત્પાદનો તેમજ તેની એપ્સ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. ભારતે તો અસંખ્ય ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તો અમેરિકાએ પણ ચીનને આ મહિનાના અંત સુધીમાં ચીની એપ્સનો તમામ ધંધો અમેરિકન્સને સોંપી દેવાની ચેતવણી આપી દીધી છે. આ ઉપરાંત દુનિયાના ઘણા દેશોએ 5G ટેક્નોલોજી પોતાને ત્યાં લાવવા માટે ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ અહીં પણ શી જીનપિંગનું વચન પૂર્ણ થયું નથી.

જ્યાં સુધી બેલ્ટ એન્ડ રોડ્સ પ્રોજેક્ટ્સનો પ્રશ્ન છે તો બાંગ્લાદેશ, ઈજીપ્ત, તાન્ઝાનિયા અને નાઈજીરિયા કોરોના બાદ આ પ્રોજેક્ટમાંથી ખસી જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. તો પાકિસ્તાન પણ મૂંગા મોઢે આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે. આફ્રિકન યુનિયન આ પ્રોજેક્ટ્સ માટે ચીને આપેલી 145 બિલીયન ડોલર્સની લોન માફ કરવાની માંગ પણ કરી ચૂક્યું છે.

આ ઉપરાંત CCPમાં પણ શુદ્ધિકરણના નામે શી જીનપિંગે અનેક નેતાઓને હકાલપટ્ટી કરી છે અથવાતો તેમના રાજીનામાં લઇ લીધા છે. આવી પરિસ્થિતિમાં ગલવાન વેલીમાં પીછેહટ અને પેનગોંગ ત્સોની ઘટના બાદ ભારતીય સેના દ્વારા કબજે લેવામાં આવેલા ચીની પોઈન્ટ્સ એ શી જીનપિંગની નિષ્ફળતા દર્શાવવા માટે પૂરતાં છે. આ કારણોસર પણ CCPની નેતાગીરીમાં શી જીનપિંગ વિરુદ્ધ રોષ ઉકળી રહ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે પેનગોંગ ત્સોની નિષ્ફળતા ચીની પ્રજા તેમજ CCPની નેતાગીરીને ભૂલાવવા બહુ જલ્દીથી શી જીનપિંગ LAC પર કોઈ નવું અને મોટું દુસ્સાહસ કરવા માટે ચીની સેનાને હુકમ કરી શકે છે. આ માટે ભારતીય સેનાએ તો તૈયાર રહેવાનું જ છે પરંતુ જો આ મોટું દુસ્સાહસ પણ નિષ્ફળ જશે તો શી જીનપિંગની સત્તા રહેશે કે કેમ તે એક મોટો સવાલ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here