IPL 2020 | M 3 | સન રાઈઝર્સનો મધ્યાન્હે અસ્ત થઇ ગયો

0
300

ક્રિકેટ મેચોમાં ધબડકો એટલેકે કોલેપ્સ કોઈ નવી વાત નથી, પરંતુ આ ધબડકો કયા સમયે આકાર લે છે તે મહત્ત્વનું હોય છે. સન રાઈઝર્સ હૈદરાબાદના ધબડકાનો સમય ઘણો ખરાબ હતો.

આ મેચ એક એવી મેચ હતી જેમાં બંને ટીમો વચ્ચે વિજેતા કોણ બનશે તેનો એક સ્પષ્ટ સંકેત મેચ પહેલા સમજી શકાય એમ હતો. પરંતુ ક્રિકેટને ‘અનિશ્ચિતતાઓની ભવ્ય રમત’ એમનેમ નથી કહેવાતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ વર્ષોથી IPLમાં ખરાબ છે. RCB માત્ર એક વખત IPLની ફાઈનલમાં પહોંચી છે બાકી મોટાભાગે તે પ્લે ઓફ્સથી દૂર જ રહેતી હોય છે.

આથી આ મેચમાં પણ RCBની જીતની શક્યતાઓ ઘણી ઓછી જોવાઈ રહી હતી. તેમ છતાં જે ટીમમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી હોય અને 360 ડીગ્રી પર શોટ્સ મારી શકતા અબ્રાહમ ડી’વિલીયર્સ હોય અને વૈશ્વિક ક્રિકેટમાં શ્રેષ્ઠ લેગ સ્પિનર તરીકે નામના મેળવી ચૂકેલો યુઝવેન્દ્ર ચહલ હોય તે ટીમને સાવ ઓછી તો ન જ આંકી શકાય. પરંતુ આ વખતે SRHને હરાવવા માટે RCBના બેટ્સમેનો કરતા તેના બોલર્સનો મોટો ફાળો રહ્યો હતો.

આગળ આપણે જે વાત કરી તેમ અત્યારસુધી RCBને પ્લે ઓફ્સથી દૂર રાખવામાં તેની નબળી બોલિંગ જવાબદાર રહી છે, પરંતુ આ મેચમાં યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ SRHને જીતથી સતત દૂર રાખ્યું હતું. જો કે અહીં SRHના બટેટાની વેફરથી પણ પાતળા મિડલ ઓર્ડર પણ તેની હાર માટે જવાબદાર હતો.

એક સમયે SRHનો સ્કોર 121 રને 2 વિકેટ હતો અને તે સમયે જોની બેરસ્ટો આઉટ થયો અને ત્યારબાદ સમગ્ર ટીમ બીજા 32 રન જ ઉમેરીને ડગઆઉટમાં ચાલી ગઈ હતી. ચહલે તેની છેલ્લી ઓવરમાં બેરસ્ટો અને વિજય શંકરને આઉટ કરીને મેચનું પાસું પલટાવી દીધું અને ત્યારબાદ જે બાકી હતું તે નવદીપ સૈનીએ પૂરું કર્યું હતું.

એક રીતે જોવા જઈએ તો જ્યાં સુધી જોની બેરસ્ટો રમી રહ્યો હતો ત્યાં સુધી RCBના જીતવાના કોઈ ચાન્સ જ ન હતા. પરંતુ RCBને પણ આ વિજયમાંથી ઘણું શીખવાનું છે. એક તો તેની ફિલ્ડીંગમાં સુધારની જરૂર છે ગઈકાલે આ ટીમે મહત્ત્વના કેચ છોડ્યા છે અને બીજું તેણે ઉમેશ યાદવનું કશું કરવું પડે એમ છે. યાદવ કેપ્ટન કોહલીનો મનગમતો ખેલાડી જરૂર હશે પરંતુ હવે RCB આ IPLમાં ફેન્સની ટીકા બંધ કરવા એટલીસ્ટ પ્લે ઓફ્સમાં પહોંચવું જ પડશે અને એ માટે ઉમેશ યાદવને સ્થાને કોઈ  બહેતર બોલરને રમાડવો પડશે કારણકે યાદવ છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 3 | SRH vs RCB

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ

ટોસ: સન રાઈઝર્સ હૈદરાબાદ (બોલિંગ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 163/5 (20) રન રેટ: 8.15

દેવદત્ત પડીક્કલ 56 (42) | ટી નટરાજન 1/34 (4)

એબી ડી’વિલીયર્સ 51 (30) | અભિષેક શર્મા 1/16 (2.0)

સન રાઈઝર્સ હૈદરાબાદ 153 – ઓલ આઉટ (19.4) રન રેટ: 7.88

જોની બેરસ્ટો 61 (43) | યુઝવેન્દ્ર ચહલ 3/18 (4)

મનીષ પાંડે 34 (33) | શિવમ દુબે 2/15 (3.0)

નવદીપ સૈની 2/25 (4)

પરિણામ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 10 રને વિજય

મેન ઓફ ધ મેચ: યુઝવેન્દ્ર ચહલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

અમ્પાયરો: અનિલ દાંડેકર અને નીતિન મેનન | અનિલ ચૌધરી (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: પ્રકાશ ભટ્ટ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here