IPL 2020 | M 4 | સુપર કિંગ્સે જરા વધારે પડતી રાહ જોઈ નાખી

0
326

IPL 2020ની આ મેચ સંજુ સેમસનની ધમાકેદાર ઇનિંગને કારણે સદાય યાદ રાખવામાં આવશે, તો ચેન્નાઈ સુપર કિંગ્સના મોડા રનચેઝ માટે પણ એટલીજ યાદ રખાશે.

ક્રિકેટની કોઇપણ મેચમાં રનચેઝના ટાઈમિંગનું ખાસ મહત્ત્વ હોય છે. જ્યારે તમારું ટાર્ગેટ નાનું અથવાતો મધ્યમ હોય ત્યારે તમે આરામથી અને શરૂઆતમાં વિકેટો ન ગુમાવો તેનું ધ્યાન રાખીને રનચેઝ શરુ કરી શકો છો. પરંતુ જ્યારે તમારે હિમાલય જેટલું લક્ષ્ય હાંસલ કરવું હોય ત્યારે તમારે પહેલા જ બોલથી આક્રમકતા દેખાડવી પડતી હોય છે પછી ભલેને ટપોટપ વિકેટો પડે?

ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સ એટલેકે RR દ્વારા અદભુત બેટિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંજુ સેમસને તેની જે ઓળખ છે એ દર્શાવતી બેટિંગ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલેકે CSKના બોલિંગ પાવરની જાણેકે સેમસને નોંધ જ ન લીધી હોય એ પ્રકારની નીશ્ફીકર બેટિંગ તેણે કરી હતી. તેના સિવાય કેપ્ટન સ્ટિવ સ્મિથે પણ સેમસનની બેટિંગથી ઘવાયેલા ચેન્નાઈના બોલર્સની બરોબર ધોલાઈ કરી હતી.

પરંતુ આ બંને સિવાય RRના અન્ય કોઈ બેટ્સમેનોએ ખાસ ઉકાળ્યું ન હતું અને પરિણામે એક સમયે જે સ્કોર 230ની આસપાસ લાગતો હતો તે એક પછી એક વિકેટો પડવાને કારણે 200 સુધી પહોંચવામાં પણ હાંફી ગયો હતો. ભલું થજો જોફ્રા આર્ચરનું કે તેણે લુંગી ન્ગીડી દ્વારા નાખવામાં આવેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં 4 સિક્સર્સ મારીને RRને ફરીથી તેના ધારેલા સ્કોરની નજીક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

તેમ છતાં CSKની બેટિંગ લાઈન અપને જોતાં આ સ્કોર એચીવ કરવો શક્ય લાગી રહ્યું હતું. જો કે IPLના 12 વર્ષના ઇતિહાસમાં એક પણ ટીમે રનચેઝ કરતાં 218નું લક્ષ્ય હાંસલ કર્યું હોય તેવો એક પણ દાખલો આપણી સામે નથી. પરંતુ CSKની કોઈ રણનીતિ હોય કે પછી RRના બોલર્સની અદભુત બોલિંગ હોય પાવરપ્લેમાં ઓછામાં ઓછા 60 રન બનાવવાની જરૂર હતી તે CSKના બેટ્સમેન ન કરી શક્યા.

શેન વોટ્સને થોડા ફટકા જરૂર માર્યા પરંતુ તે ઘણા મોડા હતા. એવી જ રીતે ફાફ દુ પ્લેસીએ જ્યારે ખરેખરા રનચેઝની શરૂઆત કરી ત્યારે પણ તે સમયથી ઘણો પાછળ દોડી રહ્યો હોય તેવું સતત લાગી રહ્યું હતું. એક સમયે જ્યારે CSK 130 રનની આસપાસ હતું ત્યારે સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે અહીંથી જો CSK જીતે નહીં પરંતુ જો 200ના સ્કોર સુધી પણ પહોંચશે તો પણ મજા આવશે.

છેવટે CSKએ બરોબર 200 રન કર્યા પરંતુ ગાવસ્કરે કરેલી ભવિષ્યવાણી જેવી મજા બિલકુલ ન આવી. કારણકે છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રણ સિક્સરો મારી જેમાંથી બે તો સ્ટેડિયમની બહાર જતી રહી તો પણ એ CSKને નહીં જ જીતાડી શકે તે તો છેલ્લી ઓવરની શરૂઆતમાં જ નિશ્ચિત થઇ ગયું હતું.

જો શેન વોટ્સન, ફાફ દુ પ્લેસી અને મહેન્દ્ર સિંહ ધોનીએ પોતપોતાની આક્રમકતા સ્હેજ વહેલી દેખાડી હોત તો મેચનું પરિણામ અલગ હોઈ શકત. પરંતુ ક્રિકેટમાં જો અને તોનું કોઈજ સ્થાન નથી.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 4 | RR vs CSK

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ, શારજાહ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

રાજસ્થાન રોયલ્સ 216/7 (20) રન રેટ: 10.80

સંજુ સેમસન 74 (32) | સેમ કરન 3/33 (4)

સ્ટિવ સ્મિથ 69 (47) | દિપક ચહર 1/31 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 200/6 (20) રન રેટ: 10.00

ફાફ દુ પ્લેસી 77 (37) | રાહુલ તેવટીયા 3/37 (4)

શેન વોટ્સન 33 (21) | જોફ્રા આર્ચર 1/26 (4)

પરિણામ: રાજસ્થાન રોયલ્સ 16 રને જીત્યું

મેન ઓફ ધ મેચ: સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ)

અમ્પાયરો: સી. સમશુદ્દીન અને વિનીત કુલકર્ણી | કે.એન અનંતપદ્મનાભન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here