IPL 2020 | M 2 | બંને ટીમો વિજય માટે એકસરખી દાવેદાર હતી

0
334

IPLની નવી સિઝનનો હજી તો ગઈકાલે બીજો જ દિવસ હતો, પરંતુ આ બીજા જ દિવસે આ સિઝનની કદાચ સહુથી રસપ્રદ મેચ રમાઈ ગઈ હતી. આ એક એવી મેચ હતી જેમાં બંને ટીમો વિજય મેળવવાને લાયક હતી.

ક્રિકેટમાં એવી ઘણી મેચો હોય છે જેમાં બંનેમાંથી એક પણ ટીમ પરાજયને લાયક નથી હોતી પરંતુ છેવટે ક્રિકેટ હોય કે કોઇપણ અન્ય સ્પોર્ટ્સ વિજેતાનો ફેંસલો તો કરવો જ પડતો હોય છે. આ મેચ પણ એ જ પ્રકારની મેચ હતી જેમાં ન તો દિલ્હી કેપિટલ્સ એટલેકે DC હારને લાયક હતી કે ન તો કિંગ્સ ઈલેવન પંજાબ એટલેકે KXIP.

આ મેચમાં સહુથી નોંધપાત્ર બાબત એ હતી કે મેચ ભલે ટાઈ થઇ હોય અને DCને ભલે વિજય છેક સુપર ઓવરમાં મળ્યો હોય પરંતુ તેના વિજયમાં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનીસનો સહુથી મોટો ફાળો હતો. પહેલા તો બેટિંગમાં જ્યારે DCની 96 રને 6 વિકેટ પડી ગઈ હતી ત્યારે માત્ર 21 બોલમાં ધોધમાર 53 રન બનાવીને અને બાદમાં મેચની છેલ્લી ઓવર નાખતા તેણે DC અને પરાજય વચ્ચે એકમાત્ર આડખીલી એવા મયંક અગરવાલને આઉટ કરીને મેચ ટાઈ કરાવી, એમ બે વખત સ્ટોઈનીસે DCને પરાજયમાંથી બચાવ્યો હતો.

જો સ્ટોઇનીસની બેટિંગે યોગ્ય સમયે પોતાનો ફાળો ન આપ્યો હોત તો કદાચ આ મેચનું પરિણામ અલગ હોઈ શકત. પરંતુ ક્રિકેટમાં જો અને તો ને કોઈજ સ્થાન નથી હોતું. KXIPની બેટિંગ વધુ બેજવાબદાર હતી. ઘણીવાર ઊંચા શોટ્સ મારીને બેટ્સમેનો બેજવાબદારી દેખાડતા હોય છે એમ ઘણીવાર પ્લાન વગરની બેટિંગ કરીને પણ બેજવાબદારી દેખાડી શકાતી હોય છે. એક તરફ જ્યારે અગરવાલ શાંતિથી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ટેકો આપવાને બદલે કાં તો KXIPના બેટ્સમેનોએ સ્ટ્રાઈક રોટેટ ન કરી યા તો એમણે ખરાબ શોટ્સ રમ્યા.

ભલે સ્ટોઈનીસે મેચનું પાસું પલટાવી દીધું પરંતુ બેટિંગ જોવાની મજા મયંક અગરવાલે કરાવી હતી. ખાસ કરીને તેની સ્ટ્રેઈટ સિક્સર્સ અને ફોર્સ. તેના સ્ટ્રોક પ્લેએ કોમેન્ટ્રી બોક્સમાં બેસેલા માંધાતાઓના મોઢામાં આંગળા નખાવી દીધા હતા. ક્રિકેટ એ મહેનતની રમત હોવા ઉપરાંત નસીબની રમત પણ છે નહીં તો જ્યારે જીત માટે માત્ર 1 રન જોઈતો હોય, એક સિવાય બધા જ ખેલાડીઓ સર્કલમાં આવી ગયા હોય અને તો પણ તમે સર્કલની બહાર રહેલા એકમાત્ર ખેલાડીઓને કેચ કેમ આપી શકો? જો KXIP પ્લે ઓફ્સમાં નહીં પહોંચે તો મયંક અગરવાલને તેનો આ એક શોટ મહિનાઓ સુધી યાદ રહેશે.

સુપર ઓવરમાં મયંક અગરવાલને બેટિંગ કરવા કેમ ન મોકલાયો અને અમ્પાયરે એક રન શોર્ટ કેમ આપ્યો આ પણ આ મેચના બે વિવાદાસ્પદ મુદ્દાઓ રહ્યા હતા જેની ચર્ચા પણ આ સમગ્ર IPL દરમ્યાન થશે જો KXIP ટુર્નામેન્ટમાં વધુ સારી પ્રગતી નહીં કરી શકે તો.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 2 | DC Vs KXIP

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

ટોસ: કિંગ્સ ઈલેવન પંજાબ (બોલિંગ)

દિલ્હી કેપિટલ્સ 157/8 (20) રન રેટ: 7.85

માર્કસ સ્ટોઈનીસ 53 (21) | મોહમ્મદ શામી 3/15 (4)

શ્રેયસ ઐયર 39 (32)  | શેલ્ડન કોટ્રેલ 2/24 (4)

કિંગ્સ ઈલેવન પંજાબ 157/8 (20) રન રેટ: 7.85

મયંક અગરવાલ 89 (60) | રવિચંદ્રન અશ્વિન 2/2 (1.0)

ક્રીશ્નપ્પા ગૌતમ 20 (14) | કાગિસો રબાડા 2/28 (4)

પરિણામ: મેચ ટાઈ, દિલ્હી કેપિટલ્સનો સુપર ઓવરમાં વિજય

મેન ઓફ ધ મેચ: માર્કસ સ્ટોઇનીસ (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: નીતિન મેનન અને અનિલ ચૌધરી | પોલ રાઈફલ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here