IPL 2020 | M 1 | મુંબઈ ઇન્ડિયન્સે તેની પરંપરા જાળવી રાખી

0
444

ઇન્ડિયન પ્રિમિયર લીગના 2020ના સંસ્કરણનો પ્રારંભ ગઈકાલે એક ધમાકેદાર મેચ સાથે થઇ ગયો છે. સિઝનની પહેલી મેચમાં ગત વર્ષના ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે તેની એક અનોખી પરંપરા જાળવી રાખી છે.

કોરોનાકાળમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. આ પરિવર્તન એટલી હદે થયું છે કે જેની કલ્પના આ વર્ષની શરૂઆતમાં બિલકુલ ન હતી. ગઈકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે IPLનો પ્રારંભ તો થયો પરંતુ દર વર્ષની સરખામણીએ સાવ ફિક્કો એટલેકે કોઇપણ પ્રકારના ઉદ્ઘાટન સમારંભ વગર. એટલું ઓછું હોય તેમ વગર દર્શકે ખેલાડીઓ આખી મેચ રમ્યા. મેચ પત્યા બાદ પણ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ખેલાડી એકલા જ આવ્યા અને કોમેન્ટેટરે કોમેન્ટ્રી બોક્સમાંથી જ એમનો ઇન્ટરવ્યુ લીધો.

પરંતુ એક પરિવર્તન બિલકુલ ન આવ્યું અને તે હતું મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા સિઝનની પહેલી મેચ હારવાની તેની પરંપરા અંગેનું. મુંબઈ ઇન્ડિયન્સ એટલેકે MI છેલ્લા સાત વર્ષથી તેની IPLની પહેલી મેચ હારતું રહ્યું છે. પેપર પર MI એ ચેન્નાઈ સુપર કિંગ્સ એટલેકે CSK કરતાં ઘણી મજબૂત દેખાઈ રહી હતી, પરંતુ CSK માટે તેના નવા ખેલાડીઓએ કમાલ કરી બતાવ્યો હતો.

મુંબઈને ટોસ જીતીને પહેલા બેટિંગ આપવા પાછળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો વિચાર પીચનો સ્વભાવ જાણવાનો હોઈ શકે કારણકે અબુધાબીના આ સ્ટેડીયમની વિકેટ સ્પિનરોને મદદ કરે એમ હતી. પરંતુ તેમ છતાં CSKએ તેના મુખ્ય સ્પિનર ઇમરાન તાહિરને ટીમમાં સામેલ ન કર્યો તે આશ્ચર્ય પમાડે તેવી વાત હતી. ધોનીએ ટોસ વખતે એમ પણ કહ્યું હતું કે બીજી ઇનિંગમાં dew factor તેની ટીમને મદદ કરી શકે તેમ છે અને બન્યું પણ એવુંજ.

MIની શરૂઆત ઠીકઠીક રહી હતી. રોહિત શર્મા અને ક્વિન્ટન ડી’કોકે પહેલા સંભાળીને શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ડી’કોકે ખુલીને રમવાનું શરુ કર્યું અને CSKની બોલિંગની નબળાઈ બહાર આવી રહી હોવાનું દેખાવા લાગ્યું. પરંતુ ડી’કોક બાદ તમામના આશ્ચર્ય વચ્ચે સૌરભ તિવારીએ જ મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સને ખુશ થવા લાયક બેટિંગ કરી દેખાડી. તિવારી સિવાય MIના બેટ્સમેનોની આવન-જાવન ચાલુ રહી અને એક સમયે 170+ જેવો શક્ય લાગતો સ્કોર ત્યારે ભયમાં આવી ગયો જ્યારે એક પછી એક વિકેટો પડવાને કારણે એવું લાગવા લાગ્યું કે કદાચ મુંબઈના બેટ્સમેન પૂરી 20 ઓવર્સ પણ નહીં રમી શકે.

આ બાબતની ક્રેડીટ CSKના બોલર્સને આપવી જ પડે, ખાસ કરીને લુંગી ન્ગીડી અને રવિન્દ્ર જાડેજાને! આ બંને બોલરો શરૂઆતમાં ખૂબ રન આપી ચૂક્યા હતા પરંતુ ત્યારબાદ તેમણે રન ઓછા આપીને વિકેટો લેવાનું કામ કર્યું જેણે મુંબઈ ઇન્ડિયન્સને 162 રન પર અટકી જવા માટે મજબૂર કરી દીધા.

ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત બિલકુલ સારી રહી ન હતી. આઉટ ઓફ ફોર્મ અને ગૂંચવાયેલા લાગતા મુરલી વિજયે એક શ્યોર LBWની અપીલ બચાવી લીધી તો જે અપીલ સામે તે આઉટ ન હતો તેમાં રિવ્યુ લીધા વગર જ તે આઉટ થઇ ગયો. પરંતુ ત્યારબાદ CSKના સદા વિશ્વાસુ બેટ્સમેન ફાફ દુ પ્લેસી અને અંબાટી રાયુડુએ રનચેઝને પાટા પર લાવ્યો. એક છેડે જ્યારે રાયુડુ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો ત્યારે દુ પ્લેસીએ સમજણપૂર્વક સિંગલ લઈને કે જરૂર પડે ત્યારે બાઉન્ડ્રી મારીને તેને સાથ આપ્યો.

રાયુડુ આઉટ થયો ત્યારે પણ CSK વિજયથી 42 રન દૂર હતું. આશા હતી કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જે 437 દિવસ બાદ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા મેદાનમાં ઉતર્યો છે તે બેટિંગ કરવા આવશે એને ટીમને જીતની નજીક લઇ જશે. પરંતુ તેણે પહેલા રવિન્દ્ર જાડેજા અને બાદમાં સેમ કરનને મોકલ્યા જેનાથી સહુને આશ્ચર્ય થયું. પરંતુ સેમ કરનને મોકલવાનો ધોનીનો નિર્ણય સાચો સાબિત કર્યો અને કરને 6 બોલમાં 18 રન  બનાવીને CSKની જીત પાક્કી કરી લીધી.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 1 | MI vs CSK

શેખ ઝાયદ સ્ટેડિયમ, અબુધાબી

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 162/9 (20) રન રેટ: 8.10

સૌરભ તિવારી 42 (31) | લુંગી ન્ગીડી 3/38 (4)

ક્વિન્ટન ડી’ કોક 33 (20) | દિપક ચાહર 2/32 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 166/5 (19.2) રન રેટ: 8.30

અંબાટી રાયુડુ 71 (48) | જેમ્સ પેટીન્સન 1/27 (4)

ફાફ દુ પ્લેસી 58* (44) | ટ્રેન્ટ બુલ્ટ 1/23 (3.2)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સનો 5 વિકેટે વિજય

મેન ઓફ ધ મેચ: અંબાટી રાયુડુ (ચેન્નાઈ સુપર કિંગ્સ)

અમ્પાયરો: વિરેન્દર શર્મા અને ક્રિસ ગેફની | એસ રવિ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મન્નુ નૈયર

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here