નવાઝ શરીફ આમ અચાનક જ પાકિસ્તાની સેના પર કેમ વરસી પડ્યા?

0
615

પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે અચાનક જ પોતાના તેવર બદલ્યા છે અને તેઓ પાકિસ્તાની સેના વિરુદ્ધ કડક ભાષામાં બોલી રહ્યા છે. આવું કેમ શક્ય બન્યું? – એક વિશ્લેષણ.

ગઈકાલે તમામ પાકિસ્તાની વિપક્ષી પાર્ટીઓએ એક ઓનલાઈન સભા બોલાવી હતી. આ સભામાં લંડનમાં પોતાની સારવાર કરાવી રહેલા પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે પણ ભાગ લીધો હતો. આ સભાને સંબોધન કરતા નવાઝ શરીફે પાકિસ્તાની સેનાની અત્યંત આકરી ભાષામાં ટીકા કરી હતી. જો કે પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટના નવી નથી. જે કોઇપણ પાર્ટી સત્તામાં હોય તેના સિવાયની તમામ પાર્ટીઓ થોડા થોડા સમય બાદ એકથઇને સત્તાધારી પાર્ટી અને સેનાની ટીકા કરતી રહેતી હોય છે.

મુદ્દાની વાત એવી છે કે પાકિસ્તાનમાં સેનાની મંજૂરી વગર કોઇપણ ‘લોકશાહી સરકાર’ સત્તાસ્થાને આવી શકતી નથી. પાકિસ્તાનમાં કાં તો સેનાની સરકાર હોય અથવાતો સેનાની ‘સિલેક્ટેડ’ સરકાર હોય છે. મજાની વાત એ છે કે છેક પાકિસ્તાનની આઝાદીથી અત્યારસુધી સત્તાનું આ પ્રકારનું ચકડોળ ચાલતું રહ્યું હોવા છતાં પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઇમરાન ખાનને જ ‘સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર’ તરીકે નવાજવામાં આવી રહ્યા છે.

એ સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં વડાપ્રધાન કોઇપણ પક્ષનો હોય પરંતુ તેને શાસન સંભાળવા તેમજ તેને ચલાવવા માટે સેનાની જરૂર પડતી હોય છે. અને જ્યારે આ જ વડાપ્રધાન સેનાની નજરમાંથી ઉતરી જાય છે અને તેના સ્થાને કોઈ બીજા પક્ષનો વડાપ્રધાન સત્તાસ્થાને આવે છે ત્યારે એ જ વડાપ્રધાન સેનાની ટીકા કરવા લાગે છે. પરંતુ નવાઝ શરીફે હાલની પાકિસ્તાની સેનાની જે શબ્દોમાં ટીકા કરી છે તે કદાચ સહુથી આકરા શબ્દોમાં કરેલી ટીકા હોય તેવું લાગી રહ્યું છે.

નવાઝ શરીફે ગઈકાલે એટલી હદ સુધી કહી દીધું હતું કે તેમનો (એટલેકે તમામ પાકિસ્તાની વિપક્ષોનો) વિરોધ ઇમરાન ખાન પ્રત્યે નથી પરંતુ તેમના જેવા અક્ષમ વડાપ્રધાનને પાકિસ્તાની પ્રજાના માથે મારનાર સેના પ્રત્યે છે. નવાઝ શરીફનું આ નિવેદન અત્યંત હિંમતવાળું કહી શકાય કારણકે તેઓ હાલમાં ભ્રષ્ટાચારના બે કેસમાં જામીન પર છે અને ઇંગ્લેન્ડમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. તેમના માટે લંડન જેવું શક્ય ન હતું જો તેમને પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર બાજવા અને તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા વડાપ્રધાન ઇમરાન ખાનના આશિર્વાદ ન હોત તો.

નવાઝ શરીફે તો એમ પણ ઉમેર્યું હતું કે હાલમાં જે રીતે પાકિસ્તાનમાં શાસન ચાલી રહ્યું છે તેનાથી પાકિસ્તાની સરકાર ફક્ત પાકિસ્તાનીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. શરીફે વધુ હિંમત દેખાડતા કહ્યું હતું કે સેનાએ બંધારણ અનુસાર તેમજ કાયદે આઝમ મોહમ્મદઅલી જીન્નાના કહેવા અનુસાર ચાલીને સત્તાથી દૂર થઇ જવું જોઈએ. એટલુંજ નહીં પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીને ટાંકીને શરીફે કહ્યું હતું કે ગીલાનીએ તો એમ કહ્યું હતું કે પાકિસ્તાની સેના એ દેશની અંદર બીજો દેશ બની ગઈ છે, પરંતુ તેમનું (શરીફનું) સ્પષ્ટપણે માનવું છે કે પાકિસ્તાની સેના એ દેશથી પણ મોટો બીજો દેશ બની ગઈ છે!

શરીફના તેવર જોઇને એવું લાગી રહ્યું છે કે તેઓ પાકિસ્તાની સેના વિરુદ્ધ આરપારની લડાઈ લડવાના મૂડમાં છે, પરંતુ તે શક્ય છે ખરું? આજે જે પાકિસ્તાની વિપક્ષો શરીફના ગઈકાલના નિવેદનની વાહવાહી કરી રહ્યા છે તેમાંથી એકને પણ સેના આવતી ચૂંટણીમાં સિલેક્ટ કરે અને તેને સત્તા સ્થાને બેસાડે તો શું આ જ વિપક્ષી પાર્ટીઓ શરીફની સજા વધારવાનું અથવાતો તેમની જામીન રદ્દ કરવા સુધીનું કામ કરતા અટકશે ખરી?

એ તો આવનારો સમય જ કહી શકશે કે નવાઝ શરીફ કોના સમર્થનથી આટલી હિંમત દેખાડી રહ્યા છે, કે પછી તેઓ આ પ્રકારનું નિવેદન સેનાના કહેવાથી જ આપી રહ્યા છે જેથી તેઓ આગામી ચૂંટણી અગાઉ પહેલાની જેમજ પાકિસ્તાનમાં નાટકીય ઢબે એન્ટ્રી કરે અને ફરીથી સેનાના આશિર્વાદથી જ વડાપ્રધાન સિલેક્ટ થઇ જાય. પાકિસ્તાની સેના આમ પણ હવે ઇમરાન ખાનની મુર્ખામીથી કંટાળી ગઈ હોવાના સમાચાર વારંવાર આવી રહ્યા છે અને ઝરદારી અને બિલાવલ તેની ગૂડ બુક્સમાં ન હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે.

આવામાં, નવાઝ શરીફ એ પાકિસ્તાની સેનાનો કુદરતી વિકલ્પ બની શકે તેમ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here