સંસદમાં CAA ને લઈને છેલ્લા 5 વર્ષના આંકડાઓ રજૂ થયા

0
322

ગયા અઠવાડિયાથી સંસદમાં ચોમાસું સત્ર શરૂ થયું છે. કોરોના કાળમાં દેશમાં ઊભા થયેલી સમસ્યાઓ અને પ્રશ્નો ચર્ચાઇ રહ્યા છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા CAA અંગે સ્પષ્ટ આંકડાઓ આપવામાં આવ્યા હતા.

11 ડીસેમ્બર, 2019માં સાંસદમાંથી પસાર થયેલા અને 10 જાન્યુઆરી, 2020થી અસરકારક બનેલા ‘સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ’ (CAA), 2019  ને લઈને દેશમાં અનેક ચર્ચાઓ અને ઘટનાઓ ઇતિહાસ બની ચૂકી છે.

ભારતમાં પડોશી દેશોના અનેક લોકો પોતાનું ઘર બનાવીને વસ્યા છે. દેશની વસ્તી અને આર્થિક પરિબળોને ધ્યાનમાં લેતા આ કાયદો આગવું મહત્વ ધરાવે છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયનું નિવેદન ભારત સરકાર દ્વારા દર વર્ષે જુદા જુદા દેશોના લોકોને આપવામાં આવતી નાગરિકત્વ અંગેના ધુબ્રીના સાંસદ બદરૂદ્દીન અજમલના પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યું હતું.

નિત્યાનંદ રાયે રવિવારે લોકસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કુલ 56 રાષ્ટ્રીયતા ધરાવતા 18,855 લોકોએ ભારતીય નાગરિકત્વ મેળવ્યું છે.

જેમાં આસામના ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ (FT) માં શંકાસ્પદ મતદારોના કુલ, 83,008 કેસ બાકી છે. હાલમાં ફોરેનર્સ ટ્રિબ્યુનલ (FT) ફક્ત આસામમાં કાર્યરત છે.

માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, 2015 થી 2019 સુધીમાં કેટલા લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે.

નિત્યાનંદે લોકસભામાં લેખિતમાં આ માહિતી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, 2015 માં 15,459 લોકોને ભારતનું નાગરિકત્વ અપાયું હતું. 2016 માં 1076 લોકોને નાગરિકત્વ આપવામાં આવ્યું છે. 2017 માં 795, 2018 માં 586 અને 2019માં 939 લોકોને દેશની નાગરિકતા આપવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે, 2015-2019 દરમિયાન કુલ 15,012 બાંગ્લાદેશી, 2668 પાકિસ્તાની, 109 શ્રીલંકન, 665 અફઘાની અને 105 અમેરિકન નાગરિકોને ભારતીય રાષ્ટ્રીયતા આપવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન 40 નેપાળી, 40 UK, 23 કેન્યા, 21 મલેશિયા, 18 કેનેડા અને 18 સિંગાપોર નાગરિકોને પણ ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે.

“નાગરિકત્વ અધિનિયમ, 1955 ની કલમ 5 (નોંધણી દ્વારા) અથવા કલમ 6 (પ્રાકૃતિકરણ દ્વારા) હેઠળ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરાયેલ વ્યક્તિઓના રેકોર્ડ્સ સંપૂર્ણ રીતે તે ધારાની જોગવાઈઓ અનુસાર જાળવવામાં આવે છે. આ રેકોર્ડ ધાર્મિક દ્રષ્ટિએ જાળવવામાં આવતા નથી.” એમ મંત્રીશ્રીએ લોકસભાના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગેરકાયદેસર વસાહતીઓ અથવા વિદેશીઓની અટકાયત કરવાની જરૂરિયાત મુજબ અટકાયત કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે, જેમણે તેમની સજા પુરી કરી છે અને તેમના દેશનિકાલ માટેની પ્રોસેસ બાકી છે.

રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સ્થાપિત અટકાયત કેન્દ્રોની વિગતો તેમજ તેમાં અટકાયત કરવામાં આવેલા વિદેશી નાગરિકોની સંખ્યા કેન્દ્રિય રીતે રાખવામાં આવતી નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here